Sports

પિતાનું મૃત્યુ, સંઘર્ષમય જીવન છતાં હિંમત ન હાર્યો, અંતે કોમનવેલ્થમાં બનાવ્યો રેકોર્ડ!

અચિંત શિયુલી. 20 વર્ષીય ભારતીય વેઇટલિફ્ટરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શિયુલીએ પુરુષોની વેઈટલિફ્ટિંગની 73 Kg વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શિયુલીએ કુલ 313 Kg. વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચનાર અચિંત શિયુલીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. પશ્ચિમ બંગાળના હાવડામાં 24 નવેમ્બર 2001ના રોજ જન્મેલા અંચિતે માત્ર 10 વર્ષની ઉંમરે વેઈટલિફ્ટિંગની તૈયારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તેનો સાથી તેનો જ ભાઈ આલોક હતો. અચિંતનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. પરિવાર ચલાવવા પિતા મજૂરી કામ કરતા હતા.

આવી સ્થિતિમાં તે પોતાના મોટા ભાઈ સાથે સ્થાનિક જિમમાં ટ્રેનિંગ લેતો હતો. વર્ષ 2013માં તેમના પિતાનું અવસાન થતાં તેમના પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો. પિતાના અવસાન બાદ ભાઈ આલોકે વેઈટ લિફ્ટિંગ છોડી દીધું અને પરિવારનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન માતા પૂર્ણિમા શિયુલી સીવણકામ કરીને ઘરનો ખર્ચ ચલાવતી હતી. જો કે, અચિંત પૂરા જુસ્સા સાથે રમતમાં ફોકસ કરી રહ્યો હતો.

ત્યાર બાદ આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટના ટ્રાયલમાં પસંદગી પામ્યો, જ્યાં તેણે 2015માં એડમિશન લીધું હતું. સખત મહેનતના કારણે અચિંતને તે જ વર્ષે ભારતીય રાષ્ટ્રીય શિબિરમાં સામેલ થવાની તક મળી હતી. તેણે તે જ વર્ષે કોમનવેલ્થ યુથ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 2016 અને 2017માં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી, જ્યારે 2018માં અચિંત રાષ્ટ્રીય શિબિરમાં જોડાયો હતો. 2018માં તેણે યુવા ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ 2019માં તેણે જુનિયર અને સીનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, 2021માં અચિંત સીનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

20 વર્ષના શિયુલીએ સ્નેચમાં રેકોર્ડ 143 Kg વજન ઉપાડ્યું હતું. તે પહેલાં કોમનવેલ્થ ગેમ્સમાં અન્ય કોઈ વેઈટલિફ્ટર આ કારનામું કરી શક્યો ન હતો. જ્યારે તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 Kg સહિત કુલ 313 Kg વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મલેશિયાના એરી હિદાયતે 303 Kg વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. કેનેડાના શાદ દરસિગ્નીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દરસિગ્નીએ કુલ 298 Kg વજન ઉપાડ્યું હતું.

Most Popular

To Top