Comments

મધ્યપ્રદેશ અને તેલંગણામાં કોંગ્રેસ મજબૂત બની રહી છે

મધ્યપ્રદેશમા વર્ષાન્તે ચૂંટણી છે અને અત્યારથી ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે. એબીપી – સી વોટરનો સર્વે સાચો માનીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની છે અને શક્ય છે કે, કોંગ્રેસ સત્તા મેળવી પણ જાય. પણ આવું બનવાની શક્યતા કેટલી? શિવરાજસિંહ ચૌહાણની સરકાર એક પછી એક લોકપ્રિય યોજનાની જાહેરાત કરી રહી છે. મફતની રેવડીમાં એ સમાવી શકાય કે કેમ એ ચર્ચાનો વિષય બની શકે. પણ કોંગ્રેસની તૈયારી જોરદાર છે. કમલનાથની આગેવાનીમાં ભાજપને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. ૨૦૧૮માં ભાજપને ૧૦૯ બેઠકો મળેલી અને કોંગ્રેસને ૧૧૪. કોંગ્રેસે સપા અને બસપાનો સાથ લઇ સરકાર બનાવી પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી ના બનાવતાં એ નારાજ થયા અને બળવો કરી ધારાસભ્યો સાથે ભાજપમાં ગયા અને શિવરાજસિંહની સરકાર બની. સિન્ધોઇયાને કેન્દ્રમાં લઇ જવાયા પણ એમાં ટેકેદારોને રાજી ના રખાયા અને એનું પરિણામ હવે દેખાવા લાગ્યું છે. સિંધિયા સાથે જે નેતાઓ ભાજપમાં ગયા હતા એ પાછા ફરી રહ્યા છે.

યદુવેન્દ્ર યાદવ તો ગયા મહિને કોંગ્રેસમાં પાછા ફર્યા તો એમણે ૭૦૦ કાર સાથે રેલી કાઢી અને ઘર વાપસી કરી. સિંધિયાના ખાસમખાસ રાકેશકુમાર ગુપ્તા પણ એ જ રીતે કોંગ્રેસમાં પાછા ફર્યા અને એમણે કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં કહ્યું કે, મારી ભૂલ થઇ છે. ૪૦ વરસથી હું કોંગ્રેસમાં હતો પણ ભાજપમાં ગયો એનાથી મારા ચરિત્ર પર ડાઘ લાગ્યો છે. હું હાથ જોડું છું , મને માફ કરો. એમની સાથે ૨૦૦૦ લોકો કોંગ્રેસમાં જોડાયા. એ જ રીતે ધ્રુવપ્રતાપ સિંહ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. બૈજનાથ યાદવ પણ પાછા ફર્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોર પણ શરૂ થઇ છે. શિવરાજને પે સીએમ ગણાવતા પોસ્ટર કોંગ્રેસે લગાડ્યા છે તો ભાજપે ભ્રષ્ટ કમલનાથ વોન્ટેડ છે એવા પોસ્ટર લગાવ્યાં છે. ભાજપ હવે શિવરાજને રીપીટ કરે એવું લાગતું નથી.

તેલંગણામાં પણ કોંગ્રેસ એના ગેમપ્લાન સાથે ચાલી રહી છે. બીઆરએસનાં અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે અને જોડાવાના છે. પૂર્વ મંત્રી કે સી રાવ અને શ્રીનિવાસ રેડ્ડી સહિત ૧૨ નેતાઓ જોડાયા બાદ ૩૫ નેતાઓ જોડાવાના છે. ટીઆરએસમાંથી બીઆરએસ નામ કર્યા બાદ કે ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા માગે છે પણ હવે એમણે પોતાનું ઘર સંભાળવું પડે એવી સ્થિતિ આવી પડી છે. કોંગ્રેસે બીઆરએસ સાથે જવાની ઘસીને ના પાડી એટલું જ નહિ પણ વિપક્ષોની બેઠક પટનામાં મળી એમાં પણ બીઆરએસ સામેલ ના થાય એવો આગ્રહ રાખ્યો. કોંગ્રેસ રાજસ્થાન, એમપી , તેલંગણામાં એકલા હાથે લડવા માગે છે. ૨૦૧૮માં કે . રાવ ૧૦૩ બેઠકો સાથે સંપૂર્ણ બહુમતીથી ચૂંટાયા હતા પણ પાંચ વર્ષમાં વાતાવરણ બદલાઈ ગયું છે. કોંગ્રેસને અહીં સારા દેખાવાની આશા છે.

કેજરીવાલની ચાલ શું છે? આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનું રાજકારણ સમજવું અઘરું બનતું જાય છે. એ આમ તો ભાજપની સામે છે. પણ કેટલાક મુદે ભાજપની સાથે છે . ક. ૩૭૦ દૂર કરાઈ ત્યારે આપે સાચું પગલું ઠેરવ્યું હતું. અને હવે મોદી સરકાર સમાન નાગરિક ધારો લાવવા માગે છે તો આપ એમાં પણ સાથે છે. પક્ષના મહામંત્રી ડૉ. સંદીપ પાઠકે જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ ૪૪ કહે છે આ કાયદો લાવવો જોઈએ.

દિલ્હી સરકાર સામે કર્મચારીઓની બદલીના અધિકાર મુદે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો એ મુદે એ બધા વિપક્ષનો સાથ ચાહે છે. અન્યોએ ટેકો આપ્યો છે પણ કોંગ્રેસ મગનું નામ મારી પાડતો નથી. આ કારણે કેજરીવાલ નારાજ છે અને એણે ત્યાં સુધી કહી દીધું છે કે, કોંગ્રેસ સ્પષ્ટ ટેકો નહિ આપે તો સર્વપક્ષી એજન્ડા સાથે જોડાવાનું એમના માટે શક્ય નહિ બને. કેજરીવાલની સફળતા કોન્ગ્રેસના ભોગે જ છે. પછી એ દિલ્હી હોય કે પંજાબ કે પછી રાષ્ટ્રીય પક્ષનું સ્ટેટસ જેના કારણે મળ્યું એ ગુજરાત. ને રાજસ્થાન, એમપી અને છતીસગઢમાં પણ એ એકલા હાથે લાડવા માગે છે. કોંગ્રેસની વોટ બેન્કમાં એ ગાબડું પાડી આગળ વધી રહી છે. તો લોકસભામાં દિલ્હી , પંજાબ અને હરિયાણામાં થોડી બેઠક મેળવવા માગે છે. આ સ્થિતિમાં કેજરીવાલ વિપક્ષ સાથે જશે કે કેમ એ કહેવું મુશ્કેલ બનતું જાય છે.
સી. આર. પાટીલને બદલવામાં આવશે?

ગુજરાતમાં ભાજપના પ્રમુખ સી. આર. પાટીલની ટર્મ આવતા મહિને પૂરી થાય છે અને અહેવાલો એવા છે કે, પાટીલને વધુ ટર્મ નહિ અપાય અને એમની કોઈ મહત્ત્વની ભૂમિકા નક્કી થશે. ગુજરાતમાં ધારાસભાની ચૂંટણીમાં ઝળહળતી સફળતા પછી પાટીલનો રૂતબો વધ્યો છે અને નરેન્દ્ર મોદીની એ નજીક છે. પણ અહેવાલો સાચ્ચા માનીએ તો એમને રાષ્ટ્રીય ક્ક્ષાએ
કોઈ મહત્ત્વની ભૂમિકા સોંપાય એવું બની શકે અથવા તો કોઈ મહત્ત્વના રાજ્યની જવાબદારી આપવામાં આવે. એવું બન્યું તો ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે એની ચર્ચા શરૂ થઇ ગઈ છે. જો કે, હ્જુ ચોક્કસપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top