Entertainment

કોર્ટરૂમ ડ્રામા: વકીલો વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં થઈ તીખી દલીલો, આર્યનના જામીન પર નિર્ણય મુલતવી

ડ્રગ્સ કેસમાં આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન (Hearing on Sharukh’s Son Aryan Khan Bail Application) અને અન્ય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં NCB અને આર્યન ખાનના વકીલ વચ્ચે ફિલ્મી સ્ટાઈલનો કોર્ટ રૂમ ડ્રામા જોવા મળ્યો હતો. આર્યનના વકીલે કોર્ટને કહ્યું કે, જવાન બાળકો છે. ડ્રગ્સ પેડલર્સ નથી. તેઓએ પાઠ શીખી લીધો છે. તો સામા પક્ષે NCBના વકીલે કહ્યું કે, જવાન બાળકો છે તો આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ કેમ મંગાવ્યું હતું?

સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નિર્ણય આવતીકાલ તા. 14 ઓક્ટોબરને ગુરુવાર પર મુલ્તવી રાખ્યો છે. શાહરૂખના દીકરા આર્યન ખાને વધુ એક રાત આર્થર રોડ જેલમાં વીતાવવી પડશે. નોંધનીય છે કે છેલ્લાં પાંચ દિવસથી આર્યન ખાન જમી રહ્યો નથી. તે માત્ર બિસ્કિટ જ ખાઈ રહ્યો છે, જેના લીધે તેની તબિયત બગડે તેવો ભય ઉભો થયો છે. તે કોઈની સાથે વાત પણ કરતો નથી.

NCB દ્વારા આર્યન ખાન પર લગાવાયા સનસનીખેજ આરોપ, આમંત્રણ મળ્યું હતું તો ઈન્વિટેશન કાર્ડ ક્યાં છે?

NCB તરફથી ASG અનિલ સિંહે કહ્યું કે, NCB એક જવાબદાર તપાસ એજન્સી છે. આખાય દેશ ડ્રગ્સ અને તેની લતને લઈને ચિંતિત છે. કોલેજ સ્ટુડન્ટ્સ નશાના રવાડે ચઢી રહ્યાં છે, ત્યારે આ ડ્રગ્સ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવી પડશે. આર્યન ખાનને ક્રુઝ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું તો ઈન્વિટેશન કાર્ડ ક્યાં છે. અત્યાર સુધી 20 લોકો અરેસ્ટ થયા છે, તેમાં કેટલાંક પેડલર્સ પણ સામેલ છે. આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટની આ પેડલર્સ સાથે નિયમિત વાત થતી હતી. NCBએ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સમાં જથ્થાબંધ ડ્રગ્સનો ઉલ્લેખ છે. સ્પષ્ટ છે કે કોઈ પોતાના માટે જથ્થાબંધ ડ્રગ્સ નહીં મંગાવે.

તેમણે અરજીમાં કહ્યું કે, આર્યનનું નિવેદન માત્ર એક જ વાર લેવામાં આવ્યું છે અને જેમનું નામ આર્યન ખાને આપ્યું છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીના કેસનો મુખ્ય મુદ્દો એ છે કે આ કાવતરામાં તમામ આરોપીઓ એકબીજા સાથે સંબંધિત છે, આર્યન અરબાઝ પાસેથી ચરસ ખરીદતો હતો. એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ ચેઇન પર પણ આરોપ લગાવ્યો છે.  આર્યન ખાન તથા અન્ય આરોપી ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા હોવાના તથા આર્યન ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાનો આરોપ NCBએ લગાવ્યો છે.

આર્યન પાસે રોકડ કે ડ્રગ્સ મળ્યું નથી. NCB ખોટા ડરાવનારા આક્ષેપો ઠોપી રહ્યું છે. : આર્યનના વકીલ

સિનીયર એડવોકેટ અમિત દેસાઈએ આર્યન ખાનનો બચાવ કરતા કહ્યું કે, આ જવાન બાળકો છે. ઘણા દેશોમાં આ પદાર્થ લીગલ છે. તેઓ માટે આ સ્થિતિ વધુ ખરાબ કરવી જોઈએ નહીં. આ લોકોએ ઘણું સહન કરી લીધું છે. તેમને સબક મળી ગયો છે. તેઓ પેડલર્સ, રેકેટ ચલાવનારા કે ટ્રાફિકિંગ કરી રહ્યાં નથી. આર્યનના વકીલ અમિત દેસાઈએ કહ્યું કે, આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તેની પાસે રોકડ પણ નથી. તેની પાસે ડ્રગ્સ વેચવા અને તેનું સેવન કરવાની પણ કોઈ યોજના નહોતી. રવિવારે 3 ઓક્ટોબરના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી, માત્ર આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પંચનામામાં વધુ લોકો છે. આ લોકોની ડ્રગ્સ લેવા, ખરીદવા અને વેચવામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. વોટ્સએપ ચેટ્સ અને તસવીરો મળી.  હવે NCB આંતરરાષ્ટ્રીય કડીના કારણે કસ્ટડી માંગતા હતા.  તે ખોટું છે. ભયાનક આરોપો મુકી આર્યન ખાનને ફસાવવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top