સંતરામપુર : સંતરામપુરમાં જુના ચીબોટા નદી પુલના છેડાથી હડમતફળીયાથી પોલ ફેકટરી સુધીનો આરસીસી રોડ મંજુર થતાં આ રોડની કામગીરી સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા દિવાળી પછી શરૂ કર્યો હતો આ રોડની કામગીરી હાલમાં જ પુરી કરાયેલી છે. પરંતુ આ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. આ રોડની કામગીરી પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં કરવામાં આવતાં અને રોડમાં માત્રને માત્ર ચાર એમ. એમના સળીયા વાપરી અને હલકી કક્ષાનો માલસામાન મટીરીયલ વાપરીને રોડમાં ભારોભાર ભ્રષ્ટાચાર અને ગોબાચારી આચરીને વેઠ ઉતારેલી જોવાં મળે છે. આ રોડની કામગીરી ગુણવત્તા યુકત નહીં કરવામાં આવતાં આ રોડ કેટલું ટકશે ? તે અંગે પ્રશ્નો ઉભા થયાં છે. આ રોડ બન્યાને માંડ એકાદ માસ થયો છે ત્યાં આ રોડની કામગીરી એવી કરાઈ કે અત્યારથીજ કપચી અને રેતી બહાર આવતી જોવાં મળે છે. આ નવીન બનેલા રોડની સ્થિતિ અત્યારથી કથળી રહી છે.
આ અંગે પ્રજાજનોમાં ચર્ચા ઉઠી છે કે, આ રોડ પાછળ 70થી 80 લાખનો ખર્ચ કરાયો છે. પરંતુ આ રોડ હાલની દૂર્દશા જોતાં આ રોડમાં હલકી કક્ષાની કામગીરી કરીને ગોબાચારી આચરીને મીલીભગતથી વિકાસનાં નાણાં ચાઉં કરવાનું વ્યવસ્થિત રીતનું કૌભાંડ સંતરામપુર નગરપાલિકામાં મીલીભગતથી ચાલતું જોવાં મળી રહ્યું છે. સંતરામપુર નગરમાં વિકાસનાં કામોમાં ભારોભાર ગેરરીતિના કારણે નિયત ગ્રેડ કરતાં ઓછી ગ્રેડનો વપરાતો હોવાની બૂમ ઉઠી છે. આ રોડની કામગીરી દરમ્યાન નિયુક્ત એન્જીનીયર દ્વારા કે પાલિકાના જવાબદાર અધિકારી કે પાલિકાના સુપરવાઇઝર દ્વારા પણ ઈન્સ્પેકશન પણ કરાય નહીં અને ચાલુ કામગીરીમાં પણ સ્થળ મુલાકાત લીધેલ છે કે કેમ ? તે પણ એક ચર્ચાનો વિષય જોવાં મળે છે.