Columns

ડોનાલ્ડ ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેની સાંઠગાંઠ ભારત માટે ખતરાજનક છે

રસ્તામાં ચાલતા અલમસ્ત હાથીને જોઈને દેડકો પોતાનું પેટ ફુલાવે તેમ ભારતના વિકસતા અર્થતંત્રને જોઈને બળી રહેલું પાકિસ્તાન ભારત સામે પોતાનું પેટ ફુલાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હથિયાર સામે ભારત ઝૂકવા તૈયાર નથી તે જાણીને ટ્રમ્પે હવે પાકિસ્તાન નામના વાંદરાને દારૂ પાવાનું કામ કર્યું છે અને ભારત સામે તેને છાતી ફુલાવવાનું કહ્યું છે. બે મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાતે આવેલા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાનના કોન્સ્યુલ જનરલ અને ઉદ્યોગપતિ અદનાન અસદ દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન ભારતને ધમકી આપતાં કહ્યું છે કે ‘‘જો પાકિસ્તાનને ભારત સાથેના ભવિષ્યના યુદ્ધમાં અસ્તિત્વના ખતરાનો સામનો કરવો પડશે, તો તે પરમાણુ શસ્ત્રોથી જવાબ આપશે.’’

આ વખતે અસીમ મુનીરે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ લઈને ભારતને ધમકી આપી છે. અસીમ મુનીરે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે અગાઉ પણ અંબાણીનો ફોટો સૂરહ ફીલ સાથે ટ્વીટ કર્યો હતો, જેથી બતાવી શકાય કે પાકિસ્તાન આગલી વખતે શું કરશે. સૂરહ ફીલ ઇસ્લામિક ઇતિહાસની ઘટના દર્શાવે છે, જેમાં અલ્લાહે પક્ષીઓનો ઉપયોગ કરીને દુશ્મનના હાથીઓની સેના પર પથ્થરો વરસાવ્યા હતા.

અસીમ મુનીરે સિંધુ નદી પર બંધ બનાવવા બદલ પણ ભારતને ધમકી આપી કહ્યું કે અમે ભારત બંધ બનાવે તેની રાહ જોઈ રહ્યા છીએ. પછી અમે મિસાઇલો છોડીને તેનો નાશ કરીશું. અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી. અસીમ મુનીરે અમેરિકાની ભૂમિ પરથી ભારતને આ ધમકી આપી છે. પહેલી વાર ત્રીજા દેશની ભૂમિ પરથી ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપવામાં આવી છે.

નિષ્ણાતો માને છે કે અસીમ મુનીર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉશ્કેરણી પર ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. મુકેશ અંબાણીનું નામ અને તેમનો ફોટો બતાવીને અસીમ મુનીરે એવું સૂચવવાનો પ્રયાસ કર્યો છે કે પાકિસ્તાનનું ટાર્ગેટ ફક્ત લશ્કરી થાણાં કે માળખાગત સુવિધાઓ જ નહીં, પણ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ હોઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. મોટી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયેલી નાગરિક સરકારને બદલે પાકિસ્તાનની કુખ્યાત સેના સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે. થોડા મહિના પહેલાં તેમણે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કર્યું હતું. કોઈ પણ દેશના સેના પ્રમુખ માટે આ ખૂબ જ સન્માનની વાત હતી. આ મુલાકાતના થોડા દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે પાકિસ્તાન સાથે વેપાર-કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

આ ઉપરાંત, તેમણે પાકિસ્તાનમાં તેલ ક્ષેત્રે સહયોગ અંગે પણ મોટી જાહેરાત કરી હતી, પરંતુ નિષ્ણાતોને શંકા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વાકાંક્ષી અને લોભી રાજકારણી છે. આવી સ્થિતિમાં તેઓ પાકિસ્તાન પાસેથી કંઈક એવું ઇચ્છે છે જે ફક્ત અમેરિકાના હિતમાં હોય. હવે તે વાતનો ખુલાસો થયો છે. અમેરિકાએ પોતાનાં હિતોની રક્ષા કરવા માટે મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં સૈનિકો અને યુદ્ધ જહાજો તૈનાત કર્યાં છે. અમેરિકન નૌકાદળનો છઠ્ઠો કાફલો પણ આ ક્ષેત્રમાં તૈનાત છે.

અમેરિકા તેના સાથી દેશોની સુરક્ષાની સાથે વૈશ્વિક ઊર્જા પ્રવાહ પર પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વનું લગભગ ૮૦ ટકા ખનિજ તેલ આ પ્રદેશમાંથી પરિવહન થાય છે. પોતાના પહેલા કાર્યકાળથી ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છતા હતા કે તેમના સહયોગી સ્થાનિક દેશો આ પ્રદેશમાં તેમની સેના તૈનાત કરે, જેથી અમેરિકન સૈનિકો તૈનાત કરવાની જરૂર ન પડે. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે અમેરિકન સૈનિકોએ ગલ્ફ અને અન્ય વિસ્તારોમાં તૈનાતી જેવા મિશનથી દૂર રહેવું જોઈએ.

તેમના સલાહકારો એમ પણ કહે છે કે અમેરિકન સૈનિકોએ ભવિષ્યના મહાસત્તા સંઘર્ષો માટે તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાન અરબી સમુદ્રના તે વિસ્તારોમાં તેની નૌકાદળ તૈનાત કરે જ્યાં અમેરિકન સૈનિકોની હાજરીને કારણે સંઘર્ષનું જોખમ વધુ છે. આમાં ઈરાનની નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ઇચ્છે છે કે પાકિસ્તાની સેના હુથી હુમલાઓથી પ્રભાવિત લાલ સમુદ્ર ક્ષેત્રમાં હાજર રહે. આ માટે તેઓ પાકિસ્તાનને લશ્કરી સહાય આપવાની પણ તૈયારી કરી રહ્યા છે.

