Comments

પસંદગી બેમાંથી એકની નહીં, બન્નેની કરવાની છે

મામલો આડત્રીસ વર્ષ જેટલો જૂનો છે, પણ વારંવારની માગણી છતાં તેનો નિવેડો ન આવવાથી છેલ્લા ઘણા સમયથી તેમાં ગરમાવો આવી રહ્યો છે. વાત ગોવા રાજ્યની અને તેની અધિકૃત ભાષા કોંકણીની છે. ત્રણેક વર્ષ અગાઉ આ કટારમાં આ વિવાદ બાબતે વિગતે લખાયું હતું એ જરા તાજું કરી લઈએ. ગોવાની અધિકૃત ભાષા કોંકણી છે અને ગોવા આધિકારિક ભાષા કાનૂન 1987, પરિચ્છેદ 2 (સી) અનુસાર ‘કોંકણી એટલે દેવનાગરી લિપિમાં લખાયેલી કોંકણી ભાષા.’હવે દેવનાગરીની સાથોસાથ રોમન લિપિમાં લખાયેલી કોંકણી ભાષાને પણ અધિકૃત ગણવાની માંગ થઈ રહી છે.

આ પ્રકારની માંગણી પહેલી વાર થઈ રહી નથી. પાંત્રીસ વર્ષથી, એટલે કે ફેબ્રુઆરી, 1987માં ભાષા કાનૂન અમલી બનાવાયો ત્યારથી રોમન લિપિમાં લખાતી કોંકણીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગણી કરાતી આવી છે. આવી માંગણી કરનારાના મતાનુસાર કોંકણીને કેવળ દેવનાગરી લિપિ પૂરતી મર્યાદિત કરી દેવી, રોમન લિપિમાં કોંકણી લખી રહેલાંઓને અન્યાય કરવા બરાબર છે. અગાઉ કોંકણીને ગોવાની અધિકૃત ભાષાનો દરજ્જો આપવાનું અભિયાન ચાલેલું. એ દરમિયાન કેવળ દેવનાગરી લિપિ પૂરતી કોંકણીને મર્યાદિત કરવાની વાત ન હતી. રોમન લિપિમાં કોંકણી લખનારા લોકોનો પણ આ અભિયાનમાં મહત્ત્વનો હિસ્સો હતો.

એ માટેનો ઓપિનિયન પોલ થયો એમાં પણ રોમન લિપિમાં કોંકણી લખનારાની ભૂમિકા મહત્ત્વની હતી. આ માંગણી કરનારાઓના જણાવ્યા અનુસાર દેવનાગરી લિપિના તરફદારોએ રોમન લિપિના તરફદારોનો દ્રોહ કર્યો અને ગોવા આધિકારિક ભાષાકાનૂન, 1987માં કોંકણી ભાષાની વ્યાખ્યાને કેવળ ‘દેવનાગરી લિપિ’ પૂરતી સીમિત કરી દીધી. રોમન લિપિના તરફદારોની દલીલ છે કે આધિકારિક ભાષા કાનૂનમાંથી રોમન લિપિની બાદબાકી કરી દેવી એ લોકોની આકાંક્ષાઓને અપાયેલો છેહ છે. તેઓ કહે છે કે ભાષાની ખરી સુગંધ એની વિવિધતાસભર એકતામાં રહેલી છે. બન્ને લિપિને અધિકૃત કરવાથી ગોવાની ઓળખ સમા બહુવિધ વારસાની જાળવણી થઈ શકશે.

અસલમાં ‘રોમી કોંકણી’ તરીકે ઓળખાતી, રોમન લિપિમાં લખાતી કોંકણીનો જૂનો ઈતિહાસ છે. સોળમી સદીના ગાળામાં ગોવા આવેલા કેથલિક મિશનરીઓએ આ લિપિને પ્રત્યાયનના માધ્યમ તરીકે અપનાવી. સત્તરમી સદીમાં મરાઠાઓ દ્વારા સ્થાનિક કેથલિકો અને તેમનાં ચર્ચ પર વારેવારે હુમલા થવા લાગ્યા. તેને પગલે પોર્ટુગીઝ શાસને ગોવામાં કોંકણીનું દમન શરૂ કર્યું, જેથી સ્થાનિક કેથલિક લોકો પૂર્ણપણે પોર્ટુગીઝ શાસકો સાથે તાદાત્મ્ય અનુભવી શકે. આનું ધાર્યું પરિણામ મળવા લાગ્યું. ધીમે ધીમે દસ્તાવેજોમાં પણ પોર્ટુગીઝ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ન થાય તો તેના ભંગ બદલ કારાવાસની સજા થતી. આ દોર સતત ચાલતો રહ્યો. પરિણામે અહીંનાં ભદ્ર લોકો પોર્ટુગીઝની સાથેસાથે મરાઠી અપનાવવા લાગ્યાં અને કોંકણી નોકરોની ભાષા ગણાવા લાગી.

