બાળમિત્રો, ભારતીય રેલવે એ ભારત સરકારનું સૌથી મોટું તંત્ર છે. દેશમાં 1,15,000 કિ.મી. સુધી બિછાવેલા પાટા પર આજે રોજની 12,617 ટ્રેનો દોડે છે. દેશના 8338 સ્ટેશનો પરથી રોજ 3 કરોડ લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરીને નિયત સ્થળે પહોંચે છે. દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન હાવરા સ્ટેશન છે અને સૌથી મોટું જંકશન મથુરા જંકશન છે જયાંથી દેશમાં અલગ અલગ દિશામાં જતી 7 જેટલી રેલવે લાઇન ફંટાય છે. સૌથી નાનું સ્ટેશન ઓરિસ્સાનું આઇબી સ્ટેશન છે. દેશમાં સૌથી પહેલી ટ્રેનના પાટા સને ૧૮૩૭ માં મદ્રાસ પાસેના રેડ હિલ્સથી ચિંતાદ્રીપેટ સુધી નંખાયેલા હતા અને 25 Km. સુધી ટ્રેન દોડતી થયેલી પણ ખરેખર તો તેનો પાકા રસ્તા બનાવવા માટેના પથ્થરો અને ગ્રેનાઇટના પરિવહન માટે જ ઉપયોગ થતો. અન્ય રાજયોની માંગ વધતા 1845માં રેલવેની યોજના બનાવાઇ તે છેક 16 એપ્રિલ 1853માં બોરીબંદરથી થાણા સુધીની 34 કિ.મી.ની સૌ પ્રથમ રેલવેલાઇન ચાલુ કરાઇ હતી.
સને 1888માં બોરીબંદર સ્ટેશનને રિનોવેશન કરી નવું બનાવાયું જેને આજે આપણે વિકટોરિયા ટર્મિનલ (VT સ્ટેશન) તરીકે ઓળખીએ છીએ. આજે દોડતી 12,617 ટ્રેનોમાં સૌથી મોંઘી મહારાજા એકસપ્રેસની મુસાફરી છે. જે 8 દિવસની યાત્રા દરમ્યાન તાજમહાલ, ખજુરાહો મંદિર, રણથંભોર, ફતેહપુર સિક્રિ અને વારાણસી સહિત પ્રમુખ પર્યટન સ્થળોએ લઇ જાય છે. આ ટ્રેનમાં ડીલકસ લકઝરી કેબિનથી પ્રેસિડેંશ્યલ સ્યુટના 800 ડોલરથી 2500 ડોલર સુધીનો ચાર્જ વસૂલાય છે. દેશની સૌથી લાંબા અંતરની ટ્રેન દિબ્રુગઢથી કન્યાકુમારી વચ્ચે ચાલે છે. આ બંને સ્ટેશન વચ્ચેનું 4286 Km.નું અંતર 82 કલાક અને 30 મિનિટમાં કપાય છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન 2023ના અંતમાં અમદાવાદ – મુંબઇ વચ્ચે દોડતી થઇ જશે. આ બે સ્ટેશન વચ્ચેનું 508 Km.નું અંતર માત્ર 2 કલાકમાં કપાશે.