Comments

દેશના અર્થતંત્રની જમીની હકીકતોથી આપણે વાકેફ છીએ ખરા?

વધુ એક આર્થિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આડત્રીસ લાખ કરોડથી વધુ રકમનું બજેટ નાણાંકીય  મૂલ્યની રીતે ઐતિહાસિક છે. દેશમાં ચર્ચા છે કે આનાથી વૃધ્ધિ થશે. જો કે નવ ટકાના દરે  રાજકોષિય ખાધ ફુગાવો કરશે. સંરક્ષણ બજેટ પાંચ લાખ કરોડે પહોંચે તો નવાઈ નહીં! છત્રીસ  હજાર કરોડથી વધુ રકમ સ્વાસ્થ્ય ખાસ તો કોરોના વિરુધ્ધ રસીકરણ માટે ફાળવી છે.

ખરે, બજેટ ઔપચારિકતા છે. લોકશાહી દેશમાં સરકારે એક રૂપિયો પણ ખર્ચવો હોય તો  ચુંટાયેલા પ્રતિનિધિ એટલે કે સંસદની મંજૂરી લેવી પડે માટે આવનારા વર્ષમાં સરકાર જે ખર્ચ  કરવા માંગે છે અને આ ખર્ચને પહોંચી વળવા જે દેવું કે કરવેરાની આવક મેળવવા માંગે છે  તેના દસ્તાવેજ મંજૂરી માટે સંસદ  પર મૂકવો પડે છે. જે બજેટ છે. બજેટ એ આર્થિક  પ્રસ્તાવ છે. ખરડો છે. જે સંસદની મંજૂરી પછી કાયદો બને છે.

ભારત મિશ્ર અર્થતંત્રવાળો દેશ છે. 1991 સુધી તે સમાજવાદ તરફ વળેલો હતો. દેશનું ચલણ,  સામાજિક, સામુહિક જરૂરિયાતોની કિંમત બધું જ સરકાર દ્વારા નિયંત્રિત હતું. બજાર માત્ર  વપરાશી વસ્તુઓ- સેવાઓ આપતું તેની કિંમત પર સરકારનો કાબૂ રહેતો માટે દેશ બજેટની  રાહ જોતો.

બજેટમાં કરવેરા બદલાય તેમ જીવનજરૂરી વસ્તુઓ-સેવાના ભાવ બદલાતા અને  મોટે ભાગે વરસે એકાદ વખત જ તે થતું! પણ હવે પેટ્રોલ, ડીઝલ, વિદેશી હુંડિયામણના દર  રોજેરોજ, બદલાય છે. માટે તેની કિંમત માટે હવે બજારની રાહ જોવાની નથી! કેન્દ્ર અને રાજ્યના લગભગ પંદર-સોળ વેરા ભેગા કરીને વસ્તુ-સેવા કર જી.એસ.ટી લાગુ કરી  દેવામાં આવ્યો છે અને આ જી.એસ.ટી. ના દર કાઉન્સિલ દ્વારા નક્કી થાય છે.

નાણાંમંત્રી તે હવે  નથી રજૂ કરતા. માત્ર આયાત-નિકાસ અને પ્રત્યક્ષ વેરા બજેટમાં વેરાની મહત્ત્વની જાહેરાત રહ્યા  છે અને નાણાં સાધનોની ફાળવણીને હવે બજેટ વગર પણ થઈ શકે છે. ટૂંકમાં જ્યારે દેશ  સમાજવાદી સમાજરચનાના  ધ્યેયથી ચાલતો ત્યારે સરકારનો અર્થતંત્ર પર અંકુશ હતો. બજેટની  અસર હતી પણ ત્યારે હતું માત્ર દૂરદર્શન એટલે બજેટની લાંબી ચર્ચા ન હતી. હવે બજેટનું  મહત્ત્વ નથી.

બજાર રોજ બદલાય છે. ખાનગી ક્ષેત્ર માંગ-પુરવઠા મુજબ ચાલે છે. પણ અત્યારે  ચેનલો છે તેમને માટે બજેટનો દિવસ ગ્રેટ ટાઈમ પાસ દિવસ છે! સ્ટુડિયોમાં વિદ્વાનો  રાજકારણીઓ બેસાડી ચર્ચા કરવાથી સમય પસાર થતો હોય તો પત્રકારોને દેશના ખૂણે ખૂણે  દોડાવી સમાચાર ભેગા કરવાનો ખર્ચ શા માટે કરવો! ચેનલોની ચૂંટણી ચર્ચાઓ સામાન્ય  માણસને માટે નાણાંમંત્રીના બજેટ ભાષણ જેવી જ હોય છે. એમાંથી મળતું કશું નથી! બાકી  દેશના અર્થતંત્ર માટે ગંભીર ચર્ચા કરવી હોય, નિસ્બત સાથે વાત કરવી હોય તો દેશના  અર્થતંત્રના મૂળભૂત આંકડા સમજવા જેવા છે.

દેશના કુલ એકસો ત્રીસ કરોડ લોકો વસે છે અને ઘરોની સંખ્યા લગભગ સત્તાવીસ કરોડ છે.  મતલબ ભારતમાં એક પરિવારમાં સરેરાશ પાંચ લોકો રહે છે. વસ્તીના વયજૂથ મુજબના વર્ગીકરણને જુઓ તો સમજાય છે કે ભારતમાં પંદર વર્ષથી ઓછી  ઉંમરની વસ્તી 35% છે.

