Feature Stories

દક્ષિણ ગુજરાતમાં અધ્યાત્મિકતાનો સંગમ એટલે સાંકરીનું BAPS સ્વામીનારાયણ મંદિર

રાયમ ગામથી માત્ર અઢી કિમીના અંતરે સાંકરી ગામ આવેલું છે. રાયમ ચાર રસ્તાથી ઓરગામ તરફ જતાં રોડ પર 500થી 700 મીટરના અંતરે સાંકરી તરફ જવાનો રસ્તો આવે છે. સાંકરીને સોનાની સાંકરી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ-1971માં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાન (BAPS)ના વડા પ્રમુખ સ્વામી મહારાજે સાંકરી મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને દક્ષિણ ગુજરાતને પ્રથમ અધ્યાત્મિકતા સભર સ્વામીનારાયણ મંદિરની ભેટ આપી હતી. ત્યારબાદ અહીંથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, સેલવાસ સહિતનાં સ્થાનો પર મંદિરોનું નિર્માણ થયું હતું. આ મંદિર અધ્યાત્મિકતાની સાથે સાથે વન-ડે ધાર્મિક પિકનિક સ્થળ તરીકે પણ જાણીતું છે. દક્ષિણ ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિમા દર વર્ષે અન્નકૂટમાંથી પ્રસાદ ગ્રહણ કરતાં હોવાની માન્યતા છે. બેસતા વર્ષના દિવસે 60 હજારથી વધુ હરિભક્તો આવે છે. આ ઉપરાંત દર પૂનમે 15 હજારથી વધુ હરિભક્તો દર્શનાર્થે પધારતા હોય છે અને અભિષેક કરી પ્રસાદ ગ્રહણ કરતાં હોય છે. દર રવિવારે 800થી વધુ હરિભક્તો રવિસભામાં આવી સંતો પાસેથી અધ્યાત્મિકતાના પાઠ શીખે છે. મંદિર પરિસરમાં આવેલો અધ્યાતન બાગ હરિભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે. બાળકો માટે રમતોનાં સાધનો પણ ઉપલબ્ધ હોય બાળકોને પણ મોજ પડે છે. આ જ પરિસરમાં 70થી વધુ ગીર ગાયો ધરાવતી ગૌશાળા આવેલી છે. સાંકરી મંદિર દ્વારા ચાલતા ફરતા દવાખાનાની પણ સુવિધા ઉપલબ્ધ છે. સાંકરી મંદિરને કારણે દક્ષિણ ગુજરાતમાં ધર્માન્તરણની પ્રવૃત્તિ પર પણ કંઈક અંશે અંકુશ લાગ્યો છે. અહીં આવેલી પ્રેમવતી ઉપહારગૃહમાં મંદિરે આવતા હરિભક્તો સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. આ ઉપરાંત મંદિરમાં ચાલતો મંદિરમ્ નામનો મલ્ટીમીડિયા શોએ પણ હરિભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. સુરતથી સાંકરી જવા માટે બારડોલી સુધી બસ અને રેલ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ખાનગી વાહન વ્યવહારનાં સાધનો પણ ઉપલબ્ધ છે. બારડોલીથી સવારે અને સાંજે બસની સુવિધા છે. આ ઉપરાંત બારડોલીથી રિક્ષાના માધ્યમથી પહોંચી શકાય છે. રાયમથી માત્ર અઢી કિ.મી.ના અંતરે આવેલું આ સ્થળ એક દિવસના પિકનિક માટે ખૂબ જ ઉત્કૃષ્ટ છે.

ગામમાં જ જુનિયર કે.જી.થી ધો.12 સુધી અભ્યાસની સગવડ

ગામના શિક્ષણની સુવિધાની વાત કરવામાં આવે તો અહીં જિલ્લા પંચાયત સુરત સંચાલિત બે આંગણવાડી અને બે પ્રાથમિક શાળા આવેલી છે. મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયામાં અને વર્ગ શાળા હળપતિવાસ ફળિયામાં આવેલી છે. બંને શાળામાં ધો.1થી 5માં 60થી 70 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. છઠ્ઠા ધોરણથી ગામમાં જ આવેલી ધી વરાડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય તેમને દૂર જવાની જરૂર રહેતી નથી. ગામમાં એક નોનગ્રાન્ટેડ શાળા પણ આવેલી છે. પરંતુ તેની ફી વધુ હોવાથી ગામના આદિવાસી સમાજના લોકો મોટા ભાગે ધી વરાડ હાઈસ્કૂલને જ પ્રાધાન્ય આપે છે. ધો.12 પછી વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ બારડોલી પર આધાર રાખવો પડે છે. બારડોલી નજીક હોવાની સાથે ગામના વાહન વ્યવહારની પણ સુવિધા સારી હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં અગવડ પડતી નથી.
રોજનાં સેંકડો કિલો પાતરાંનું વેચાણ


