Business

રિઝર્વ બેંકે વ્યાજદરો માટે લીધો આ નિર્ણય: મોંઘવારી વચ્ચે સતત 11મી વાર….

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank OfIndia)ની નવા નાણાકીય વર્ષ(financial year) 2022-23ની પ્રથમ બેઠક મળી હતી. જેમાં વ્યાજદર(Interest rate) અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકએ રેપો રેટ(repo rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ હજુ ચાર ટકા જ રહેશે. આ સાથે રિવર્સ રેપો રેટ(Reverse repo rate) 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ સતત 11મી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી (RBI Monetary Policy) કમિટીની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. આ બેઠક 6 એપ્રિલના રોજ શરૂ થઇ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બે દિવસીય આરબીઆઈ મોનેટરી પોલિસી બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે તમામ સભ્યોની સહમતિથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો
આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજાર સપ્લાય ચેઈનને લઈને દબાણ હેઠળ છે. સેન્ટ્રલ બેંકે આ નાણાકીય વર્ષ 2021-22 માટે પણ જીડીપી વૃદ્ધિનું અનુમાન 9.5 ટકા પર જાળવી રાખ્યું છે. આ સાથે જ, રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે તેના જીડીપી વૃદ્ધિનાં અનુમાનમાં ઘટાડો કર્યો છે.ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7.2 ટકા કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ અંદાજ 7.8 ટકા આપવામાં આવ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો સરેરાશ અંદાજ 5.7 ટકા
આરબીઆઈના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિનું અનુમાન 16.2 ટકા, બીજા ત્રિમાસિકમાં 6.2 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 4.1 ટકા, જ્યારે ચોથા ત્રિમાસિકમાં ચાર ટકા રાખવામાં આવ્યું છે. આ સાથે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરનો અંદાજ છે. આ નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવાનું અનુમાન 5.7 ટકા રાખવામાં આવ્યું છે.

વિશ્વનાં અનેક દેશોમાં લોન મોંઘી થઇ
અગાઉની 10 બેઠકોમાં સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટના નીતિગત વ્યાજ દરો યથાવત રાખ્યા છે. RBIએ છેલ્લે 22 મે 2020 નાં રોજ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો ત્યારથી તે 4% નાં પોતાના ઐતિહાસિક નીચલા સ્તરે જ યથાવત રહ્યો છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં વ્યાજના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી દેવાઇ છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લોન લેવી ખૂબ મોંઘી થઇ છે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંકે વ્યાજના દરોમાં ભારે ધરખમ વધારો કરતા તેને 2.50 ટકાથી ડાયરેક્ટ 12.25 કરી દીધા છે.

Most Popular

To Top