કહેવાય છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ ત્યારે સ્વાભાવિક છે કે આ વાક્યમાં કોઈ ખાસ તથ્ય તો હશે જ. મોજીલા સુરતીઓ ખાવાપીવાના શોખીન તો છે જ પણ સાથે જ ખવડાવી પણ જાણે છે અને એટલે જ સુરતના સ્વાદ રસિયાઓ માટે કેટલાક નામ આજે પણ પેઢીઓથી દાઢે વળગી રહ્યા છે. અને એમાં એક નામ છે ‘જોષી જેશંકર ભજીયાવાળા એન્ડ સન્સ’ જે ‘ઊંચા ઓટલા વાળા’ તરીકે પણ ઓળખાય છે. છેલ્લા 122 વર્ષથી સુરતની સ્વાદપ્રિય જનતાની જીભને સંતોષ આપતા સુરતના ચૌટાપુલ વિસ્તારમાં બે દુકાનો અને જી દાદા નામથી નાનપુરા અને અડાજણમાં 2 દુકાનો ધરાવતા જોષી જેશંકર ભજીયાવાળા એન્ડ સન્સની ચોથી પેઢી સાથે કેટલીક રસપ્રદ વાતો કરવાનો મોકો મળ્યો હતો જેની કેટલીક માહિતી પેઢીનામાના માધ્યમથી વાચકો સમક્ષ રજૂ કરી છે.
વંશવેલો: ઠાકર પરિવાર
હરીશંકરભાઈ ધનજીભાઈ
કરશનભાઇ ધનજીભાઇ
ગોવિંદજીભાઈ ધનજીભાઈ
અંબાશંકરભાઈ ધનજીભાઈ
જેશંકરભાઈ ધનજીભાઈ
ચંદ્રશંકરભાઈ જેશંકરભાઇ
દેવપ્રસાદભાઈ જેશંકરભાઈ
પ્રવિણચંદ્રભાઈ જેશંકરભાઈ
મહેન્દ્રભાઈ ચંદ્રશંકરભાઇ
વિનયભાઈ ચંદ્રશંકરભાઈ
નીતિનભાઈ દેવપ્રસાદભાઈ
આશિષભાઈ પ્રવિણચંદ્રભાઈ
રવિભાઈ વિનયભાઈ
કરણભાઈ વિનયભાઈ
મહર્ષિભાઇ મહેન્દ્રભાઈ
કુણાલભાઇ નીતિનભાઈ
રિધ્ધિશભાઈ નીતિનભાઈ
દિગંતભાઈ આશિષભાઈ
શિવશંકરભાઈ કરશનજીભાઈ
કિરીટભાઇ શિવશંકરભાઈ
શરૂઆત કેવી રીતે કરી?
પહેલાના સમયમાં સુથારો અલગ અલગ જગ્યાઓ પર ફરીને કામ કરતાં હતા અને છપ્પનિયા દુકાળમાં મોટાભાગના લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી ત્યારે સૌરાષ્ટ્રના તળાજાના વેળાવદર ખાતે રહેતાં ગોવિંદજીભાઈ અને કરશનજીભાઈએ પોતાના ગામના એક સુથારને કહ્યું કે અમને પણ તમારી સાથે લઈ જાઓ, ત્યારે મુંબઈ જઈ રહેલા સુથારે કહ્યું કે તમે તો રહ્યા બ્રાહ્મણ, મારી સાથે આવીને તમે કયું કામ કરશો? ત્યારે તેમણે કહ્યું કે અમે તમારી સાથે કામ કરીશું. આમ તેઓ દરિયાવાટે મુંબઈ આવી ગયા અને સુથાર સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું. ત્યારે તેની બાજુમાં જ એક મીઠાઈની દુકાન હતી જેથી તેમણે મીઠાઈની દુકાનમા માવો હલાવવાનું કામ પણ કરવા માંડ્યુ. આ દરમિયાન સુથારનું કામ ત્યાં પૂરું થઈ જતાં તે આવવા નીકળ્યો ત્યારે તેમણે પુછ્યું કે ક્યાં જાઓ છો તો કહ્યું કે સુરત જાઉં છુ, જેથી તેઓ પણ સુરત આવી ગયા અને પછી કાચા મકાનમાં શરૂ કરી ફરસાણની દુકાન.
