કાયદો, કોર્ટ, ન્યાયાધીશ શા માટે છે? કોઈ પણ અન્યાય કે ગુનાહિત પ્રવૃત્તિઓનો ભોગ બનેલ વ્યકિત શ્રધ્ધાપૂર્વક ન્યાયાલયમાં પહોંચે છે. સાચા ન્યાયની અપેક્ષાએ ગયેલી વ્યકિતને સત્ય અને નૈતિકતાની સાથે સાથે ન્યાયાધીશ અને કાયદાઓમાં પૂર્ણ વિશ્વાસ છે. કાયદાઓ પણ વ્યકિતને માનવતા વિરુદ્ધ, અનૈતિક, ગુનાહિત કાર્યો કરતાં રોકવા અને અસામાજિક તત્ત્વોને બેફામ બનતાં અટકાવવા માટે છે. છતાં છાશવારે એવી સંવેદનાવિહીન ઘટનાઓ બને છે, જે સમાજ માટે ચિંતાજનક છે. કેટલીય એવી ઘટનાઓનાં આપણે પરોક્ષ કે પ્રત્યક્ષ સાક્ષી છીએ જેમાં ન્યાય આપવાનું કામ ટોળું કરી દે છે. સાચે જ કહેવાય છે કે, “મોબ હેઝ નો માઈન્ડ. “
ટોળાને અક્કલ હોતી નથી. અસંખ્ય બનાવો બને છે, જેમાં કોઈ ગુનેગાર કે કયારેક કોઈ નિર્દોષ ઘાતક ટોળાનો ભોગ બને છે અને જીવ ગુમાવે છે. સાચે જ પકડાયેલ વ્યકિત ગુનેગાર હોય, પણ એને સજા કરવાનો પરવાનો ટોળાને કોણે આપ્યો? સમાજમાં વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓ માટે યોગ્ય પગલાં લેવામાં નહિ આવશે તો ટોળાને છૂટો દોર મળી જશે. ચોર સમજીને, ખિસ્સાકાતરુ સમજીને, નાનાં બાળકોને ઉઠાવી જતી ટોળકીનો સભ્ય છે એવાં કોઈકના વિધાન માત્રથી ટોળું એકત્રિત થઈ જાય અને સમજ્યા કે જાણ્યા વગર નિર્દોષ કે ગુનેગારને મૃત્યુ પામે ત્યાં સુધી ઢોર માર મારવામાં આવે છે.કેટલાંકને તો ટોળું કેમ એક વ્યકિતને મારે છે તે સત્ય પણ ખબર નથી છતાં ટોળામાં ભળીને હાથ ચોખ્ખા કરે છે! આવી ઘટનાઓ અંગે સમાજે જાગવું જ પડશે. નહિતર આવી વિકૃત માનસિકતા ધરાવતાં લોકોને કાયદાનો ડર જ રહેશે નહિ.
સુરત – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.