આપણા દેશને સ્વાતંત્ર્ય 1947માં મળ્યું પણ ગોવા પર પોર્ટુગીઝ શાસન ચાલુ રહ્યું, જેમાંથી તેને છેક 1961માં મુક્તિ મળી. એ સાથે જ પોર્ટુગીઝનો અસ્ત કળાવા લાગ્યો અને અંગ્રેજીનો ઉદય થવા લાગ્યો. એ પછી ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવાની વાતે મરાઠી અને કોંકણી ભાષાને ગોવાની અધિકૃત ભાષા ઘોષિત કરવા માટેનો સંઘર્ષ ચાલ્યો. અખિલ ભારત કોંકણી પરિષદે પોતાના આઠમા અધિવેશનમાં કેન્‍દ્રિય સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી કે કોંકણીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવે. આખરે ગોવા સ્વતંત્ર કેન્‍દ્રશાસિત પ્રદેશ બની રહ્યો અને કોંકણી ભાષાને નવેસરથી સ્વીકૃતિ મળવા લાગી.

‘રોમી કોંકણી’માં ગોવાના કેથલિક ચર્ચનું ધર્મસાહિત્ય લખાયેલું છે. એ ઉપરાંત ગોવાની મુક્તિ અગાઉ કોંકણી સાહિત્ય પણ મોટે ભાગે આ લિપિમાં જ લખાતું. ફાધર એદુઆર્દો બ્રુનો ડીસોઝાએ ‘ઉદેંતેચે સાળક’ નામનું માસિક ઈ.સ.1889માં રોમી કોંકણીમાં પ્રકાશિત કરેલું. પહેલવહેલી કોંકણી નવલકથા ‘ક્રિસ્તાંવ ઘરાબો’ પણ એમણે આ જ લિપિમાં લખેલી. રેજિનાલ્ડો ફર્નાન્ડિસે ‘રોમી કોંકણી’માં દોઢસોથી બસોની વચ્ચે નવલકથાઓ લખેલી છે. આમ, રોમી કોંકણીની પરંપરા જૂની અને ઘણી ખેડાયેલી છે.

રોમી કોંકણી અભિયાનના અગ્રણી તોમાઝીન્‍હો કાર્દોઝોની દલીલ અનુસાર આ અભિયાનને કોંકણી બોલતાં સમુદાય તરફથી વધુ સહયોગ મળે એ જરૂરી છે. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં કોંકણી ભાષાની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. રોમન લિપિનો ઉપયોગ કરનારાઓને દેવનાગરી લિપિના ઉપયોગ માટે દબાણ કરવામાં આવતાં તેઓ લઘુમતીમાં હોવાનું અનુભવે છે. થોડા સમય અગાઉ સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ દેવનાગરીમાં યોજાવાની ઘોષણા કરાઈ. કાર્દોઝો કહે છે કે અન્ય કોઈ લિપિને ઊતારી પાડવાનો અમારો હેતુ નથી બલકે અમે આ લિપિને પણ માન્યતા મળે એમ ઈચ્છીએ છીએ.

‘ગ્લોબલ રોમી લિપિ અભિયાન’ના પ્રમુખ કેનેડી અફોન્‍સોએ જણાવ્યું કે રોમન લિપિના સમાવેશ બાબતે જરૂરી સુધારો સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આ ચળવળને તીવ્ર બનાવવામાં આવશે. તેમણે શાળાઓમાં પણ આ લિપિ દાખલ કરવાની માગણી કરી છે. આ મુદ્દે રાજકારણીઓને ખાસ રસ નથી યા તેમની ઈચ્છાશક્તિ નથી એમ સૌને લાગે છે. આ રાજકીય નિષ્ક્રિયતાને ઢંઢોળવા માટે હવે આ આંદોલનને તીવ્ર બનાવતાં જવાની ઘોષણા કરવામાં આવી છે. થોડા સમય અગાઉ તેંત્રીસેક ગ્રામ પંચાયતોએ રોમન લિપિને સમાન કાનૂની દરજ્જો આપવાની માગણી કરવાનો ઠરાવ કર્યો છે. સરકારની ઉદાસીનતા આ બાબતે કળાતી નથી. કદાચ તે આ મામલાને સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળતી હોય એમ બને. એ કિસ્સામાં પણ ‘રોમી કોંકણી’ની દીર્ઘ પરંપરા છે જ. આમ કરવામાં કદાચ મિથ્યા સ્વદેશાભિમાન આડે આવતું હોય એ શક્યતા પૂરેપૂરી છે. ગુજરાતી બાબતે આપણે આવી કશી ફિકર કરવાની જરૂર નથી. ભાષા જેવી ક્ષુલ્લક બાબતના રાજકારણમાં આપણે ક્યાં માનીએ છીએ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top