Madhya Gujarat

ખેડા પાલિકાના કાઉન્સિલરે ગેરકાયદે કનેક્શન લેવા નગરમાં પાણી અટકાવ્યું

નડિયાદ: ખેડા નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કોઈ પણ જાણ કર્યાં વિના છેલ્લાં બે દિવસથી પાણીનો સપ્લાય એકાએક બંધ કરી દેવાતાં નગરના 500 જેટલા પરિવારોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. જોકે, પાણીનો સપ્લાય બંધ થવા બાબતે જાગૃતજનોએ તપાસ કરાવતાં પાલિકાના જ એક કાઉન્સિલરે પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન લેવા માટે મુખ્ય લાઈન બંધ કરાવી પાણીનો સપ્લાય રોક્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ મામલે પાલિકાના વોટર વર્કસ સમિતીના ચેરમેને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર લખી, જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.

ખેડામાં સામાન્ય નાગરિક ભુલથી પણ સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડે તો તેને કાયદાની ચૂંગાલમાં ફસાવી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જો રાજકીય ક્ષેત્રે સંકળાયેલો કોઈ વ્યક્તિ જાણી જોઈને સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડે તો પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડા નગરના વોર્ડ નં.5માંથી ચુંટાયેલાં કાઉન્સિલરે પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શનો લેવા માટે પાલિકામાં કોઈ પણ જાતની જાણ કર્યાં વિના બોર ઓપરેટરની મદદથી મુખ્ય લાઈન બંધ કરાવી, પાણીનો સપ્લાય રોક્યો હતો. કાઉન્સિલરના આ કારસ્તાનને પગલે નગરના 500 જેટલાં પરિવારો પીવાના પાણી વિના રઝળ્યાં હતાં.

જેને પગલે કેટલાક જાગૃત નાગરીકોએ પાણીની સમસ્યા મુદ્દે વોટર વર્કસના ચેરમેન કરિશ્માબેનને રજુઆત કરી હતી. જેથી કરિશ્માબેને આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં વોર્ડ નંબર ૫ ના કાઉન્સિલર દ્વારા ગેરકાયદેસર કનેક્શન લેવા માટે પાણીનો સપ્લાય અટકાવાયો હોવાનો ભાંડો ફુટ્યો હતો. કાઉન્સિલર અને બોર ઓપરેટરની મિલીભગતથી કરવામાં આવેલાં આ કારસ્તાન બદલ વોટર સમિતીના કમિટીના ચેરમેન કરિશ્માબેને ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમ છતાં, ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા જવાબદારો સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં રોષ જન્મ્યો છે.

બહારથી માણસો બોલાવી કામ કરાવ્યું
ખેડા નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલાં કારસ્તાનને પગલે નગરમાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું હતું. ત્યારે રવિવારે ખેડા પાલિકામાં રજા હોવાથી કાઉન્સિલરે નડિયાદથી ખાનગી માણસોને બોલાવી પાણીની મુખ્ય લાઈનમાં પંચર પડાવી પોતાના મળતીયાઓને ગેરકાયદેસર કનેક્શન આપ્યાં હોવાની વાતો પણ ચર્ચાતી હતી.

Most Popular

To Top