પચ્ચીસ વર્ષથી પંદર વર્ષની વચ્ચેના 18% છે. જ્યારે પચ્ચીસ વર્ષથી પાંસઠ વર્ષના 40% વધુ છે  અને પાંસઠ વર્ષથી વધુની ઉંમરવાળી વસ્તી 12% લગભગ છે.  આ વયજૂથનું વર્ગીકરણ દર્શાવે છે કે ભારત હાલમાં યુવાનોનો દેશ છે, પણ બે હજાર પચાસ  પછી તે ઘરડાંઓનો દેશ થવા માંડશે!

ખાનગીકરણને કારણે નોકરીઓ વધી છે, પણ યોગ્ય પાત્રતાવાળી નોકરીઓ વધી નથી. 1991  પછી જન્મેલા અત્યારે ત્રીસ વર્ષના થયા છે, જેમાં બેકારીનો મોટો દર છે. વળી જેમને નોકરી મળી  છે તે દસ હજારથી પચ્ચીસ હજાર વચ્ચેની આવક મેળવે છે.

2004 પછીના સરકારી  કર્મચારીઓને પણ પેન્શન મળવાનું નથી. મતલબ અત્યારે દેશનાં બજારો ચાલે છે તે જૂના  સરકારી નોકરિયાતો જેમને સાતમા પગાર પંચના લાભ મળ્યા છે અને જૂના પેન્શનરો જેમને  પેન્શન મળે છે.  દિવસે દિવસે તે સંખ્યા ઘટવાની છે. દેશના સરકારી સેમ્પલ સર્વે કહે છે કે  દેશનો નોકરી કરનાર વર્ગની સરેરાશ માસિક આવક કહો કે પગાર પંદર હજારથી વીસ હજાર  છે.

હવે જો વીસ હજારમાં એક બાળકને શાળામાં ભણાવવાનું હોય, મકાનનો હપ્તો કે ભાડું  ભરવાનું હોય કે એકાદી બિમારીનો સામનો કરવાનો થાય તો બચે શું? દેશના સરેરાશ  નાગરિકની બચતો ખતમ થઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ ધ્યાન જ નથી આપતા કે સામાન્ય  માણસનો પગાર તેના રોજિંદા જીવનધોરણને સાચવવામાં વપરાઈ જાય છે. તો એ ગાડી ક્યાંથી  ખરીદે! મકાન ક્યાંથી ખરીદે!

બજેટની બહુરંગી ચર્ચા વચ્ચે કોઈ બોલતું નથી કે દેશમાં સોનાના ભાવ અને શેર બજાર બન્ને  ઉપર તરફ કેવી રીતે જાય છે. એ પણ એવા સમયે જ્યારે દેશમાં ત્રણ મહિના લોકડાઉન ચાલ્યું!  આવક અને રોજગારી થંભી ગયાં ત્યારે આ માંગ કોણે કરી? બેંકની એન.પી.એ.ના સ્વતંત્ર  મેનેજમેન્ટ માટે વ્યવસ્થા થશે તેવું જાહેર થતાં જ શેર બજાર ઉછળ્યું! ઉછળે જ! ખોટ કરતી  બેંકોના શેર પણ વધ્યા અને આ બેંકોમાંથી લોન લઈ પાછી ન ભરનારી કંપનીના શેર પણ  ઉછળ્યા!

સરકારે આરોગ્ય પાછળ જે ખર્ચ જાહેર કર્યો છે તે રકમ દેખાવે મોટી છે પણ ભૂલવું નહીં કે તે છ  વર્ષમાં ખર્ચવાની છે. બજેટ મોટે ભાગે આવનારા વર્ષ માટે ખર્ચની ફાળવણી કરે છે. પણ હવે  આ સરકાર લાંબા ગાળાના બજેટ જાહેર કરે છે. વળી આ ખર્ચનો મોટો ભાગ રસી પાછળ  ખર્ચાશે. મતલબ રસી બનાવતી કંપનીને આવક થવાની છે. દેશમાં હોસ્પિટલો, આરોગ્ય  સુવિધાઓ નથી વધવાની! નવી શિક્ષણનીતિ ગયા વર્ષે જાહેર તો કરી છે, પણ આ બજેટમાં તેના માટે ફાળવણી નથી!

સરકાર અને વિદ્વાનો કહે છે કે આ બજેટથી વૃધ્ધિ થશે. કદાચ તે સાચું જ હશે. પણ ઉદ્યોગો  વધારવા વીજળીનું ઉત્પાદન વધારવું પડે! રસ્તા બાંધવા ખાણકામ- ડામર વધારવા પડે! ખેતીનો  વિકાસ કરવા સિંચાઈ સુવિધા વધારવી પડે!

હવે જો ખેતર હોય, પણ પાણી ન હોય, ઉદ્યોગ હોય  પણ વીજળી ન હોય! તો ધાર્યા વિકાસ ક્યાંથી થાય? કોઈ એ તો પૂછો કે છેલ્લાં વર્ષોમાં આપણે  વીજ ઉત્પાદકતા વધારવા શું કર્યું! છેલ્લાં વર્ષોમાં સિંચાઈ માટે કેટલી સુવિધા થઈ!

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top