મોદી સમાજની માનહાનિના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી અને રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી. દેશના રાજકારણમાં રાહુલ ગાંધી એક તરફ અદાણી-મોદી ભાઈ-ભાઈના નારા સાથે ઝુંબેશ ચલાવી રહ્યા હતા અને સામે ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવતાં લોકસભા સમરાંગણ બની જવા પામી હતી.
ભાજપ દ્વારા એવી માંગણી કરવામાં આવી રહી હતી કે રાહુલ ગાંધી લોકસભામાં માફી માંગે. હવે રાહુલ ગાંધી લોકસભાના સભ્ય રહ્યા નથી અને માફી માંગવાનો પ્રશ્ન નથી પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈમાં હવે મોટો ગરમાટો આવી ગયો છે. રાહુલ ગાંધીએ ઓબીસી સમાજની બદનામી કરી છે તેવા આક્ષેપો સાથે હવે ભાજપે દેશભરમાં આંદોલન છેડવાનો નિર્ણય કર્યો છે તો સામે કોંગ્રેસ દ્વારા પણ ભાજપ આ તાનાશાહી કરી રહ્યો છે તેવા આક્ષેપો સાથે દેખાવો શરૂ કરી દીધા છે. જેને કારણે રાહુલ ગાંધી અને ભાજપની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે.
રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે, બધા ચોરની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધી દ્વારા જે બોલવામાં આવ્યા તેનાથી બદનક્ષી થઈ છે તેવું લોકલ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. આ લડાઈ આગામી દિવસોમાં સેશન્સ કોર્ટથી માંડીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડાશે પરંતુ આ લડાઈને કારણે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા રાજકીય માહોલ ભારે ગરમ થઈ ગયો છે. કોંગ્રેસ દ્વારા એવી ગણતરી માંડવામાં આવી છે કે રાહુલ ગાંધીને થયેલી સજાથી તેઓ આગામી દિવસમાં કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લાભ લઈ શકશે.
બીજી તરફ ભાજપ અલગ જ ગણતરી માંડી રહ્યો છે. ભાજપનું માનવું છે કે રાહુલ ગાંધીની સામે વ્યક્તિગત મોરચો માંડવાથી અદાણીનો મામલો શાંત થઈ જશે. જોકે, પોતાને સજા થયા બાદ રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે, પોતે ડરશે નહીં. એક સમય હતો કે ભાજપ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કે ‘રાહુલ બાબા’ કહીને તેમને સ્હેજેય મહત્વ નહીં આપતો હોવાનું કહેતો હતો પરંતુ જે રીતે રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં સજા થઈ અને લોકસભાનું સભ્યપદ ગયું અને ભાજપ તેની ઉજવણી કરી રહ્યું છે તે જોતાં રાહુલ ગાંધી ધીરેધીરે લડાયક નેતા તરીકે ઉપસી રહ્યા છે અને તે તેમને આગામી દિવસોમાં પોતાની અલગ રાજકીય ઈમેજ ઊભી કરવામાં લાભદાયી સાબિત થઈ શકે તેમ છે.
રાહુલ ગાંધી જ્યારે શરૂઆતમાં રાજકારણમાં આવ્યા ત્યારે એવું મનાતું હતું કે તેઓ કોંગ્રેસનો ઉદ્ધાર કરી શકશે. સમય જતાં કોંગ્રેસના આંતરિક રાજકારણમાં રાહુલ ગાંધી પણ નબળા પડી ગયા. સામે વિપક્ષ ભાજપે તેનો ભરપુર લાભ લઈને રાહુલ ગાંધીની ઈમેજ એવી ઊભી કરી દીધી કે રાજકારણમાં તેઓ નવા છે. તેમને કશું આવડતું નથી. રાહુલ ગાંધીએ પણ ક્યારેક ક્યારેક રાજકારણીની જેમ બોલવાને બદલે મનની ભાષા બોલીને બફાટ કરી નાખ્યો હતો અને તેને કારણે ભાજપ જ નહીં પરંતુ અન્ય વિપક્ષી નેતાઓ પણ એવું માનવા લાગ્યા હતા કે રાહુલ ગાંધી કોંગ્રેસને આગળ લઈ જઈ શકશે નહીં.
જોકે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા યોજીને જાણે કરવટ બદલી. ભારત જોડા યાત્રાને કારણે રાહુલ ગાંધીની અલગ ઈમેજ ઊભી થઈ. જે રાજકીય પક્ષો તેમને ગંભીરતાથી લેતા નહોતા તે ગંભીરતાથી લેવા માંડ્યા. રાહુલ ગાંધીએ અદાણીનો મામલો ઉપાડીને વિપક્ષોને પણ સાથે લઈ લીધા. રાહુલ ગાંધીને સજા થઈ તે મુદ્દે મોટાભાગના વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધીની તરફેણના પ્રતિભાવો આપ્યા અને હવે તેમનું સભ્યપદ જતું રહેતા વિપક્ષી નેતાઓ દ્વારા ભાજપની સામે મોરચો માંડવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીને થયેલી સજા અને તેમનું સભ્યપદ રદ્દ થવાની ઘટનાને કારણે રાહુલ ગાંધીને કોઈ ફાયદો થશે કે કેમ? તે આગામી દિવસોમાં ખબર પડશે. આગામી દિવસમાં કર્ણાટક અને રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસ કેવો દેખાવ કરે છે તેની પર આ તમામ મદાર રહેશે. જો આ બે રાજ્યોમાં કોંગ્રેસ જીતશે તો બની શકે છે કે રાહુલ ગાંધી પોતાની જાતને આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી શકશે. રાહુલ ગાંધી ધીરેધીરે પરિપકવ થઈ રહ્યા છે અને આખા ભાજપને હચમચાવી રહ્યા છે.
ભલે ભાજપના નેતાઓ એવું કહેતા હોય કે રાહુલ ગાંધીથી તેમને કશો ફરક પડતો નથી પરંતુ રાહુલ ગાંધી પર આક્ષેપો માટે ભાજપની આખી ફોજ કામે લાગે છે. જે ભૂલ કોંગ્રેસે નરેન્દ્ર મોદીની ટીકા કરીને તેમને હીરો બનાવીને કરી છે તે જ ભૂલ હવે ભાજપ પણ રાહુલ ગાંધીની ટીકા કરીને તેમને હીરો બનાવીને કરી રહી છે. ભાજપ ભલે ગમે તે કહે પરંતુ એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે રાહુલ ગાંધી ધીરેધીરે રાજકારણમાં તૈયાર થઈ રહ્યા છે અને તેનું નુકસાન ભાજપને જ થશે તે નક્કી છે.