ભારતની રાજધાની નવી દિલ્હીમાં નાનકડું આંદોલન પણ થાય તો તેની મિડિયામાં નોંધ લેવાય છે, પણ સરહદ પર આવેલા લડાખ જેવા સંવેદનશીલ પ્રદેશમાં મોટું આંદોલન પણ થાય તો ગેંડા જેવી ચામડી ધરાવતી કેન્દ્ર સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે લડાખના પ્રજાકીય નેતા સોનમ વાંગચુક દ્વારા લડાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અને તેના પર્યાવરણની રક્ષા માટે તેનો સમાવેશ બંધારણની છઠ્ઠી સૂચિમાં કરવાનું વિરાટ આંદોલન મહિનાથી ચાલી રહ્યું હતું. તે માટે સોનમ વાંગચુકે ૨૧ દિવસના સળંગ ઉપવાસ કર્યા; પણ કેન્દ્ર સરકારને તેમની વાત પણ સાંભળવાની ફુરસદ નહોતી. સોનમ વાંગચુકે હવે પારણું કરી લીધું છે, પણ તેમની ઝુંબેશ ચાલુ જ રહેશે. જો કેન્દ્ર સરકાર ચીનની સરહદ પર આવેલા વ્યૂહાત્મક મહત્ત્વના પ્રદેશની ઉપેક્ષા કરશે તો તેનાં લોકો આતંકવાદ તરફ પણ ધકેલાઈ શકે છે.
એવું નથી કે લડાખનાં લોકો અચાનક જ આંદોલન અને વિરોધનો માર્ગ અપનાવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરથી અલગ બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ લડાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઢંઢેરામાં લડાખને બંધારણની છઠ્ઠી યાદીમાં સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. તે પછી ભાજપે ઓક્ટોબર ૨૦૨૦ માં યોજાયેલી લડાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં તેના ઘોષણાપત્રમાં પણ આ વચનનો સમાવેશ કર્યો હતો.
તેના આધારે ભાજપ ૨૦૧૯માં લડાખ લોકસભા સીટ જીતવામાં સફળ રહી હતી. ઓક્ટોબર ૨૦૨૦માં યોજાયેલી લેહ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ બહુમતી મેળવવામાં સફળ રહી હતી. આ વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં લડાખનાં લોકોને સમજાયું કે મોદી સરકાર તેનાં વચનોથી પાછીપાની કરી રહી છે. લોકોએ પહેલાં કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો માર્ગ અપનાવ્યો હતો. લડાખનાં પ્રતિનિધિઓએ ૪ માર્ચે દિલ્હીમાં આ મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી.
લડાખ પર્યાવરણની દૃષ્ટિએ અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ભારત માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. ભારત અને ચીનની સરહદ લડાખમાં આવેલી છે. ચીન વર્ષોથી લડાખના ઘણા વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. છેલ્લા સાત દાયકામાં સરહદ પર બંને પક્ષોના સૈનિકો વચ્ચે અનેક વખત અથડામણ થઈ છે. ચીની ઘૂસણખોરી રોકવાના પ્રયાસમાં ભારતીય સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. છેલ્લા એક દાયકામાં ચીનના અતિક્રમણના સમાચાર વારંવાર આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે.
ભારત-ચીન સરહદ માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) શબ્દનો ઉપયોગ કરે છે. ચીન સાથે ભારતની સરહદ કેન્દ્રશાસિત પ્રદેશ લડાખ તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ દ્વારા વહેંચાયેલી છે. ભારત-ચીન સરહદને ત્રણ ક્ષેત્રોમાં વિભાજિત કરી શકાય છે, પશ્ચિમી, મધ્ય અથવા પૂર્વીય ક્ષેત્ર. પશ્ચિમી ક્ષેત્ર લડાખનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ભારત ચીન સાથે ૧,૫૯૭ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ત્રણ સેક્ટરમાંથી આ સેક્ટર ચીન સાથે સૌથી વધુ સરહદ ધરાવે છે. વિશ્વનાં સૌથી સુંદર તળાવોમાંનું એક પેંગોંગ તળાવ લડાખમાં છે. તે હિમાલયના ક્ષેત્રમાં ૧૪ હજાર ફૂટથી વધુની ઊંચાઈ પર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તવિક નિયંત્રણ રેખા આ તળાવમાંથી પસાર થાય છે.
આ તળાવ ૧૩૫ કિલોમીટર લાંબી જમીનથી ઘેરાયેલું છે, જે ૭૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરનો ૪૫ કિલોમીટર લાંબો પશ્ચિમી ભાગ ભારતના નિયંત્રણ હેઠળ છે. ૯૦ કિલોમીટરનો હિસ્સો ચીનના નિયંત્રણમાં છે. પશ્ચિમી સેક્ટરમાં ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોમાંથી એક તૃતીયાંશ પેંગોંગ તળાવને અડીને આવેલા વિસ્તારોમાં થઈ રહ્યા છે. સરહદ પરનો વિવાદાસ્પદ ગલવાન ખીણનો વિસ્તાર ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લડાખ સુધી ફેલાયેલો છે.
ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨ના યુદ્ધમાં આ વિસ્તાર મુખ્ય કેન્દ્ર હતો. પૂર્વી લડાખની આ જ ગલવાન ખીણમાં ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના છેલ્લા છ દાયકામાં ભારત અને ચીનની સરહદ પર સૈન્ય સંઘર્ષની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી.
શરૂઆતથી જ લડાખનાં સ્થાનિક લોકોએ આ તમામ સરહદી વિસ્તારોમાં ચીની ઘૂસણખોરીના પ્રયાસોની માહિતી આપવાથી લઈને દરેક પ્રકારની હિલચાલ પર નજર રાખવા સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પેંગોંગ સરોવરનું લદ્દાખી લોકજીવનમાં ઘણું મહત્ત્વ છે. આ કારણોસર સ્થાનિક લોકો જો જરૂરી હોય તો ચીની સેનાના ઘૂસણખોરીના પ્રયાસો સામે જવાબી કાર્યવાહી કરવામાં ભારતીય લશ્કરનો સાથ આપતા ડરતા નથી.
સમગ્ર અભિયાન લડાખની જમીન, પર્યાવરણ અને આદિવાસી સ્વદેશી સંસ્કૃતિની જાળવણી સાથે સંબંધિત છે. સોનમ વાંગચુક પણ આ પાસાંનું વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે લડાખના વિચરતી લોકો દક્ષિણમાં વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટ અને ઉત્તરમાં ચીનના અતિક્રમણને કારણે તેમની મુખ્ય ચરિયાણની જમીન ગુમાવી રહ્યા છે. સમગ્ર આંદોલનને લડાખની સામાજિક રચના અને સાંસ્કૃતિક વિશિષ્ટતાના દૃષ્ટિકોણથી પણ સમજવાની જરૂર છે. લડાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ અનુસાર લડાખની આદિવાસી વસ્તી કુલ વસ્તીના ૯૭ ટકાથી વધુ છે.
આદિવાસી અને સાંસ્કૃતિક વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગે લડાખને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવા માટે સપ્ટેમ્બર ૨૦૧૯ માં કેન્દ્ર સરકારને પહેલેથી જ ભલામણ કરી હતી. જમ્મુ અને કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે, પરંતુ તેને વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. લડાખને તો વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં લડાખનાં લોકોને હવે સ્થાનિક જરૂરિયાતો અનુસાર કાયદા બનાવવાનો અધિકાર નથી. કેન્દ્ર સરકાર લડાખ માટે તમામ નિર્ણયો લેવાનું રાખે છે.
સોનમ વાંગચુક અને તમામ સંગઠનોનો મુખ્ય ભાર છઠ્ઠી સૂચિ પર છે. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ થવાથી સ્થાનિક લોકોને વિકાસના પ્રોજેક્ટમાં નિર્ણય લેવાનો અધિકાર ઘણી હદ સુધી મળશે. કેન્દ્ર સરકાર માટે સ્થાનિક લોકોની સંમતિ વિના આવા પ્રોજેક્ટ્સ સાથે આગળ વધવું સરળ રહેશે નહીં. બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ લડાખને વિકાસ પ્રોજેક્ટના નામે બાહ્ય હસ્તક્ષેપથી બચાવવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. પર્યાવરણ, હિમ નદીઓ, આદિવાસી સમુદાયો તેમજ સંસ્કૃતિને બચાવવા માટે છઠ્ઠી અનુસૂચિને લગતી માંગ ખૂબ જ સુસંગત છે.
લડાખમાં આંદોલનનું સ્વરૂપ વધુ મોટું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર પ્રત્યે સ્થાનિક લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. હવે આ મુદ્દો માત્ર ભારતીય જનતા પાર્ટી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે મોદી સરકાર પૂરતો સીમિત નથી રહ્યો. આ મુદ્દો લડાખનાં લોકોના ભારત સરકાર પરના વિશ્વાસ સાથે જોડાયેલો છે. તે લડાખના લોકોના બંધારણીય અધિકારો સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે. લડાખમાં આંદોલનનું સ્વરૂપ વધુ મોટું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર પ્રત્યે સ્થાનિક લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. હવે આ મુદ્દો માત્ર ભારતીય જનતા પાર્ટી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે મોદી સરકાર પૂરતો સીમિત નથી રહ્યો. આ મુદ્દો લડાખનાં લોકોના ભારત સરકાર પરના વિશ્વાસ સાથે જોડાયેલો છે. તે લડાખનાં લોકોના બંધારણીય અધિકારો સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.