બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મોટી જીત મેળવી તેના પગલે નીતીશ કુમારે દસમી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે સોગંદ લઈને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બિહાર એક માત્ર હિન્દીભાષી રાજ્ય છે, જ્યાં ભાજપ હજુ સુધી પોતાના મુખ્યમંત્રી પસંદ કરી શક્યું નથી. આ વખતે સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપ નીતીશકુમારના જુનિયર સાથી તરીકે કામ કરી રહ્યું છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં તેમના માટે રાજકીય પડકાર પણ ઊભો કરી શકે છે.
બિહારનાં મતદારોએ નીતીશકુમારનાં જે વચનો પર વિશ્વાસ મૂક્યો છે તેના પર જનતાની અપેક્ષાઓ આધારિત હશે. ખાસ કરીને નોકરીઓ, રોજગાર, ઉદ્યોગ, પેન્શન, મફત વીજળી જેવાં ઘણાં વચનો છે, જે બિહાર જેવાં આર્થિક રીતે નબળાં રાજ્ય માટે પૂરા કરવા સરળ રહેશે નહીં. નીતીશકુમાર પાસે વચનોની લાંબી યાદી છે. તાજેતરના ભૂતકાળમાં બિહારની તિજોરી જે રીતે વિવિધ યોજનાઓ માટે ખોલવામાં આવી છે, જેમાં દોઢ કરોડ મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાનો સમાવેશ થાય છે, તે એક મોટી સમસ્યા બની શકે છે. નીતીશકુમારને તેમની વધતી ઉંમરને લઈને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં અપાયેલાં NDAનાં મુખ્ય વચનોમાં ગરીબો માટે મફત રાશન, ૧૨૫ યુનિટ મફત વીજળી, પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર, ૫૦ લાખ નવાં કાયમી મકાનો અને સામાજિક સુરક્ષા પેન્શનનો સમાવેશ થાય છે. જેમ મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે બિહારમાં નીતીશકુમારની સરકાર તેની યોજનાઓમાં ફેરફાર કરી શકે છે.
૧૨૫ યુનિટ મફત વીજળી જેવી યોજના ચલાવવી સરળ નહીં હોય. આપણે બધા જાણીએ છીએ કે બિહારની નાણાંકીય સ્થિતિ શું છે. બિહાર સરકાર પાસે આવકનો કોઈ નવો સ્રોત નથી કે કોઈ જાદુઈ ચિરાગ પણ નથી. જનતાની અપેક્ષાઓ નીતીશકુમાર કરતાં ભાજપ પાસેથી વધુ હશે. જનતા જાણતી હતી કે આ નીતીશકુમારની છેલ્લી ચૂંટણી હતી, તેથી જનતાએ તેમને આદર અને વિદાયના રૂપમાં મત આપ્યો છે. નીતીશકુમારની ઉંમર અને સ્વાસ્થ્યને કારણે આ વખતે ભાજપ પર પોતાનાં વચનો પૂરાં કરવાનું દબાણ રહેશે.
નીતીશકુમારે જ્યારે તેમના પૂર્ણ કાર્યકાળ માટે પહેલી વાર બિહારની સત્તા સંભાળી, ત્યારે તે સમયે મનમોહનસિંહના નેતૃત્વમાં કેન્દ્રમાં યુપીએ સરકાર ચાલી રહી હતી. બિહારમાં મફત સાયકલ યોજના વર્ષ ૨૦૦૬ માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬ ના કાયદા હેઠળ પંચાયતમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત અને ૨૦૦૭ માં જીવિકા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાઓથી નીતીશકુમારને મહિલાઓમાં લોકપ્રિયતા મળી અને તેમની પાર્ટી, જેડીયુએ ૨૦૧૦ ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો.
