અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમને ભણાવવામાં આવતું હતું કે ભારતના રાષ્ટ્રધ્વજમાં જે કેસરી રંગ છે તે શૌર્યનું પ્રતીક છે, લીલો રંગ છે તે ખેતરમાં લહેરાતા પાકનું પ્રતીક છે અને સફેદ રંગ છે તે શાંતિનું પ્રતીક છે. અમે જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે ખબર પડી કે કેટલાંક લોકો કેસરી રંગને ભગવો રંગ માને છે અને તેને હિન્દુ કોમનું પ્રતીક માને છે અને લીલા રંગને મુસ્લિમ કોમનું પ્રતીક માને છે. તેમના મતે વચ્ચેનો સફેદ રંગ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક હતો. રંગો પાછળ ભારતમાં ખેલાઈ રહેલા રાજકારણનો ભોગ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’બની ગઈ છે.
આ જ પઠાણ ફિલ્મ શાહરૂખ ખાનને બદલે ‘કપૂર’સરનેમ ધરાવતા હીરો દ્વારા અભિનીત હોત તો કદાચ તેનો વિરોધ કરવા સેફ્રોન બ્રિગેડ બહાર ન આવી હોત. સેફ્રોન બ્રિગેડ દ્વારા આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે જાણીતી વાત છે. તેને કારણે ૨૫મી જાન્યુઆરીના રિલીઝ થનારી પઠાણ ફિલ્મનું ભાવિ જોખમમાં આવી ગયું છે.શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મુખ્ય ભૂમિકા ધરાવતા આ ફિલ્મનો વર્તમાન વિવાદ તેનાં ‘બેશર્મ’ગીતને કારણે પેદા થયો છે, જેને યુટ્યૂબ પર પ્રચાર માટે રિલીઝ કરવામાં આવ્યું છે.
- આ ગીતના શબ્દો છે
- हमे तो लूट लिया मिलके इश्कवालों ने ;
- बहुत ही तंग किया अब तक इन खयालों ने ।
- नशा चढा जो शरीफी का उतार फेंका है ;
- बेशर्म रंग कहां देखा दुनियावालों ने ।
સેફ્રોન બ્રિગેડને વાંધો આ ગીત સામે નથી પણ તેમાં શાહરૂખ ખાને અને દીપિકાએ પહેરેલાં કપડાંના રંગ સામે છે. આ ગીતમાં શાહરૂખ ખાન લીલા રંગનું શર્ટ પહેરે છે, જ્યારે દીપિકા વારંવાર વસ્ત્રો બદલે છે. ગીતની છેલ્લી કડીમાં દીપિકા કેસરી રંગની બીકીનિ પહેરીને શાહરૂખ સાથે શૃંગારિક ડાન્સ કરે છે. સેફ્રોન બ્રિગેડને તેમાં હિન્દુત્વના ભગવા રંગનું અપમાન થતું જણાય છે. વળી ગીતમાં જે ‘બેશર્મ રંગ’શબ્દો છે તેના દ્વારા તેમને લાગે છે કે ભગવા રંગને બેશર્મ કહેવામાં આવ્યો છે. તેમના મતે મુસ્લિમ પઠાણ યુવાન અને હિન્દુ યુવતી વચ્ચેની પ્રેમ કહાણી દર્શાવવા દ્વારા શાહરૂખ ખાન ‘લવ જિહાદ’નું સમર્થન કરી રહ્યો છે, જેનો હિન્દુ સમાજમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે.
પઠાણ ફિલ્મનો વિરોધ ભાજપશાસિત મધ્ય પ્રદેશ રાજ્યમાંથી શરૂ થયો છે. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ દીપિકા પાદુકોણની બીકીનિના ભગવા રંગ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કહેવા મુજબ ભગવા રંગની બીકીનિ પહેરીને દીપિકા હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરી રહી છે. તેમના કહેવા મુજબ આ એક જાતની પ્રદૂષિત માનસિકતાનું પ્રદર્શન છે. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન પછી તેના વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ આ વિવાદમાં ઝંપલાવી દીધું છે. તેમણે શાહરૂખ ખાનને પડકાર ફેંક્યો છે કે તમે આ ફિલ્મ તમારી દીકરી સાથે જુઓ અને તેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરો. તેમણે શાહરૂખ ખાનને મોહમ્મદ પયગમ્બર બાબતમાં આવી ફિલ્મ બનાવવાનો પડકાર કર્યો છે.
ગિરીશ ગૌતમનો વાંધો બીકીનિ સામે છે કે તેના ભગવા રંગ સામે છે?ભૂતકાળમાં અનેક ફિલ્મોમાં હીરોઈનોને કેસરી રંગની બીકીનિમાં દેખાડવામાં આવી છે, પણ ત્યારે દેશમાં સેફ્રોન બ્રિગેડ સક્રિય ન હોવાથી વાંધો આવ્યો નહોતો. રાજકપૂર દ્વારા નિર્મિત બોબી ફિલ્મમાં ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયાને કેસરી બીકીનિમાં દર્શાવવામાં આવી હતી, પણ તેનો વિવાદ થયો નહોતો, કારણ કે રાજ કપૂર હિન્દુ હતો. તેવી રીતે અક્ષય કુમારની ફિલ્મના શૃંગારિક ગીતમાં તેની હીરોઈનને કેસરી સાડીમાં દર્શાવવામાં આવી હતી, પણ અક્ષયકુમાર હિન્દુ હોવાથી તેનો વિરોધ થયો નહોતો. રાજ કપૂરે સંગમ ફિલ્મમાં પહેલી વખત વૈજયંતી માલાને બીકીનિમાં દર્શાવી હતી, પણ તેનો વિરોધ થયો નહોતો. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ રંગબેરંગી બીકીનિઓ પહેરે છે, તેનો તેઓ વિરોધ કરતા નથી; પણ કેસરી રંગની બીકીનિ સામે જ તેમનો વાંધો છે.
