National

કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ

મધ્ય પ્રદેશમાં તાજેતરમાં કફ સિરપના સેવન બાદ બાળકોના મોત થયાની ગંભીર ઘટનાની પૃષ્ઠભૂમિ પર કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે દેશભરના મેડિકલ સ્ટોરોમાં કફ સિરપ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પરથી જ મળશે. ઔષધ પરામર્શ સમિતિએ પોતાની 67મી બેઠક દરમિયાન આ નવા નિયમને મંજૂરી આપી છે. જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થશે.

અત્યાર સુધી અનેક પ્રકારના કફ સિરપ ‘ઓવર ધ કાઉન્ટર’ એટલે કે ડોક્ટરની ચિઠ્ઠી વગર સરળતાથી મળી જતા હતા પરંતુ હવે નવા નિયમ મુજબ કફ સિરપ ખરીદવા માટે દર્દીને પહેલા ડોક્ટર પાસે જવું પડશે અને તેમની પાસેથી પ્રિસ્ક્રિપ્શન લેવું પડશે . સરકારનો ઉદ્દેશ્ય એ છે કે લોકો પોતાની રીતે દવાઓ લઇને જોખમ ન કરે અને સારવાર નિષ્ણાતની સલાહથી જ થાય.

આ નિર્ણય શા માટે લેવાયો?
તાજેતરમાં મધ્ય પ્રદેશના છિંદવાડા અને આસપાસના વિસ્તારોમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ પીધા બાદ નાના બાળકોમાં કિડની ફેલ થવાથી 24 બાળકોના મોત થયા હતા. કેટલાક અન્ય રાજ્યોમાં પણ આવા કેસ નોંધાયા હતા. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા દેશોએ ભારતમાં બનેલી કફ સિરપને કારણે બાળકોના મોતના કેસ નોંધાવ્યા હતા.

આ કારણે ભારતની “વિશ્વની ફાર્મસી” તરીકેની છબી પર નકારાત્મક અસર થઈ હતી. WHOએ પણ ભારતમાં બનેલી ત્રણ દવાઓમાં ભેળસેળ હોવાનું જણાવ્યું હતું.

સરકારના આ નિર્ણયથી નશા માટે કફ સિરપના થતી ગેરવપરાશ પર પણ કાબૂ આવશે. ખાસ કરીને યુવાનોમાં કફ સિરપને નશીલાં પદાર્થ તરીકે ઉપયોગ કરવાના કેસ વધતા હતા. હવે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત થતાં આ પ્રવૃત્તિમાં ઘટાડો થશે.

તદુપરાંત લોકો ઘણીવાર ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ લેતા હોય છે. જેનાથી શરીરમાં રેઝિસ્ટન્સ વિકસે છે અને દવાઓ અસરકારક રહેતી નથી. આ નવા નિયમથી એન્ટિબાયોટિકના દુરુપયોગ પર પણ રોક લાગશે.

Most Popular

To Top