૧૯૫૪માં અમેરિકા અને પાકિસ્તાને પરસ્પર સંરક્ષણ સહાય કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે લશ્કરી સહાયનો માર્ગ ખૂલ્યો હતો. આનાથી પાકિસ્તાન દક્ષિણ પૂર્વ એશિયા સંધિ સંગઠન (SEATO)નો પણ ભાગ બન્યું, જેમાં અમેરિકા, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડનો સમાવેશ થતો હતો. આ જૂથના મોટા ભાગના દેશોના કમાન્ડરોએ પાકિસ્તાનના સમાવેશનો વિરોધ કર્યો અને તેને બિનજરૂરી ગણાવ્યું હતું. તેમ છતાં અમેરિકા અડગ રહ્યું હતું. આ પછી ઘણાં કારણોસર અમેરિકાએ પાકિસ્તાન સાથે લશ્કરી સહયોગ વધાર્યો હતો અને તે ઓબામાના વહીવટીતંત્ર સુધી ચાલુ રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે પાકિસ્તાનને મદદ કરવાનું બંધ કર્યું હતું. હવે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ૪૦ વર્ષ જૂનો સંબંધ ફરી તાજો થયો છે. હવે ફરી અમેરિકન ભંડોળનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ભારતમાં આતંકવાદ ફેલાવવાની સગવડ કરી આપવામાં આવશે. પાકિસ્તાનના કટ્ટર મુલ્લા જનરલ અસીમ મુનીર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને અમેરિકન સૈન્ય કહી રહ્યું છે કે પાકિસ્તાનની મિત્રતા દક્ષિણ એશિયા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત માટે સંદેશો સ્પષ્ટ છે કે પાકિસ્તાન ફરી એક વાર અમેરિકન ભંડોળનો ઉપયોગ કરીને તેના વિનાશક એજન્ડાને આગળ વધારવાની યોજના બનાવી રહ્યું છે.

પાકિસ્તાને ૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં મદદ કરવાના નામે અમેરિકા સાથે અબજો ડોલરની છેતરપિંડી કરી હતી અને ISI એ અલ કાયદાને તેનાં મૂળિયાં સ્થાપિત કરવામાં વધુ મદદ કરી હતી. તાલિબાનને પ્રોત્સાહન આપ્યું હતું અને ડઝનબંધ આતંકવાદી સંગઠનોને જન્મ આપ્યો હતો, જેનો હેતુ ભારતમાં આતંક ફેલાવવાનો હતો. પાકિસ્તાને ૨૦૦૦ના દાયકામાં પણ આ જ રમત રમી હતી, જ્યારે રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અમેરિકામાં સત્તામાં હતા. અમેરિકાએ પાકિસ્તાનને નોન-નાટો સાથીનો દરજ્જો આપ્યો હતો. આ સમય દરમિયાન એક તરફ પાકિસ્તાન તાલિબાનને ટેકો આપી રહ્યું હતું અને બીજી તરફ અમેરિકાના સૈનિકો મરી રહ્યા હતા. પાકિસ્તાને અમેરિકન સૈનિકોને મારનારા તાલિબાન જેહાદીઓને સલામત આશ્રયસ્થાનો, તાલીમ અને શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં. આ વિશ્વાસઘાત કોઈ ગુપ્ત વાત નહોતી, પણ તે પાકિસ્તાનની રણનીતિ હતી. પાકિસ્તાન આજે પણ એ જ કરી રહ્યું છે અને અમેરિકા આજે પણ તેનો પાઠ શીખ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ગોલ્ફ પાર્ટનર સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ ઝાચેરી વિટકોફની ક્રિપ્ટો કંપનીમાં રોકાણ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના બંને પુત્રો અને જમાઈ પણ આ કંપનીમાં શેરધારકો છે. મે મહિનામાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે ઝાચેરી વિટકોફે ઇસ્લામાબાદની મુલાકાત લીધી હતી અને તેઓ શાહબાઝ શરીફને મળ્યા હતા. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામાબાદને ક્રિપ્ટો કેપિટલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ બલુચિસ્તાનમાંથી ક્રુડ ઓઈલ કાઢીને ભારતને વેચવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. બલુચિસ્તાનમાં પહેલેથી જ ચીની રોકાણ છે. તો શું ચીન પાકિસ્તાનને અમેરિકા સાથે કરાર કરવાની મંજૂરી આપશે? હજુ પણ પાકિસ્તાન હંમેશની જેમ ડોનાલ્ડ ટ્રમ્પને મોટાં વચનો આપી રહ્યું છે અને ટ્રમ્પ ખુશ થઈ રહ્યા છે. પાકિસ્તાન ડબલ ગેમ રમવામાં નિષ્ણાત રહ્યું છે અને તે ચીન સાથે પણ ડબલ ગેમ રમી રહ્યું છે. એટલા માટે પાકિસ્તાન સાથેની દરેક ભાગીદારીમાં એ જોખમ છે કે આતંકવાદ સામે યુદ્ધના નામે આપવામાં આવતા દરેક ભંડોળ અને હથિયારનો ઉપયોગ આખરે પાકિસ્તાન દ્વારા ઉગ્રવાદી નેટવર્ક ચલાવવા માટે કરવામાં આવે છે, જે ભારત માટે ખતરો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top