જો સમય જતાં ભાજપશાસિત અન્ય રાજ્યોમાં પણ તેવો વિરોધ ફેલાઈ જાય અને લોકો ફિલ્મનો બહિષ્કાર કરે તો તો ફિલ્મના નિર્માતા તેમ જ વિતરકોને કરોડો રૂપિયાનું નુકસાન જઈ શકે છે. ગુજરાતનાં લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહ્યા છે. શાહરૂખ ખાન ચાર વર્ષ પહેલાં ઝીરો ફિલ્મમાં આવ્યો હતો તે ફિલ્મ ફ્લોપ પુરવાર થઈ હતી. હવે જો સેફ્રોન બ્રિગેડના વિરોધને પગલે પઠાણ ફિલ્મ પણ પિટાઈ જાય તો શાહરૂખ ખાનની કારકિર્દી પણ પિટાઈ જાય તેમ છે. જો ફિલ્મની કથા, પટકથા, સંવાદો, અભિનય, કોરિયોગ્રાફી, સંગીત વગેરે સારા હશે તો વિરોધ છતાં લોકો ફિલ્મ જોવા જશે અને સેફ્રોન બ્રિગેડ દ્વારા થતો વિરોધ મફત પ્રચારનું કારણ બનશે.
પઠાણ ફિલ્મની કથા પણ મૌલિક નથી પણ ૧૯૫૦ના દાયકામાં પૃથ્વીરાજ કપૂરના નાટકના આધારે તૈયાર કરવામાં આવેલી છે. આ કથા મુજબ ભારતના ભાગલાના સમયે શેર ખાન નામના પઠાણે પોતાના દીકરાની જિંદગીનું બલિદાન આપીને હિન્દુ કન્યાની જિંદગી બતાવી હતી. જો કે પઠાણ ફિલ્મમાં તેની મૂળ કથામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. વર્તમાન પઠાણ ફિલ્મની કથા તાલિબાનના અફઘાનિસ્તાનમાં અને ગલ્ફમાં આકાર ધારણ કરે છે. શાહરૂખ ખાન તાલિબાની આતંકવાદી હોય છે અને દીપિકા પાદુકોણ ઉદારમતવાદી મુસ્લિમ હોય છે. જહોન અબ્રાહમ ભારતના જાસૂસની ભૂમિકા ભજવે છે. શાહરૂખ ખાનની અગાઉની ફિલ્મોની જેમ પઠાણ ફિલ્મમાં પણ આતંકવાદીઓ માટે સહાનુભૂતિ પેદા કરવાની કોશિશ કરવામાં આવી છે.
ભારતમાં હિન્દુત્વની ચળવળ જોર પકડી રહી છે તેમ બોલિવૂડમાં પણ હિન્દુ-મુસ્લિમ દિવાલ ઊભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમાં એક બાજુ ખાન બ્રધર્સ ઉપરાંત સલીમ-જાવેદ જેવા કથાકારો અને ગીતકારો છે તો બીજી બાજુ અક્ષયકુમાર જેવા કલાકારો છે, જેના વખાણ કરતાં ભાજપના નેતાઓ થાકતા નથી. તેઓ આમિર ખાનની ‘પીકે’ફિલ્મને પણ હવે યાદ કરી રહ્યા છે, જેમાં તેણે હિન્દુ પ્રજાની ધાર્મિક માન્યતાની ઠેકડી ઉડાવી હતી. પરેશ રાવળ અભિનીત ‘ઓએમજી’ફિલ્મમાં પણ હિન્દુ રીતરિવાજોની ઠેકડી ઉડાડવામાં આવી હતી તેનો તેમને વાંધો નથી. જે હિન્દી ફિલ્મોમાં મુસ્લિમ યુવાન અને હિન્દુ યુવતીની પ્રેમકહાણી દેખાડવામાં આવે છે તેમાં તેમને હવે લવ જિહાદ દેખાઈ રહી છે. હિન્દી ફિલ્મોમાં જે સૂફી ગીતો ઉમેરવામાં આવે છે તેમાં પણ તેમને ઇસ્લામનો પ્રચાર દેખાઈ રહ્યો છે. જો કે કટ્ટર મુસ્લિમો તો સૂફીઓને પણ ઇસ્લામના વિરોધી માને છે.
ભાજપના રાજમાં અને સંઘપરિવારના દોરીસંચાર હેઠળ શિક્ષણથી માંડીને ધર્મના વિષયમાં ભગવાકરણ ચાલી રહ્યું છે. તેમાંથી હિન્દી ફિલ્મો પણ બાકાત રહી શકે નહીં. હિન્દી ફિલ્મોના નિર્માતાઓ આજ દિન સુધી હિન્દુ પ્રજાની ધાર્મિક લાગણીઓની પરવા કરતા નહોતા. ક્યારેક તેઓ અજાણતા પણ તેમને ઘાયલ કરતા હતા. હવે તે દિવસો પૂરા થયા છે. ભારતમાં જો ફિલ્મ બનાવીને રિલીઝ કરવી હશે તો હિન્દુઓની લાગણીનો ખ્યાલ રાખીને જ બનાવવી પડશે તે નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.