વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર ઈલેક્શન વોર્ડ નંબર 15 માં આવેલ જીવણ નગર ખાતેના એફોર્ડેબલ હાઉસ 12 વર્ષના ટૂંકા સમયગાળામાં જ ખખડધજ બન્યા છે. તકલાદી બાંધકામના કારણે આ મકાનોની છત ઉપરથી પોપડા ખરી રહ્યા છે. અને સળિયા પણ કટાઈ ગયા છે. ત્યારે હાલમાં મનપા દ્વારા આ મકાનોમાં રહેતા 88 જેટલા રહીશોને નિર્ભયતા નોટિસ બજાવી છે. અને 2 દિવસમાં આ સમારકામ કરવા સૂચના આપી છે. નવાઈની વાત એ છે કે આ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી નથી
શહેરના જીવણ નગર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા હતા. જેનું લોકાર્પણ વર્ષ 2010 માં વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. આ મકાનો હેન્ડ ઓવર કર્યા બાદ માત્ર 12 વર્ષના સમય ગાળામાં આ મકાનો ખખડધજ બની ગયા છે. અનેક મકાનોમાં લોકો અધ્ધર જીવે રહે છે. તાજેતરમાં જ એક મકાનની છત પતિ પોપડા પડ્યા હતા જો કે ઘરમાં કોઈ ન હોય કોઈ ઇજા પહોંચી ન હતી. તો કેટલાક મકાનોમાં તો ઉપર પતરા બાંધવા પડ્યા છે. આ અંગે સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી હતી છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.
મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ મકાનોમાં રહેતા 88 જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. અને 2 દિવસમાં આ સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને જો તેમ નહિ કરે તો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી જે તે મકાનના માલિકની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ચોથા મળે રહેતા મકાન માલિકોને આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સંપૂર્ણ જવાબદારી મકાન માલિકો ઉપર જ છોડી દેવામાં આવી છે.
કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં નહિ?
સરકારની યોજનાનો લાભ આ લોકોને મળ્યો છે. આ મકાનો જેને બનાવ્યા છે તેઓ પાસે જવાબ માંગવાને બદલે પાલિકાએ રહીશોને નોટિસ બજાવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી બાંધકામ કરવામાં આવ્યું છે તેની સામે કોઈ પગલાં નહિ? અને આ લોકો જે રહે છે તેઓને 2 દિવસની મુદત આપવામાં આવી છે. અને જો નહિ કરે તો મકાન ખાલી કરવા માટે જણાવ્યું છે તે કેટલું વ્યાજબી? કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જોઈએ.
– આશિષ જોષી, કોર્પોરેટર, ઈલેક્શન વોર્ડ 15
કોન્ટ્રાકટરે આપેલ 2 વર્ષની મુદત પૂર્ણ થઇ
વર્ષ 2010 માં આ મકાનો હેન્ડ ઓવર કરવામાં આવ્યા હતા. ચેતન વ્યાસ નામના કોન્ટ્રાક્ટર દ્વારા આ મકાનો બનાવાયા છે. મકાનો બનાવાયા નાદ તેઓની મુદત 2 વર્ષની હોય છે જે પૂર્ણ થઇ ગઈ છે. મકાન માલિકોએ નાનું નાનું જે સમારકામ કરવાનું હતું તે નથી કર્યું જેથી હાલમાં વધી ગયું છે. જેથી નિર્ભયમ નોટિસ પાઠવાઈ છે.
– નિલેશ પરમાર, હ. કાર્યપાલક ઈજનેર, એફોર્ડેબલ હાઉસિંગ