આગના મોમાં અમી હોય છે- વિનયભાઈ ઠાકર
વર્ષ 1900 માં સુરતમાં આવ્યા બાદ ચૌટા બજારમાં ગોવિંદભાઈ અને કરશનભાઇએ કાચા મકાનમાં ફરસાણની દુકાન શરૂ કરી, કારણ કે આ સમયે સિમેન્ટ પર ટેક્સ લાગતો હતો જેથી સિમેન્ટના પતરા પણ મળતા ન હતા. આ દરમિયાન વર્ષ 1942-1943 માં દુકાનમા આગ લાગી અને બાદમાં વર્ષ 1945-1946માં એ જ સ્થળે પાકી દુકાન તૈયાર થઈ જે આજે પણ એ જ સ્થળે કાર્યરત છે જો કે તેમાં પણ આગ લાગી હતી પણ તેઓ ફરીથી બેઠા થઈ ગયા કારણ કે આવા સમયે સાથેના વેપારીઓ આડકતરી રીતે અમને મદદ કરતાં રહે છે. આગ અંગે વિનયભાઈ કહે છે કે,’આગના મોમાં અમી હોય છે.’ આ બાબત અમને લાગુ પડે છે.’ તેઓ કહે છે કે ખાવા પીવાના શોખીન સુરતીઓ વેસ્ટમાંથી બેસ્ટ રેસિપીઝ બનાવવામાં પાવરધા હોય છે. અમારે ત્યાં આવા કેટલાક ગ્રાહકો આવતા હતા અને એમની આવી રેસીપી શેર કરતાં જેથી એમાથી અમે પાટુડી, મૂઠિયાં અને કપુરિયા વગેરે સુરતની પરંપરાગત વાનગીઓ બનાવતા શીખ્યા. અમારી બીજી એક સ્પેશયાલિટી એ છે કે, અમે 365 દિવસ ખજા બનાવીએ છીએ જેથી વિદેશોમાં રહેતા સંબંધીઓને મોકલવામાં સરળતા રહે.’
લોકડાઉનમાં 2000 કારીગરોનું રસોડુ થતું
કોરોના દરમિયાન અચાનક લોકડાઉનની જાહેરાત થતાં કેટલાક કારીગરો વતન જવા નીકળી ગયા હતા જ્યારે 5-6 કારીગરો જઈ શક્યા નહીં, જેથી અમે તેમને રહેવા સાથે જમવાની સગવડ પણ કરી આપી. આ સમયે થયું એવું કે આજુબાજુની કેટલીક પેઢીના કારીગરો પણ વાહનવ્યવહાર બંધ થઈ જવાના કારણે અટવાઈ ગયા અને તેમના માલિકોએ તેમના જમવાની વ્યવસ્થા કરી નહીં. જેથી વારા ફરતી આ બધા કારીગરો પણ અમારા કારીગરના રસોડે જમવા લાગ્યા અને આમ એક મહિનો લગભગ 2000 જેટલા કારીગરોનું રસોડુ ચાલુ રહ્યું હતું. આ સાથે જ નીતિનભાઈ જણાવે છે કે ‘રાતે અમે બાકી વધેલી વાનગીઓ કચરામાં ફેંકી દેતાં હતા, ત્યારે એકવાર રાત્રિના સમયે હું ત્યાથી પસાર થતો હતો ત્યારે મે કચરાના ઢગલામાં સળવળાટ જોયો અને વાહનના પ્રકાશમાં જોતાં મને સમજાયું કે કોઈ માણસ કચરામાંથી ખાવાનું શોધીને ખાઈ રહ્યો છે, ત્યારથી અમે નક્કી કર્યું કે વધેલુ ફેંકી ન દેતાં દુકાનની બહાર મૂકી દઈએ છીએ જેથી કોઈ ભૂખ્યાનું પેટ ઠારી શકાય. આ સિવાય અમે એક એ પરંપરા પણ કરેલી કે સૌ પ્રથમ અમે બટાકાનું શાક બનાવતા જેથી નોકરિયાત વર્ગ ઘરેથી ફક્ત રાતની વધેલી રોટલી લઈને નીકળે તો અમારે ત્યાથી સવારે શાક લઈને આ જઈ શકે અને તેનું એક સમયનું જમવાનું તે પેટભરીને જામી શકે.
કેટલીક વાનગીઓ ઓલ ટાઈમ ફેવરિટ – નીતિનભાઈ ઠાકર
નીતિનભાઈ જણાવે છે કે, તેઓ આજે 50 થી વધુ પ્રકારના ફરસાણ બનાવે છે જેમાં 20 જેટલી વાનગીઓ તો ફરાળી જ હોય છે. જ્યારે તેમના પૂરી શાક, તિરંગી ઇદડાં, ઊંધિયું,દૂધી-ભાજીના મૂઠિયાં તથા મિક્સ ફરસાણની લોકપ્રિયતામાં આજે પણ કોઈ ફર્ક નથી પડ્યો. આ ઉપરાંત ઈદના દિવસે સવારે કેળા મેથી અને કંદના ભજીયાની ખાસ ડિમાન્ડ હોય છે. અન્ય એક વાત યાદ કરતાં તેઓ કહે છે કે પહેલાના સમયમાં લોકો શ્રીનાથજી દર્શન કરવા માટે જતાં ત્યારે અમારે ત્યાંથી શ્રીનાથજીની ટોપલી લઈ જવાની પ્રથા હતી જેમાં ભૂસું મૂકવામાં આવતું હતું અને કેટલાક લોકો આજે પણ આ પરંપરા પાળે છે.