આ યોજનાઓ જૂની થઈ ગઈ છે. ભાજપ અને જેડીયુએ હવે જનતાને ઘણાં નવાં વચનો આપ્યાં છે, જેની બિહારનાં લોકો દરેક પસાર થતા દિવસે વધુ ને વધુ રાહ જોશે. નીતીશકુમારના કાર્યકાળ દરમિયાન બિહારમાં જોવા મળેલો બીજો ફેરફાર કાયદો અને વ્યવસ્થા અંગેનો હતો. આ સમયગાળા દરમિયાન નીતીશ કુમારે રાજકીય રીતે પણ કામ કર્યું અને ક્યારેય ભાજપને પોતાનાથી આગળ નીકળવા દીધું નહીં. બિહારમાં મોટો પક્ષ હોવા છતાં ભાજપ નીતીશકુમારના જુનિયર સાથી તરીકે સેવા આપે છે.
નીતીશકુમાર સામે એક મોટો પડકાર એ છે કે લગભગ બે દાયકા સુધી મુખ્ય મંત્રી હોવા છતાં, તેઓ બિહારને ગરીબીમાંથી બહાર કાઢી શક્યા નથી. રોજગારની શોધમાં રાજ્યમાંથી લોકોનું સ્થળાંતર એક મોટી સમસ્યા છે. બિહારના ઘણા વિસ્તારોમાં વસ્તીની તુલનામાં યુવાનોની સંખ્યા ખૂબ ઓછી છે, કારણ કે લોકો આજીવિકાની શોધમાં અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે.
૧૯૭૦ના દાયકા સુધીમાં બિહારમાં ઘણા ઉદ્યોગો કાર્યરત હતા અને રાજ્યના ઘણા વિસ્તારોને ઔદ્યોગિક શહેરો તરીકે જોવામાં આવતા હતા. આમાં ફતુહા, મુઝફ્ફરપુર, બિહતા, દાલમિયાનગર, ડુમરાવ વગેરેનો સમાવેશ થાય છે. તે સમયે બિહારની ખાંડ મિલો હજુ પણ કાર્યરત હતી. જો કે, વિપક્ષે ઘણી વાર આ બંધ ઉદ્યોગો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ૧૯૮૧માં ફક્ત ૧૦-૧૫ ટકા પરિવારોમાં સ્થળાંતરિત કામદાર હતાં, પરંતુ ૨૦૧૭ સુધીમાં આ આંકડો વધીને ૬૫ ટકા થઈ ગયો હતો.
લાલુપ્રસાદ યાદવ અને રાબડીદેવીના કાર્યકાળ દરમિયાન બિહારમાં ગુનાની ઘણી ઘટનાઓ હેડલાઇન્સમાં રહી હતી. ભાજપ ઘણી વાર આ સમયગાળાને જંગલ રાજ કહે છે અને આરોપ લગાવે છે કે તે સમયે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેનાથી ચૂંટણીઓમાં આરજેડીને ઘણું નુકસાન થયું છે. જે રીતે ભાજપે તેને મુદ્દો બનાવ્યો, તેનાથી લોકોને લાગ્યું કે બિહારમાં ગુનાનો એ જ યુગ ફરી પાછો આવી શકે છે. નીતીશકુમારના કાર્યકાળ દરમિયાન બિહારમાં જાતિગત નરસંહાર બંધ થયો. જો કે, નીતીશના શાસન દરમિયાન પણ બિહારમાં ગુનાની ઘણી ઘટનાઓએ દેશભરમાં હેડલાઇન્સ બનાવી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ મુજબ ૨૦૦૬ થી ૨૦૨૨ દરમિયાન રાજ્યમાં ૫૩,૦૫૭ હત્યાઓ થઈ હતી.
