લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને હરાવવા માટે ઘણા વિરોધપક્ષો ભેગા થયા અને પોતાનું એક નવું ગઠબધન બનાવ્યું. કોંગ્રેસની આગેવાની હેઠળના અગાઉના યુપીએ ગઠબંધનનું મહત્વ રહ્યુ઼ નહીં. છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન સામે હારી રહેલા વિપક્ષોએ ત્રીજી વાર મોદી સરકાર રચાતી અટકાવવા માટે આ ગઠબંધન રચી તો નાખ્યું અને તેને ઇન્ડિયા નામ આપ્યું ત્યારે જ ઘણાને આ ગઠબંધન અસરકારક અને ટકાઉ બની શકે તે અંગે શંકા હતી અને તે શંકા કરૂણ રીતે સાચી પડતી જણાઇ રહી છે.
સામાન્ય ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે ત્યારે આ ગઠબંધનમાં ભારે વિખવાદો ઉભા થઇ ગયા છે, જેમાં આ ગઠબંધનને હાલનો છેલ્લો મોટો ફટકો નીતિશકુમારની વિદાય છે. જનતા દળ(યુ)ના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી નાખ્યો અને એનડીએ સાથે જોડાઇ ગયા. ઇન્ડિયા બ્લોકને આ એક મોટો ફટકો છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને તે હિન્દી હાર્ટલેન્ડમાં એકમાત્ર રાજ્ય હતું જ્યાં ઇન્ડિયા બ્લોકની પાર્ટી સત્તામાં હતી. જો કે, નીતીશના ગયા પછી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ પ્રદેશમાં વિપક્ષનો સફાયો કરશે અને પોતાની શક્તિમાં વધુ વધારો કરશે તેવી પ્રબળ સંભાવના છે.
આ પહેલા ગયા અઠવાડિયે, મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC), જે ભાજપ વિરુદ્ધના રાષ્ટ્રીય ગઠબંધનમાં એક મહત્વના ખેલાડી છે, તેમણે બંગાળમાં પોતાના પક્ષને 2024ની ચૂંટણીમાં તમામ 42 લોકસભા બેઠકો પર એકલા હાથે લડાવવાનો ઈરાદો જાહેર કર્યો.”કોંગ્રેસ સાથે મારી કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. મેં તેમને (કોંગ્રેસને) ઘણી દરખાસ્તો આપી હતી… પરંતુ તેમણે તેમને ફગાવી દીધી હતી. મને એ વાતની ચિંતા નથી કે બંગાળમાં શું થશે. પરંતુ અમે એક બિનસાંપ્રદાયિક પક્ષ છીએ અને બંગાળમાં અમે એકલા જ ભાજપને હરાવીશું.” આવી ગોળ ગોળ વાત મમતાએ કરી છે.
તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે તો કોંગ્રેસ તેમના પર આક્ષેપ કરી રહી છે. બંગાળના કોંગ્રેસના દિગ્ગજ નેતા અધિર રંજન ચૌધરી અને મમતા બેનરજી વચ્ચે ઉગ્ર શત્રુતા પ્રવર્તે છે. અંદર શું થયું અને કયા મામલે અંટસ પડી તે તો હજી પુરુ સ્પષ્ટ નથી થઇ રહ્યુ઼ પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી કોંગ્રેસને માટે એક પણ બેઠક જતી કરવા તૈયાર નથી. તેઓ બંગાળમાં લોકસભાની તમામ બેઠકો પર પોતના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોને ઉભા રાખવા માગે છે! ગઠબંધનની ભાવનાની તદ્દન વિરુધ્ધની આ બાબત છે એ સ્પષ્ટ છે. અાવી જ હાલત પંજાબમાં છે. ત્યાં પણ બેઠક વહેંચણીનો મુદ્દો ઘોંચમાં પડ્યો છે. ત્યાં મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP) એકલ લડાઈ માટે તૈયારી કરી રહી છે.