રાયમ ગામ પાતરાં માટે વિસ્તારમાં પ્રખ્યાત છે. અહીં મળતાં કડક અને પોચાં પાતરાં દેશ-વિદેશમાં નામના ધરાવે છે. રોજનાં સેંકડો કિલો પાતરાંનું વેચાણ થાય છે. ગામ નજીકથી પસાર થતા લોકો રાયમના પ્રખ્યાત પાતરાંનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. અહીં તમને જૈન અને સ્વામિનારાયણ વેરાઇટીમાં પણ પાતરાં મળી રહેતા હોય છે. બારડોલી વિસ્તારમાં વિદેશથી આવતા એનઆરઆઇ પોતાની સાથે રાયમનાં પાતરાં લઈ જવાનું ભૂલતા નથી. પાતરાંને કારણે જ રાયમનું ગામ દેશ-વિદેશમાં ગૂંજી રહ્યું છે. બીજી તરફ ગામમાં આવેલી દાળ મિલમાં પ્રોસેસ થતી તુવર દાળ પણ ગુજરાતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આમ, પાતરાં અને તુવર દાળનું નામ લેતા જ રાયમ ગામનું નામ લોકોને જરૂર યાદ આવે છે.
કોરોનાગ્રસ્તોની વ્હારે આવનાર તત્કાલીન આરોગ્ય સમિતિના
ચેરમેન કિશોરભાઈ માહ્યાવંશી


