National

અયોધ્યાના રામ મંદિરમાં શિખરના નિર્માણનું કાર્ય આ મહિનામાં શરૂ થશે, ડિઝાઈન તૈયાર

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના શિખરના નિર્માણનું કામ ટુંક સમયમાં શરૂ થશે. આ સાથે જ પહેલાં માળ પર પ્રસ્તાવિત રામ દરબારના નિર્માણને લઈને પણ તૈયારી પુરી કરી લેવાઈ છે. ટૂંક સમયમાં રામ મંદિરમાં લોકો રામ દરબારના દર્શન કરી શકશે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠકના પહેલાં દિવસે આ બંને બાબતો પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પુરું કરવા માટે ખૂબ ઝડપથી જ કામ ચાલી રહ્યું છે. જોકે, મંદિર નિર્માણનું કાર્ય નિર્ધારિત સમયથી અંદાજે બે મહિના પાછળ ચાલી રહ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિની સમીક્ષા બેઠકમાં તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર અને શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સાથે ટેક્નિકલ એક્સપર્ટની બેઠકમાં બાંધકામ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં એ મુદ્દા પર ચર્ચા થઈ કે મંદિરના શિખર નિર્માણનું કાર્ય ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. નિર્માણ શરૂ થાય ત્યારે મંદિર નિર્માણના કાર્ય સાથે સંકળાયેલી તમામ એજન્સીના એક્સપર્ટ હાજર રહેશે.

અયોધ્યામાં નાગર શૈલીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી તેનું શિખર પણ નાગર શૈલીની ડિઝાઈનમાં બનશે. તેના માટે સ્પેશ્યિલ ડિઝાઈન (પિરામિડના આકાર)ની તૈયાર કરવામાં આવી રહી છે. ઓક્ટોબરમાં નિર્માણ કાર્ય શરૂ થાય ત્યારે આઈઆઈટીના એક્સપર્ટ, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિક, રૂરકી (સીબીઆરઆઈ)ના એક્સપર્ટ, કન્સ્ટ્રક્શન એજન્સી એલ એન્ડ ટીના એક્સપર્ટ તેમજ નેશનલ જીયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (એનજીઆરઆઈ)ના એક્સપર્ટ હાજર રહેશે. આ સાથે જ રામ મંદિર નિર્માણ સમિતિના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

જણાવી દઈએ કે કોઈ મંદિરના નિર્માણ દરમિયાન સૌથી કપરું કામ તેના શિખરને બનાવવાનું હોય છે. ટેક્નિકલી શિખરનું નિર્માણ ખૂબ જ અઘરું હોય છે. રામ મંદિરના બાંધકામની વિશેષતાઓને ધ્યાનમાં લઈ શિખરનું નિર્માણ કરાશે. તેના માટે તેની મજબૂતી અને સુંદરતા બંનેનું ધ્યાન રાખવામાં આવશે.

હોળી પહેલાં બની જશે રામદરબાર
રામ મંદિરના દર્શન જતા ભક્તો ટૂંક સમયમાં રામ દરબારના પણ દર્શન કરી શકશે. વર્ષ 2025ની હોળી પહેલાં પહેલાં માળ પર રામ દરબારની સ્થાન થઈ જશે. બેઠકમાં રામ દરબારના નિર્માણ અંગે પણ ચર્ચા થઈ હતી.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું કે, રામ દરબારની ડિઝાઈનનું કામ પુરું થઈ ચૂક્યું છે. રામ દરબાર આરસથી બનાવાશે. રામ દરબાર તેના પૂર્ણ સ્વરૂપમાં હશે જેમાં રામ, સીતા, ત્રણ ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ હશે. શિલ્પકાર વાસુદેવ કામથે તેની ડિઝાઇનને મંજૂરી આપી છે, આવતા વર્ષે હોળી પહેલા રામ દરબારની સ્થાપના કરવામાં આવશે.

જો કે સમગ્ર મંદિરની ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવામાં નિર્ધારિત સમય કરતાં બે મહિના વધુ સમય લાગશે. મંદિરના કિનારા અને સપ્ત મંડપનું કામ પણ એક સાથે ચાલી રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું બાંધકામ લગભગ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે.

Most Popular

To Top