Comments

ભારતનું બંધારણ ધર્મ અને ધાર્મિકતાની બાબતે તટસ્થ છે

આયોજન હતું કે અકસ્માત એ તો કહેવું અઘરું છે પણ હકીકત એ છે કે, ભારતની બંધારણ સભાએ 26મી નવેમ્બર 1949નાં રોજ ભવિષ્યનાં ભારતનું સ્વરુપ ઘડતર કરનારા ભારતનાં બંધારણના અંતિમ મુસદ્દાને મંજૂર રાખ્યો તેનાં મહિના પછી અને 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને ભારત વિધિવત્ પ્રજાસત્તાક બન્યું એનાં મહિના પહેલા 1949ની 22 અને 23 ડિસેમ્બરની રાતે અયોધ્યામાં બાબરી મસ્જિદમાં કોઈકે રામ લલ્લાની એક છબી ઘૂસાડી દીધી અને પછી બીજા દિવસે ભગવાન રામ પ્રગટ થયા હોવાનો પ્રચાર શરુ થયો. આમ પ્રજાસત્તાક ભારતની અને તેનાં બંધારણની કસોટી તેની સ્થાપના સાથે જ શરૂ થઈ. બંધારણમાં કલ્પવામાં આવેલા ભારત સામે તેનાં જન્મની સાથે જ આઘાત કરાવવામાં આવ્યો હતો. ઘણું કરીને એ ગણતરીપૂર્વકની ઘટના હોવી જોઈએ.

જ્યારે બાબરી મસ્જીદમાં રામની તસ્વીર ઘૂસાડવામાં આવી ત્યારે ફૈઝાબાદ જીલ્લાના જીલ્લા મેજીસ્ટ્રેટ કે. કે.નાયર હતા અને તેઓ ગોરખપુરમાં આવેલી ગોરખનાથની પીઠના પીઠાધીશ મહંત દિગ્વિજયનાથના ઘનિષ્ઠ મિત્ર અને સહયોગી હતા. મહંત દિગ્વિજય નાથ હિંદુ મહાસભામાં સક્રિય હતા. 27મી જાન્યુઆરી 1948 (માર્ક ધ ડેટ) ના રોજ તેમણે ગાંધીજીની હત્યા કરવા માટે હિંદુઓને ઉશ્કેરતું ભાષણ કર્યું હતું અને એ માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. યોગી દિગ્વિજય નાથ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના દાદાગુરુ થાય.  આ બાજુ જ્યારે અયોધ્યામાં તસ્વીર ઘૂસાડવાની ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંત હતા અને સરદાર વલ્લભભાઇ પટેલ કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા. સરદાર પટેલે બાબરી મસ્જીદમાંથી રામની તસ્વીર હટાવવાનો આદેશ આપ્યો હતો. ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની તાકીદ કરી હતી. બાબરી મસ્જીદમાં તસ્વીર ઘૂસાડવાની ઘટના વિષે સરદાર અને પંતજી વચ્ચે થયેલા પત્રવ્યવહાર ઉપલબ્ધ છે.

સરદારના આગ્રહ અને આદેશ પછી પણ તસ્વીર હટાવવામાં નહોતી આવી. હિંદુઓ ઉશ્કેરાશે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે એવાં બહાનાં આગળ કરવામાં આવતાં હતાં. દરમ્યાન સરદાર પટેલના આદેશ છતાં મસ્જીદમાંથી તસ્વીર નહીં હટાવનારા જીલ્લા મેજિસ્ટ્રેટ કે. કે.નાયર હિંદુ મહાસભામાં જોડાયા હતા અને 1967માં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશના બેહરાઈચથી ચૂંટણી લડી હતી અને જન સંઘના લોકસભામાં સભ્ય બન્યા હતા. કે. કે. નાયરની જિદ તેમની પોતાની અંગત હોત તો તેઓ સફળ ન નીવડ્યા હોત. તેમને અને એકંદરે અયોધ્યા આંદોલનને કેટલાક કોંગ્રેસીઓનો છૂપો ટેકો મળતો હતો. બાકી નાયરની શી  વિસાત?

ભારતનું બંધારણ ધર્મ અને ધાર્મિકતાની બાબતે તટસ્થ છે. ભારતનો પ્રત્યેક નાગરિક પોતાનો ધર્મ અનુસરવાનો, ધર્મનો પ્રચાર કરવાનો, ધાર્મિક રીતિરિવાજ પાળવાનો અને પોતાનાં અંતરાત્માને અનુસરીને ધર્માંતરણ કરવાનો કે પછી સમૂળગો કોઈ પણ ધર્મને નહીં માનવાનો અધિકાર ધરાવે છે પણ આ મૂળભૂત અધિકાર અબાધિત નથી. જો કોઈની ધાર્મિક શ્રદ્ધા, ધાર્મિક માન્યતા, કોઈનાં ધાર્મિક રીતિરિવાજ, ધાર્મિક પ્રવૃત્તિ અમાનવીય હોય, બીજાને નુકસાન પહોંચાડનારી હોય, મૂળભૂત માનવીય ગરીમાની વિરુદ્ધ હોય તો એ સંજોગોમાં ભારતનું બંધારણ રાજ્યને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપે છે. આ અર્થમાં ભારતીય સંઘરાજ્ય સેક્યુલર હોવા છતાં હસ્તક્ષેપીય છે. ભારતનાં બંધારણની આ વિશેષતા છે.

હવે બન્યું એવું કે, બંધારણને મંજુર રાખવામાં આવ્યું એના એક મહિના પછી અને બંધારણ લાગુ થયું એના મહિના પહેલાં અયોધ્યામાં એવી ઘટના બની જેમાં રાજ્યે હસ્તક્ષેપ કરવો જોઈતો હતો પણ તેની જગ્યાએ તેમાં તે સરિયામ નિષ્ફળ નીવડ્યું. કોઈનાં ધાર્મિક સ્થળમાં ચોરીછૂપીથી પ્રવેશ કરવો, તેમાં તેમની શ્રદ્ધાની વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી અને એ પછી એ સ્થળ પર ધર્મશ્રદ્ધાને નામે કબજો કરવો એ બંધારણ મુજબ હસ્તક્ષેપીય ઘટના હતી. માનવીય ગરિમા, બીજાની શ્રદ્ધાનો આદર અને કાયદાનું રાજ સર્વોપરી છે, નહીં કે કોઈની ધાર્મિક જોહુકમી પણ ભારતના સેક્યુલર શાસકો એમાં નિષ્ફળ નીવડ્યા. સેક્યુલર ભારતીય સંઘરાજ્યને પ્રથમગ્રાસે મક્ષિકાપાતનો અનુભવ થયો. રહી વાત ટાઈમિંગની તો ટાઈમિંગ વિચારતા કરી મૂકે છે. કોંગ્રેસને કવિન્યાય મળી રહ્યો છે. કોંગ્રેસી શાસકોના સમર્થન વિના કે. કે. નાયરની કોઈ તાકાત નહોતી કે તે મસ્જીદમાંથી તસ્વીર ન હટાવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top