સુરત: ખજોદ ખાતેના સુરત મહાપાલિકાના કચરાના નિકાલ માટેના ડિસ્પોઝલ પ્લાન્ટને ખસેડીને હવે ઉંબેર લઈ જવાનો હોવાથી આગામી દિવસોમાં ઉંબેર ખાતે દેશનો સૌથી મોટો 4100 ટનનો કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ઉંબેરમાં કુલ 85 એકર જગ્યામાં વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ બનાવાશે તેમાં આ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાશે તેમ મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું છે.
- ઉંબેરને સુરત તેમજ દ.ગુ.ના જિલ્લા અને ગામો સાથે કનેક્ટ કરવા ઈન્ફ્રાસ્ટ્રકચર પણ બનાવાશે
- દેશભરના લોકો આ પ્લાન્ટ જોવા આવશે તે પ્રકારનો અદ્યતન પ્લાન્ટ સાકાર કરાશે: મ્યુનિ.કમિ.
શહેરમાંથી દરરોજ 2500 મેટ્રિક ટનથી વધુ કચરો મનપા દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને નિકાલ કરવા માટે ખજોદ ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ખાતે લઇ જવાય છે. જો કે હવે સાઇટની કેપેસિટી પુરી થઇ રહી છે અને બાજુમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ આવી જતા પણ આ સાઇટ અન્યત્ર ખસેડવાની જરૂર ઊભી થવાને કારણે સુરત મનપા દ્વારા ઉંબેર ખાતેની જગ્યા કલેકટર પાસે માંગવામાં આવી હતી. મનપા દ્વારા ઉંબેરની આ સાઈટ ઝડપથી તૈયાર થઈ જાય તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વધુ માહિતી આપતા મ્યુનિ.કમિ. અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉંબેર ખાતેની જગ્યા પર મનપા દ્વારા સિવિલ વર્ક તેમજ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેના ડીપીઆર તૈયાર કરી દેવાયા છે. સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેના અંદાજો પણ આરોગ્ય સમિતિમાં મુકી મંજૂર કરી દેવાયા છે.
ભારત સરકાર તરફથી ટી.ઓ.આર (ટર્મ્સ ઓફ રેફરન્સ) પણ હાલ જ સુરત મનપાને મળી ચુક્યું છે. આગામી દિવસોમાં પબ્લિક મીટિંગ કરીને મનપા દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. આ રિપોર્ટને આધારે મનપાને એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સરકારમાંથી મળશે.
મુંબઈ અને ઈંદોરની બેસ્ટ અદ્યતન મશીનરીઓ વેસ્ટ ડિપ્સોઝલ પ્લાન્ટમાં મુકાશે
ઉંબેર સાઈટ પર દેશની સૌથી ઉત્તમ અને અદ્યતન ટેકનોલોજીવાળી મશીનરીઓ મુકવામાં આવશે. જેમાં મુંબઈમાં સ્થાપવામાં આવેલું SCADA બેઇઝ મિકેનાઈઝડ એરેશન મશીન, ઈંદોરમાં ચાલતા બેલાસ્ટિક સેપરેટર, એર ડેન્સિટી સેપરેટર અને ઓટોમેટિક મટિરિયલ રિકવરી ફેસિલિટી.
હાઈ સ્પીડ શ્રેડર, વિન્દ્રોઝ ટર્નર, ઓપ્ટિકલ શોર્ટર, આરડીએફ પેલેટિંગ એન્ડ બ્લફિંગ મશીન મુકાશે. જેથી આ દેશનો સૌથી બેસ્ટ પ્લાન્ટ બની રહેશે. આ પ્લાન્ટ બનાવવાની સાથે સાથે ઉંબેર ગામને પણ ધ્યાને રાખી અહી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઉંબેર ગામને સુરત શહેરની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી મળી રહે તે રીતે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવી રહ્યું છે તેમ કમિશનરે જણાવ્યું હતું.
270 કરોડના ખર્ચે સમગ્ર પ્લાન્ટ તૈયાર થશે
મનપા દ્વારા આ પ્લાન્ટ માટેના ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા છે. જેમા કુલ 270 કરોડના ખર્ચે આ પ્લાન્ટ સાકાર થશે. મનપા દ્વારા તે માટે હાઈડ્રોલોજીકલ સર્વે, કુંટુક સર્વે તેમજ ટોપોગ્રાફી સર્વે કરાયો હતો. ત્યારબાદ પ્રોજેક્ટ કોસ્ટ નક્કી કરાઈ હતી. જે માટે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત કુલ રૂા. 167 કરોડની ગ્રાંટ મંજુર કરી દેવામાં આવી છે જે ટુંક સમયમાં મનપાને મળશે. 270 કરોડના આ પ્રોજેક્ટમાં 90 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. જેમાં રોડ વગેરે કામગીરી થશે. તેમજ 170 કરોડના ખર્ચે પ્રોસેસીંગ પ્લાન્ટ, મશીનરીઓ વગેરે થશે.
સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું શું બનશે (ખર્ચ 90 કરોડ)
▪- કોફર ડેમ તથા ગેટ સ્ટ્રક્ચર
▪- ડ્રેનેજ વર્ક
▪- સ્ટ્રોમ વોટર નેટવર્ક
▪- રોડ વર્ક
▪- પાર્કિંગ તથા વર્કશોપ એરિયા
▪- વોટર સપ્લાય, અંડર ગ્રાઉન્ડ સમ્પ, તથા એલિવેટેડ વોટર ટેન્ક
▪- લેબર કોલોની
▪- કોમોન ટોયલેટ બ્લોક
▪- સીસી ટીવી કેમેરા
▪- લીચેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
▪- લેન્ડ સ્કેપિંગ તથા ગાર્ડનિંગ
170 કરોડના ખર્ચે બનનારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં શુંશું હશે
- સિવિલ વર્કસ
- પ્રિ-શોર્ટ લાઈન મશીનરીઝ
- કમ્પોસ્ટિંગ લાઈટ મશીનરીઝ
- ઓટોમેટેડ એમઆરએફ, ડ્રાય વેસ્ટ સેગ્રીગેશન, આરડીએફ યુનિટ મશીનરી