વર્ષોથી બિહારના રાજકારણમાં કેન્દ્રબિંદુ રહેલા મુખ્ય મંત્રી નીતીશ કુમારના ભવિષ્ય અંગે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બિહારમાં ક્યારેય પોતાના દમ પર સરકાર બનાવી શકી નથી. બિહારમાં ભાજપ જેટલી વાર સત્તામાં રહી છે, તે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના સમર્થનથી અને નીતીશકુમારના નેતૃત્વમાં રહી છે. આ બધા વચ્ચે રાજ્યમાં ભાજપ માટે કોઈ મોટી તક છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નીતીશકુમાર પછી કોણ? આ એક એવો પ્રશ્ન છે, જેનાથી ફક્ત જેડીયુ જ નહીં પરંતુ અન્ય પક્ષો પણ ઝઝૂમી રહ્યા છે. મુખ્ય મંત્રી નીતીશ કુમારના બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જનસુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે નીતીશ કુમારના સ્વાસ્થ્ય પર અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેજસ્વી યાદવે તો ત્યાં સુધી કહી દીધું કે મુખ્ય મંત્રી નીતીશકુમાર હોશ ગુમાવી ચૂક્યા છે અને થાકી ગયા છે. તેમનો દાવો છે કે નીતીશકુમાર હવે કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલતા પણ નથી. પ્રશાંત કિશોરે પણ નીતીશકુમારના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા હતા. બિહારના રાજકારણમાં હવે નીતીશકુમારની ઇનિંગ્સ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આનું સૌથી મોટું કારણ નીતીશના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર છે. ૨૦૦૩માં અસ્તિત્વમાં આવેલા જેડીયુમાં નીતીશકુમારના સ્વાસ્થ્યને કારણે નેતૃત્વનો પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો છે. નીતીશકુમારના નેતૃત્વમાં, પાર્ટી બિહારમાં સત્તામાં રહી અને ઝારખંડ, અરુણાચલ અને મણિપુરમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમાજવાદને પોતાનો મૂળ મંત્ર માનતી JDU તેના ૨૨ વર્ષના ઇતિહાસ દરમિયાન નીતીશના પડછાયા હેઠળ રહી છે.
બીજા શબ્દોમાં કહીએ તો JDU નીતિશ નામ કેવલમ રહ્યું. જો કે, સમયાંતરે પક્ષમાં કેટલાક નેતાઓ ઉભરતા રહ્યા. તેમાંના સૌથી અગ્રણી આરસીપી સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) હતા. યુપી કેડરના આઈએએસ અધિકારી આરસીપી સિંહે ૨૦૧૦ માં વીઆરએસ લીધું અને જેડીયુના મહાસચિવ (સંગઠન)નું પદ સંભાળ્યું હતું. આરસીપી સિંહનો પ્રભાવ એટલો હતો કે વિપક્ષો આરોપ લગાવતા હતા કે બિહારમાં આરસીપી ટેક્સ પ્રચલિત છે. આરસીપી સિંહે કહ્યું કે લોકોએ નીતીશ કુમારના કાનમાં મારી વિરુદ્ધ ઝેર ઓક્યું, જેના કારણે મારો અણબનાવ થયો. હું ભાજપમાં જોડાયો અને હવે મેં મારી પોતાની પાર્ટી આપ સબકી આવાઝ બનાવી છે.
મારી પાર્ટીના ૯૦ ટકા કાર્યકરો પણ જેડીયુનાં છે. અલગ અલગ સમયે પ્રશાંત કિશોર, લલ્લન સિંહ અને ઉપેન્દ્ર કુશવાહા પણ પાર્ટીમાં ઊભરી આવ્યા, પરંતુ તે બધાને બાજુ પર રાખવામાં આવ્યા હતા. પ્રશાંત કિશોરે એક અલગ પાર્ટી બનાવી છે, જેને આ ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. લાલન સિંહ કેન્દ્રમાં મંત્રી છે, પરંતુ સંગઠનમાં તેમનો કોઈ ખાસ પ્રભાવ નથી. ભાજપ માટે નીતીશકુમાર એક મજબૂરી બની ગયા છે. નીતીશકુમાર સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે તો જ ભાજપને મુખ્ય મંત્રીની ખુરશી મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.