ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2024) અંતર્ગત ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ (Vibrant Gujarat Global Trade) શોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ મહાત્મા મંદિર ખાતે સિનિયર પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજીને સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સલામતી વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહી જાય તેની ચર્ચા કરી હતી.
આ મુલાકાત વેળાએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની સહિત ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં આવકારવા ગાંધીનગર સજ્જ
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પીએમ મોદી સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન પ્રવાસીઓએ ત્રણ કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચવું પડશે
અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદ વિમાની મથક ખાતે સ્થાનિક પ્રવાસીઓએ ત્રણ કલાક વહેલા પહોંચી જવા જણાવવામાં આવ્યું છે. આ અંગે પ્રવાસીઓ માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તારીખ 9 થી 12 જાન્યુઆરી દરમિયાન મોટી સંખ્યામાં ખાનગી ફ્લાઈટ્સ અમદાવાદ વિમાની મથક ખાતે ઉતારવાની હોવાથી એરક્રાફ્ટના ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખી ડોમેસ્ટિક મુસાફરી કરતા પ્રવાસીઓએ ત્રણ કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચી જવાનું રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને કારણે વિમાની મથકે એક દિવસમાં 400થી વધુ ફ્લાઈટ ઓપરેટ થશે. જેમાં લગભગ 150થી વધુ વીવીઆઈપી ખાનગી ફ્લાઈટો અમદાવાદ એરપોર્ટ ખાતે આવનાર છે. મોટી સંખ્યામાં ખાનગી ફ્લાઈટો ઉતરવાના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર પાર્કિંગની સમસ્યા સર્જાય તેમ છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રવાસીઓ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેથી પ્રવાસીઓએ તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય કરતા પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે.