SURAT

સુરતના હીરાના વેપારીની દીકરીએ 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી

સુરત: જે ઉંમરે બાળકો રમકડાં સાથે રમતા હોય. મોબાઈલ સ્ક્રીન પર કાર્ટૂન જોતા હોય તે નાનકડી ઉંમરે સુરતના હીરાના વેપારીની દીકરીએ (Surat Diamond Merchant Daughter Initiation) સંસારનો ત્યાગ કર્યો છે. હીરાના વેપારી ધનેશ સંઘવીની 9 વર્ષની પુત્રી દેવાંશી સંઘવીએ કરોડોની સંપત્તિ અને જાહોજલાલીના જીવનને છોડીને આજે દીક્ષા લઈ લીધી છે. દીક્ષા નગરી સુરતના વેસુ સ્થિત બલર ફાર્મમાં હાલ બાળ વિરાંગના દેવાંશીકુમારીનો દીક્ષાનો પાંચ દિવસનો મહા મહોત્સવ ચાલી રહ્યો છે. જે બલર ફાર્મ જિનશાસનની ઐતિહાસિક 77 તથા 74 દીક્ષાની ભૂમિ છે. હીરાના વેપારીની દીકરી કરોડોની વારસદાર માત્ર નવ વર્ષની દેવાંશીએ દોમ દોમ સાહ્યબી છોડીને દીક્ષા લઈ લીધી છે.

આજે દેવાંશીએ શ્રમણ-શ્રમણી, ભગવંતો અને લગભગ 35 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના હસ્તે દીક્ષાના દાન-રજોહરણ ગ્રહણ કર્યા છે. હજારો વ્યક્તિ સુંદર રીતે દીક્ષા માણી શકે માટે વિશાળ રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થામાં આ દીક્ષા સમારંભ યોજાઈ ગયો.તમામ વ્યવસ્થા દેવાંશીના માલગાવ નિવાસી ભેરુમલજી હકમાજી સંઘવી પરિવારે ગોઠવી હતી. સદા ખિલખિલાટ હસતી નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ જ્ઞાન મેળવી બહુ જ સમજણપૂર્વક સંસાર છોડી દીધો છે, વિશાળ પરિવારમાં ઉછરેલી દીકરીનો ત્યાગ ખરેખર આ જગતનને સાચા સુખના માર્ગનો સાચો સંદેશ અને ઉદાહરણ છે.

આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં જ્યારે દેવાંશીને રજોહરણ અર્પણ કર્યા હતા. વિદુષી સાધ્વીજી પૂ.પ્રશમિતાજીના ચરણે દેવાંશી જીવન સોંપશે. ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તથા ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની બહુમુખી પ્રતિભાશાળી દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ તા.14 જાન્યુઆરીએ વેસુના બલર ફાર્મમાં આરંભ થયો હતો.

મંગળવારે 4 હાથી, 20 ઘોડા અને 11 ઊંટ સાથે દીક્ષાર્થીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
મંગળવારે વરઘોડાનાં દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા. જાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ-નગારાં અને વિવિધ સંગીતના સૂરોની રેલમછેલમ હતી. બુધવારે સવારે 5 વાગ્યાથી દીક્ષા વિધિનો આરંભ થયો હતો, જેમાં 35 હજારથી વધુ ધર્મપ્રેમીઓ ઉત્સવના સાક્ષી બન્યા હતા. દીક્ષા મહોત્સવને 450થી વધુ કાર્યકરો એક મહિનાથી દીક્ષાનગરી સજાવી રહ્યા હતા, જેમાં બાળ પ્રભાવી શૌર્ય ગાથા, અધ્યાત્મ બાળ, અદભૂત જિનાલય આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા.

ચાર મહિનાની ઉંમરે જ દેવાંશીએ ચો વિહાર શરૂ કરી દીધા હતા
દીક્ષા લઇ રહેલી દેવાંશીનો ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7મા વર્ષે પૌષધ કર્યા. આ ઉપરાંત એણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યાં, આટલી ઉંમરમાં તેણે 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે. તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે.

Most Popular

To Top