Charchapatra

સાર્વજનિક સોસાયટીનાં શિક્ષકોનો વિવાદ હાલ બિનજરૂરી

 ‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ થયું અને તે બધી કોલેજો સાર્વજનિક યુનિવર્સિટી (પ્રાઇવેટ) કોલેજો બની તેને પગલે તેની ગ્રાન્ટેડ કોલેજોના શિક્ષકોએ સોસાયટી અને યુનિવર્સિટી સાથે ઊભો કરેલો વિવાદ મારા મતે બિનજરૂરી અને આધારહીન છે. કાયદાની જોગવાઇઓ મુજબ તેવી કોલેજોનું જોડાણ રદ થયું તે યુનિ.ની કોઇ મુનસફીની બાબત હતી નહિ. જોડાણ મટી જવાથી યુનિ. સિન્ડીકેટ, સેનેટ, બીયુટી કે એકેડેમિક કાઉન્સીલ વિ.માં ગ્રાન્ટેડ કોલેજોના શિક્ષકોનું સભ્યપદ મટી જાય તે પરિણામ છે.

એફીલીએશન અને કોલેજોની ગ્રાંટ સાથે કોઇ લેવાદેવા નથી. એફીલીએશન કોલેજ અને યુનિ. વચ્ચેની બાબત છે. જયારે કોઇ કોલેજની ગ્રાંટ ઇન એઇડ કોલેજ બનાવવી કે નહિ કે તેની અપાતી ગ્રાંટ બંધ કરવી કે તેમાં કાપ મૂકવો તે સરકારની મુનસફી પર આધારિત છે. સરકારે સાર્વજનિક યુનિવર્સિટીને કે જે તે કોલેજના વડાને જે તે કોલેજનું એફીલીએશન મટી ગયા પછી હવે ગ્રાંટ મળશે નહિ તેવું કંઇ જ જણાવ્યું નથી. એથી ઉલ્ટું સાર્વજનિક યુનિવર્સિટી બન્યા પછી પણ જૂન તથા જુલાઇનો શિક્ષકોનો પગાર તેઓને સરકાર તરફથી મળ્યો છે. એટલે તેવા શિક્ષકો માટે તો વિવાદ ઊભો કરવાનો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી.

તેઓ માટે કાયદાની ભાષામાં કોઇ Cause of action જ ઉત્પન્ન થયું નથી. તે જ રીતે સાર્વજનિક યુનિવર્સિટી માટે પણ કોઇ Cause of action ઉત્પન્ન થયું નથી. સાર્વજનિક એજયુકેશન સોસાયટીને તો માંગ્યા મુજબ યુનિવર્સિટી વ્યાજબી રીતે જ મળી છે, જયારે પ્રાઇવેટ યુનિવર્સિટીનો હેતુ શિક્ષણનાં ધોરણો ઊંચાં લાવવાનું હોય ત્યારે તેવાં ઊંચાં ધોરણોમાં તેનો ફકત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પૂરતો જ રસ છે તેવું કહી શકાય તેમ નથી. છેવટે યુનિ.એ ગ્રાન્ટેડ કોલેજનું જોડાણ રદ થયા પછી પણ તેવી કોલેજમાં કામચલાઉ (provisional), પ્રવેશ (admission) આપ્યાં હોય તો તે પણ કાયદામાં અપેક્ષિત નથી.

પ્રવેશ અને જોડાણ એ બેને સાથે જ જાય છે. જોડાણ રદ થયેથી કોલેજમાં યુનિ. provisional admission આપે તે વિરોધાભાસી છે. આમ ત્રણે પક્ષકારોએ જયાં સુધી સરકાર ગ્રાંટ-ઇન-એઇડ કોલેજોની ગ્રાંટ બંધ ન કરે ત્યાં સુધી શાંતિ રાખવી જોઇએ અને સાર્વજનિક યુનિવર્સિટીની પોતાની ગ્રાંટ-એઇડ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.એ કામચલાઉ પ્રવેશને પોતાની કોલેજોમાં નિયમિત પ્રવેશ આપ્યો છે તે ગણવું જોઇએ એવું મારું માનવું છે.
સુરત     – આઇ. જે. દેસાઇ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top