પ્રધાન મંત્રીથી માંડીને જાણીતા સાહિત્યકારો સાથે પણ ઘરોબો
આઝાદી કાળ જોઈ ચૂકી હોવાથી આ દુકાન સાથે કેટલાક જાણીતા નેતાઓથી માંડીને જાણીતા સાહિત્યકારોની યાદો જોડાયેલી છે જેમાં આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ બાકાત નથી. નીતિનભાઈ જણાવે છે કે નરેન્દ્રભાઈ મોદી એકવાર સુરત આવ્યા હતા ત્યારે તેમને અમારી પાલકવાળી મગની દાળ ભાવી હતી, જ્યારે સાંસદ દર્શનાબેન જરદોષ તો લશ્કરના જવાનો માટે અમારે ત્યાથી ભૂસું લઈને ગયા હતા. અટલબિહારી વાજયેઈ, સી.આર. પાટિલ તથા બ્રિટિશ ફોજદારો પણ તેમના સ્વાદના રસિયા રહી ચૂક્યા છે. ત્યારે સુરતના જાણીતા સાહિત્યકારોમાં ભગવતી કુમાર શર્મા, કલાગુરુ રવિશંકર રાવળ, રતિલાલ અનિલ ,ગની દહીવાલા, મરીઝ, ચંદ્ર્કાંત પુરોહિત ,મહાદેવ શાસ્ત્રી તથા યાઝદી કરંજિયા સિવાય હાઇકોર્ટના જાણીતા જજ એમ.ડી.ધ્રુવની વાત કરીએ તો તેઓને દુકાનની બહાર ઊભા રહીને ખાવાની મઝા આવતી.
ફરસાણની યુનિવર્સિટી કહેવાય છે
નીતિનભાઈ કહે છે કે, અમારા દાદા હવાફેર માટે કાઠીયાવાડ જતાં ત્યારે ત્યાં બેકાર રખડતાં હોય એવા સારા અને મહેનતુ છોકરાઓને સાથે લઈ આવીને અમારે ત્યાં રાખતા ભણવું હોય તો ભણાવતા પણ ખરા અને બાદમાં તેમને નોકરી મળી જતાં તેઓ પોતાના નોકરીના સ્થળે ચાલ્યા પણ જતાં. આ ઉપરાંત આજે સુરતમાં કેટલીક એવી ફરસાણની દુકાનો છે જેના કારીગરો કે માલિકો અમારી પાસેથી જ ફરસાણ બનાવવાનું શીખ્યા હોય. જેથી કેટલાક લોકો અમારી પેઢીને ફરસાણની યુનિવર્સિટી પણ કહે છે.
કેળના પાણીથી વાનગીઓ બનાવાતી
પહેલાનો જમાનો આભડછેટનો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા, વૈષ્ણવો તથા અન્ય ઉચ્ચ જ્ઞાતિના લોકો પહેલા ગમે ત્યાં ખાતાપીતા ન હતા. જેથી જેમને જાણ થાય કે ફરસાણનો વેપારી બ્રાહ્મણ છે એ માટે જનોઈ દેખાય એમ પહેરવામાં આવતી તેમજ વાનગીઓની પવિત્રતા જળવાય એ માટે વાનગીઓ બનાવવા માટે કેળના પાણીને કાઢીને તેમાથી વાનગીઓ બનાવવામાં આવતી હતી. કેળના પીલામાથી આટલા મોટા પ્રમાણમાં પાણી કાઢવા માટે બળદના કોલાની મદદ લેવામાં આવતી હતી.
આટલા વર્ષોથી અડીખમ રહેવાનું રહસ્ય
ખાવા પીવામાં વેરાયટીઓ પણ વધતી ગઈ અને નવી જનરેશન સાથે વર્ષ 2008માં નાનપુરા ખાતે અને વર્ષ 2015માં નાનપુરા અને અડાજણ વિસ્તારમાં જી દાદા શરૂ કરી. વિનયભાઈ કહે છે કે અમારા બાળકોએ દાદાને માન આપવાના ઇરાદાથી આ નામ આપ્યું છે અને આ જગ્યા પર પણ કેટલાક સિનિયર સિટીઝનો આવતાં. તેમણે પરંપરાગત પૂરણપોળી અને હાંડવો શરૂ કરવાની માંગણી કરી અને અમે તે સહર્ષ સ્વીકારી પણ લીધી. પોતાની 122 વર્ષની સફળતાનું રહસ્ય જણાવતા વિનયભાઈ કહે છે કે, ‘અમે નવી પેઢી સાથે નવી નવી વાનગીઓ પણ શરૂ કરી છે પણ તેમ છતાં પોતાના મૂળભૂત પાયાના સિધ્ધાંતો પકડી રાખ્યા છે.’