Columns

ભક્તિની ચરમસીમા

એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી,મનમાં એક પ્રશ્ન છે. આજ્ઞા આપો તો પૂછું?’ગુરુજીએ કહ્યું, ‘પૂછ વત્સ.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આપ કહો છો કે ભક્તિ કરવી જોઈએ અને ધીમે ધીમે વધારતાં જવું જોઈએ અને ચરમસીમાએ પહોંચવું જોઈએ.તો મારો પ્રશ્ન છે ભક્તિની શરૂઆત અને ભક્તિની ચરમસીમા એટલે શું? મને તે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, ચાલ મારી સાથે’આટલું કહીને ગુરુજી શિષ્યને લઈને જંગલમાં ગયા અને થોડે દૂર એક વાંદરાઓનું ઝુંડ હતું તે બતાવતાં શિષ્યને કહ્યું, ‘વત્સ, આ વાંદરાઓના ઝુંડની ક્રિયાઓનું થોડી વાર અવલોકન કર.પછી તને હું સમજાવું છું.’શિષ્યે વાંદરાઓ શું કરે છે તે જોયા કર્યું.

વાંદરાઓ એક ઝાડથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતા હતા,ડાળીઓ પકડીને ઝૂલતા હતા અને વાંદરી જયારે પણ કૂદતી ત્યારે બચ્ચાને પોતાના ગળે વળગાડીને કૂદતી હતી. થોડી વાર પછી ગુરુજીએ શિષ્યને પૂછ્યું, ‘વત્સ, તેં બરાબર નિરીક્ષણ કર્યું?’શિષ્યે જવાબમાં હા પાડી.ગુરુજીએ કહ્યું, ‘તો તું મને કહે, વાંદરી પોતાના બચ્ચાને ગળે વળગાડીને કૂદે છે ત્યારે તે બચ્ચાને પકડે છે કે બચ્ચું માતાને પકડી રાખે છે? ’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, માતા વાંદરી તો કૂદવામાં પોતાના ચારે પગનો ઉપયોગ કરે એટલે કઈ રીતે પકડે, બચ્ચું જ માતાના ગળા પર લટકીને તેને પોતાના ચારે પગ વડે પકડી રાખે છે.’ગુરુજી બોલ્યા, ‘વત્સ, ધ્યાનથી સમજજે.

આ ભક્તિની શરૂઆત છે, જયારે ભક્ત ભક્તિની શરૂઆત કરે ત્યારે તેણે વાંદરાના બચ્ચાંની જેમ ભગવાનનાં ચરણોને ગળે લગાડીને પોતે પકડી રાખવાના હોય છે.જીવનમાં કોઇ પણ સંજોગો આવે, તેણે તે ચરણોને છોડવાના નથી, ભક્તિ કરતાં જ રહેવાનું છે.’ પછી ગુરુજી શિષ્યને આશ્રમમાં લઇ ગયા. ત્યાં એક બિલાડી પોતાનાં નાનાં નાનાં બચ્ચાંઓ સાથે રમતી હતી.ગુરુજીએ શિષ્યને કહ્યું, ‘હવે આ બિલાડી અને તેનાં બચ્ચાંઓનુ નિરીક્ષણ કર.’શિષ્ય અવલોકન કરી રહ્યો હતો;બધાં બચ્ચાંઓએ માતાનું દૂધ પીધું.પછી તેની આજુબાજુ રમતાં હતાં.થોડી વાર પછી બિલાડી તેમને લઈને ત્યાંથી એક દીવાલ આગળ ગઈ. ત્યાં ઉપર છજા પર નવું સુરક્ષિત સ્થાન શોધીને તેણે એક પછી એક બચ્ચાને જાળવીને પોતાના મોઢામાં પકડીને દીવાલ કૂદીને છજા પર મૂક્યાં.

શિષ્યે આ જોયું. ગુરુજીએ પૂછ્યું, ‘વત્સ, બરાબર નિરીક્ષણ કર્યું? શું જોયું?’શિષ્યે બધી વાત કરી.બધી વાત સાંભળીને ગુરુજીએ કહ્યું, ‘વત્સ, જો આ ભક્તિની ચરમસીમા છે.જયારે ભક્ત ભક્તિની શરૂઆત કરે ત્યારે તેણે પોતે ઈશ્વરનાં ચરણોને વળગી રહેવાનું છે, પણ જયારે તેની ભક્તિ ચરમસીમા પર પહોંચી જાય ત્યારે બિલાડી જેમ પોતાનાં બચ્ચાને પોતે પોતાના મોઢામાં જાળવીને દીવાલ ઉપર કૂદે છે તેમ ભગવાન પોતે ભક્તને જાળવીને પોતે પકડીને આગળ લઇ જાય છે.’ ભક્ત ભગવાનને ગળે લગાડે તે ભક્તિની શરૂઆત છે અને ભગવાન પોતે ભક્તને પકડીને આગળ લઇ જાય તે ભક્તિની ચરમસીમા છે.આ સત્ય ગુરુજીએ દૃષ્ટાંત સાથે સમજાવી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top