Editorial

આચારસંહિતા તો જાહેર થઇ ગઇ પરંતુ તેનો ઉમેદવારો અમલ કરે તે ખૂબ જરૂરી છે

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે.આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે.

વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર 400 પાર’ નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે. આજે ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની બાકીની બેઠક ઉપર ચૂંટણી યોજાશે. 4 જૂને પરિણામ આવશે અને તેની સાથે જ દેશની નવી સરકાર નક્કી થઇ જશે. જો કે, આચારસંહિતાના નિયમો ખૂબ જ કડક છે પરંતુ તે લાગુ કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે, ગમે તેટલી કાળજી ચૂંટણીપંચ રાખે પરંતુ ઉમેદવાર છટકબારી શોધી જ લેતા હોય છે. એટલે આચારસંહિતાનો અમલ થાય તે ખૂબ જ જરૂરી છે.દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આચારસંહિતા કહેવામાં આવે છે. આદર્શ આચાર સંહિતા હેઠળ કેટલાક નિયમો છે, જેનું રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પાલન કરવું જરૂરી છે. તેના ઉલ્લંઘનના કિસ્સામાં, ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે.

જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવે છે, ત્યારે સરકારની કાર્ય ક્ષમતા મર્યાદિત થઈ જાય છે, જેમ કે સરકાર સત્તાવાર જાહેરાત કરી શકતી નથી. એટલું જ નહીં, મંત્રીઓ અને અન્ય અધિકારીઓને કોઈપણ નાણાકીય અનુદાનની જાહેરાત અથવા વચન આપવા પર પ્રતિબંધ છે. કોઈપણ નેતા અથવા મંત્રીને શિલાન્યાસ, ઉદ્ઘાટન અથવા કોઈપણ પ્રકારની યોજનાઓ શરૂ કરવા પર પણ પ્રતિબંધ છે. આદર્શ આચારસંહિતા લાગુ થતાંની સાથે જ રાજ્યો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારના નહીં પણ ચૂંટણીપંચના કર્મચારીઓની જેમ કામ કરે છે

આચારસંહિતા લાગુ થયા પછી, જાહેર નાણાનો ઉપયોગ કોઈ ચોક્કસ પક્ષને ફાયદો થાય તેવી કોઈપણ ઘટનામાં કરી શકાશે નહીં. સરકારી વાહન, સરકારી વિમાન અથવા સરકારી બંગલાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. કોઈપણ પક્ષ, ઉમેદવાર અથવા સમર્થકોએ રેલી કે સરઘસ કાઢવા અથવા ચૂંટણી સભા યોજવા માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. કોઈપણ રાજકીય પક્ષ જાતિ અથવા ધર્મના આધારે મતદારો પાસેથી મત માંગી શકે નહીં.

જો કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરે છે, તો ચૂંટણી પંચ નિયમોનુસાર કાર્યવાહી કરી શકે છે. તે ચૂંટણી પંચ પર નિર્ભર છે કે તે ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી શકે છે કે નહીં. એટલું જ નહીં ચૂંટણીપંચ આચારસંહિતા ભંગ બદલ ફોજદારી કેસ પણ દાખલ કરી શકે છે. આચારસંહિતાના ભંગ બદલ જેલમાં જવાની જોગવાઈઓ પણ છે.  ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. આ નિયમોને આચારસંહિતા કહેવામાં આવે છે. તમામ પક્ષો, નેતાઓ અને સરકારોએ ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ નિયમોનું પાલન કરવું પડશે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે, અને જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહે છે.  લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ જાય છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્ય સ્તરે આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે અને પેટાચૂંટણી માટેની સંહિતા માત્ર સંબંધિત મતવિસ્તારના વિસ્તારમાં જ લાગુ થશે.  આદર્શ આચાર સંહિતા મુખ્યત્વે રાજકીય પક્ષો, ઉમેદવારો અને સત્તામાં રહેલા પક્ષોએ ચૂંટણી પ્રચાર, સભાઓ અને સરઘસો, મતદાન દિવસની પ્રવૃત્તિઓ અને કામગીરી દરમિયાન કેવી રીતે વર્તવું જોઈએ, તે નિર્ધારિત કરે છે. 

ચૂંટણી પ્રચાર દરમિયાન, કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે, નહીં જે પરસ્પર દ્વેષ પેદા કરે અથવા વિવિધ જાતિઓ અને સમુદાયો વચ્ચે, ધાર્મિક અથવા ભાષાકીય તણાવ પેદા કરે. વણચકાસાયેલ આક્ષેપો અથવા વિકૃતિઓના આધારે અન્ય પક્ષો અથવા તેમના કાર્યકરોની ટીકા ટાળવી જોઈએ. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય પૂજા સ્થાનો જેવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. વધુમાં મત મેળવવા માટે જાતિ અથવા સાંપ્રદાયિક લાગણીઓને અપીલ કરી શકાતી નથી.

શું આચારસંહિતા કોઈ કાયદા હેઠળ બને છે? – આદર્શ આચારસંહિતા કોઈપણ કાયદા હેઠળ બનાવવામાં આવી નથી. વાસ્તવમાં તે તમામ રાજકીય પક્ષોની સંમતિથી બનાવવામાં આવ્યું છે, અને વિકસાવવામાં આવ્યું છે. પ્રથમ વખત, 1960 માં કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન, આદર્શ આચારસંહિતા હેઠળ કહેવામાં આવ્યું હતું કે, પક્ષો અને ઉમેદવારોએ શું પાલન કરવું પડશે. કયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી? – 1962ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણીપંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ કોડનું વિતરણ કર્યું હતું. 

કોડ ઓફ કન્ડક્ટનું પાલન ન કરવાથી કાયદા અને નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ માટે, વ્યક્તિ અથવા પક્ષ અથવા તેની/તેણીની બરતરફી સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.  આચારસંહિતા લાગુ થયા બાદ કોઈપણ મંત્રી પોતાના પ્રવાસને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકશે નહીં. આ સિવાય તેઓ ચૂંટણી પ્રચાર કાર્ય દરમિયાન સત્તાવાર મશીનરી કે કર્મચારીઓનો ઉપયોગ કરશે નહીં.

શું ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનવ્યવહારનો ઉપયોગ કરી શકાય? – આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા પછી, કોઈપણ પક્ષ અથવા ઉમેદવારના હિતને આગળ વધારવા માટે સત્તાવાર વિમાન, વાહનો વગેરે સહિત કોઈપણ પરિવહનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.  આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીના આચરણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ અધિકારીની બદલી કે બઢતી જરૂરી માનવામાં આવે તો પંચની પરવાનગી લેવી પડશે.

Most Popular

To Top