Madhya Gujarat

ચરોતરમાં વહેલી સવાર સુધી મતગણતરી ચાલુ રહી

આણંદ : આણંદ જિલ્લાની 183 ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીની મતગણતરી મંગળવાર વ્હેલી સવારે શરૂ કરવામાં આવી હતી. જોકે, બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થતાં 24 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. અનેક ગામોના પરિણામો બુધવારની વ્હેલી સવારે જાહેર કરવામાં આવ્યાં હતાં.  આણંદ જિલ્લાની 183 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ખૂબ જ ધીમે ધીમે ચાલુ રહી હતી. જેમ જેમ ગામોની ગણતરી પૂર્ણ થઇ તેમ તેમ વિજેતાના નામો જાહેર કરવામાં આવી રહ્યાં હતાં. આ સાથે જે તે ગામમાં વિજયોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. જોકે, ઇવીએમના બદલે બેલેટ પર થયેલા મતદાનના પગલે ગણતરી ખૂબ જ ધીમી રહી હતી. કેટલીક ગ્રામ પંચાયતોના પરિણામો બુધવારની વ્હેલી સવારે જાહેર કરવામાં આવ્યાં હતાં. ખાનપુરની 24 ગ્રામ પંચાયતો માટે બાકોર મોડેલ સ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હજારો ટેકેદારો ઉમટી પડ્યાં હતાં. જોકે, વિજેતા નામ જાહેર થતાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

સંતરામપુરમાં સવારે મતગણતરી પૂર્ણ થઇ

સંતરામપુર તાલુકાની 52 ગ્રામ પંચાયતોની થયેલી સામાન્ય ચુંટણીની મતગણતરીની કાર્યવાહી બુધવાર વહેલી સવારે ચાર વાગે પુરી થઈ હતી. મતગણતરી સ્થળે ઉમેદવારો અને તેમના ટેકેદારો, ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. સંતરામપુર એસ.પી.હાઈસ્કુલ મતગણતરી સ્થળે આઝાદ મેદાનમાં જાણેકે માનવમહેરામણ ઉમટેલ હોય તેવું દ્રશ્યો જોવા મળતાં હતાં. આ ચુંટણીમાં મતદારોમાં ભારે જાગૃતતા જોવા મળતી હતી. આ ચુંટણીમાં સરપંચ માટેની 52  બેઠકોની થયેલી ચુટણીમાં 32 સરપંચો નવીન ચૂંટાઈ આવ્યા છે.

તારાપુરના ધારાસભ્ય અને કપડવંજમાં ધારાસભ્યના પત્ની વિજેતા બન્યાં

આણંદ – ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે તે રાજકીય નેતાના પરિવારનો સભ્યો પણ ઉભા રહ્યાં હતાં. તારાપુરમાં ધારાસભ્ય પૂનમભાઈ પરમારે સરપંચપદની દાવેદારી કરી હતી. જેમાં તેમનો ચાર સોથી વધુ મતથી ભવ્ય વિજય થયો હતો. જોકે, ગત ટર્મમાં ધારાસભ્યના પત્નીનો પરાજય થયો હતો. આ વખતે ધારાસભ્ય પોતે મેદાનમાં ઉતર્યાં હતાં. આ ઉપરાંત કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીના ધર્મપત્ની હિરાબહેન કાળુસિંહ ડાભી છીપીયાલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં 650 મતથી શાનદાર વિજય થયો હતો.

શ્રીમંતના દિવસે જ સરપંચપદનો તાજ મળ્યો

કપડવંજના આંબલીયારા ગામના અલકાબેન ચિરાગભાઈ પંડ્યા ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારની અનુસૂચિત જાતિ મહિલા સીટ હતી જેમાં અલ્કાબેન ચિરાગભાઈ પંડ્યા ઉંમર વર્ષ આશરે 26 અભ્યાસ બી એ બી.એડ સુધીનો કર્યો છે અને તેઓએ સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી. કપડવંજમાં આંબલીયારા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અલકાબેન ચિરાગભાઈ પંડ્યાએ માન્ય માનતો 1222 માંથી 688 મત મેળવી 386 મતથી વિજયી બન્યા છે અને તેમના હરીફ ઉમેદવારને 302 મત મળ્યા હતા આંબલીયારા ગ્રામ પંચાયતમાં થી સરપંચ તરીકે વિજેતા બનનાર અલકાબેન પંડ્યા કપડવંજ તાલુકામાં થી સૌથી વધુ શિક્ષિત સરપંચ હોય તેમ દેખાઈ રહ્યું છે પણ જોગાનુજોગ ચૂંટણી જાહેર થતાં પહેલા અલકાબેન ના સીમંતની તારીખ  નક્કી થઈ હતી. તેથી તેઓની આજે સીમંતની વિધિ કપડવંજમાં આવેલા એચ.એમ ભુવન ખાતે યોજાઇ હતી. અલકાબેન પંડ્યા મૂળ બાલાસિનોરના જનોડના વતની છે. તેઓના પતિ ચિરાગભાઈ પંડ્યા ગાડી લે વેચ નો બિઝનેસ કરે છે આમ આજે અલકાબેન પંડ્યાને એકસાથે બેવડી ખુશી મળી છે.

Most Popular

To Top