દેખીતી રીતે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના આ પક્ષને આશા છે કે પંજાબમાં તે ઘણી બેઠકો જીતી શકશે અને રાષ્ટ્રીય સ્તરે મજબૂત થઇ શકશે. કોંગ્રેસને બેઠકો આપીને અને પોતે થોડી બેઠકો જતી કરીને તે આ લાભ ગુમાવવા તૈયાર નથી. મહારાષ્ટ્રમાં પણ શિવસેના(ઉદ્ધવ જૂથ) અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીને મામલે મતભેદો સર્જાયા છે જ. દેખીતી રીતે નાના પક્ષો રાષ્ટ્રીય સ્તરે કાઠુ કાઢવા માગે છે અને પોતે જે રાજયમાં વધુ બેઠકો જીતી શકે તેમ હોય તેવા રાજ્યોમાં અન્ય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ માટે બેઠકો જતી કરવા તેયાર નથી અને આમાં ગઠબંધનની વિભાવનાનો કચ્ચરઘાણ નિકળી જાય છે.
જ્યારથી ઇન્ડિયા બ્લોક રચાયું છે ત્યારથી, ભાજપે એવી કથાને આગળ ધપાવી છે કે જો આ વિપક્ષી ગઠબંધન સત્તામાં આવશે તો વિવિધ રાજકીય વિચારધારાઓનું ગઠબંધન ફક્ત ભાગીદારો વચ્ચે ઝઘડા તરફ દોરી જશે. અને એવું લાગે છે કે ભાજપ સાચો સાબિત થઇ રહ્યો છે. ભાજપ દાવો કરે છે કે તે સ્થિરતા અને દેશને વિકાસની દોડમાં આગળ વધવા માટે જરૂરી પૂર્વ-જરૂરી પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. ભાજપના આ દાવાને વધુ બળ મળશે અને ચૂંટણી પ્રચારમાં તે જોર શોરથી ઇન્ડિયા ગયબંધનના ઝઘડાાઓને ઉઠાવી શકશે.
વધુમાં, આ ઝઘડાઓથી કોંગ્રેસની વિશ્વસનીયતાને વધુ એક ફટકો પડ્યો હતો. દેશની સૌથી જૂની પાર્ટી પ્રાદેશિક પક્ષોને ઓછામાં ઓછી ચૂંટણી સુધી પણ સાથે રાખી શકી નથી તે હકીકત સૂચવે છે કે તેના ટોચના હોદ્દેવારો ફરી ઊંઘતા ઝડપાયા છે. સંબંધો તોડી નાખ્યાના થોડા સમય પછી, JDU નેતા કેસી ત્યાગીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કર્યા, કોંગ્રેસ પક્ષ પર ઇન્ડિયા બ્લોકને હાઇજેક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. “કોંગ્રેસ તેના અસ્તિત્વ માટે લડી રહી છે. અને તે હવે પ્રાદેશિક દળોને ખતમ કરવા માંગે છે,” ત્યાગીએ કહ્યું, કોંગ્રેસ સતત અન્ય વિપક્ષી પક્ષોના પ્રભુત્વવાળા રાજ્યોમાં વધુ બેઠકો માટે દબાણ કરે છે એવો આક્ષેપ તેઓ કરે છે.
આવી સામ સામી આક્ષેપબાજીથી વરવું દ્રશ્ય ચૂંટણી પહેલા જ ઉભું થઇ ગયું છે. આપણે ત્યાં એક બહુ જાણીતી કહેવત છે કે કૂતરાનો સંઘ કાશીએ નહીં પહોંચે. અને ઇન્ડિયા ગઠબ઼ધનના સંદર્ભમાં આ કહેવત બંધબેસતી થવા માંડી છે. ચૂંટણી જીતવાની વાત તો બાજુએ રહી, ચૂંટણી સુધી કેટલી હદે આ ગઠબંધનના પક્ષો ભેગા રહી શકે તે સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.