રાયમ ગામના આગેવાન કિશોરભાઈ માહ્યાવંશી (પાનવાલા) સામાજિક, રાજકીય, વૈદકીય અને શૈક્ષણિક ક્ષેત્ર સારી એવી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ આ મંડળમાં કારોબારી સભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો ભાજપના શરૂઆતના સમયથી જ તેઓ સક્રિય સભ્ય રહ્યા છે. તેમની હાલમાં જ સુરત જિલ્લા તકેદારી સમિતિના સરકારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં બારડોલી તાલુકા ભાજપા સંગઠનના મહામંત્રી, સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કોરોના કાળ વખતે તેઓ સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તે સમયે તેમની કામગીરીની જિલ્લાભરમાં પ્રસંશા થઈ હતી. સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે સેંકડો કોરોનાગ્રસ્ત દર્દીઓની ડોર ટુ ડોર વિઝિટ કરી તેમના દુઃખમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં અંતિમસંસ્કાર કર્યાં હતાં.
સમગ્ર ગામમાં વીજળીનું અંડરલાઇન જોડાણ
ગામના પાટીદાર સમાજના અનેક પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. ખાસ કરીને અમેરિકામાં સમાજના લોકો મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. વિદેશની ધરતી પર વસીને પણ આ પરિવારોએ ક્યારેય પોતાના વતનને ભૂલ્યા નથી. વારે તહેવારે અને ગામને જ્યારે પણ કોઈ મદદની જરૂર હોય ત્યારે તાત્કાલિક મદદરૂપ થઈને ગામનું ઋણ અદા કરી રહ્યા છે. આ એનઆરઆઇના કારણે ગામનો વિકાસમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. ગામના એનઆરઆઇ બિઝનેસમેન દર્શનભાઈ અમરતભાઈ પટેલ હાલ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં બે અને ભારતના વડોદરામાં એક એમ ત્રણ કંપની ચલાવે છે. ગામમાં મોટા ભાગની સુવિધા તેમના દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોવાનું ગામના આગેવાન ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું. ગામ આખામાં વીજળીનું અંડરલાઇન જોડાણ કરવાની સાથે સાથે રોજબરોજની સફાઈ માટે પણ તેમના તરફથી સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત ગામના અન્ય કોઈપણ વિકાસનાં કામો હોય તેઓ હંમેશાં તત્પર રહે છે. ગામના તમામ ફળિયાં વીજળીના લટકતા વાયરોથી મુક્ત થાય તેવો તેમનો પ્રયાસ રહેલો છે. કોઈપણ જાતના ભેદભાવ વગર તેઓ ગામના લોકોને સહાયરૂપ થતા આવ્યા છે. જેને લઈને ગ્રામજનો પણ તેમના આભારી છે.
ચોમાસુ આવતાં જ લોકોના જીવ રહે છે ઉચાટે
ચોમાસુ ગામ માટે મહામુસીબત સાબિત થાય છે. ગામમાંથી પસાર થતી ખાડી પર ગેરકાયદે દબાણને કારણે બારડોલી-કડોદ મુખ્ય રસ્તા પર તેમજ મુખ્ય રસ્તાથી હળપતિવાસ ફળિયા તરફ જતાં રસ્તા પર પાણી ફરી વળે છે. ભારે વરસાદને કારણે કેટલાક ઘરોમાં પણ પાણી ભરાય જતા હોય છે. જેને કારણે ગ્રામજનોની હાલત કફોડી થઈ જાય છે. ખાડી પર બની ગયેલા શોપિંગ સેન્ટર તેમજ મોતા ગામ નજીક આ જ ખાડી પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આથી કડોદ-બારડોલી રાજ્ય ધોરી માર્ગ પર વરાડ હાઈસ્કૂલની સામે છાતી સુધીના પાણી ભરાય જાય છે. શાળાના કમ્પાઉન્ડમાં પણ કમર સુધી પાણી ભરાતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. તેમજ બારડોલીથી કડોદ-માંડવી તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે, ખાડી પર થયેલાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે તેમજ મોતા પાસે થયેલ ગેરકાયદે બાંધકામ પર પણ હથોડા ઝીંકવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે એમ છે. આ બાંધકામ થયા બાદ જ આ મુસીબત સર્જાય રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે આવાં બાંધકામો તોડી ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. આ હાલાકી માત્ર રાયમ ગામના લોકોને જ નહીં, પરંતુ બારડોલી-કડોદ-માંડવી રોડ પરથી પસાર થતા હજારો વાહનચાલકોને પડે છે. ત્યારે આ સમસ્યા પર સરકાર વિશેષ ધ્યાન આપે એ જરૂરી છે.
સમગ્ર ગામમાં વીજળીનું અંડરલાઇન જોડાણ
ગામના પાટીદાર સમાજના અનેક પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. ખાસ કરીને અમેરિકામાં સમાજના લોકો મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. વિદેશની ધરતી પર વસીને પણ આ પરિવારોએ ક્યારેય પોતાના વતનને ભૂલ્યા નથી. વારે તહેવારે અને ગામને જ્યારે પણ કોઈ મદદની જરૂર હોય ત્યારે તાત્કાલિક મદદરૂપ થઈને ગામનું ઋણ અદા કરી રહ્યા છે. આ એનઆરઆઇના કારણે ગામનો વિકાસમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. ગામના એનઆરઆઇ બિઝનેસમેન દર્શનભાઈ અમરતભાઈ પટેલ હાલ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં બે અને ભારતના વડોદરામાં એક એમ ત્રણ કંપની ચલાવે છે. ગામમાં મોટા ભાગની સુવિધા તેમના દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોવાનું ગામના આગેવાન ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું. ગામ આખામાં વીજળીનું અંડરલાઇન જોડાણ કરવાની સાથે સાથે રોજબરોજની સફાઈ માટે પણ તેમના તરફથી સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત ગામના અન્ય કોઈપણ વિકાસનાં કામો હોય તેઓ હંમેશાં તત્પર રહે છે. ગામના તમામ ફળિયાં વીજળીના લટકતા વાયરોથી મુક્ત થાય તેવો તેમનો પ્રયાસ રહેલો છે. કોઈપણ જાતના ભેદભાવ વગર તેઓ ગામના લોકોને સહાયરૂપ થતા આવ્યા છે. જેને લઈને ગ્રામજનો પણ તેમના આભારી છે.

Most Popular

To Top