Columns

કેન્દ્ર સરકારને કિસાનોની બેઠી તાકાત સમક્ષ ઝૂકવાની ફરજ પડી છે

ભાજપના મોરચા સરકાર દ્વારા કિસાનોની બેહાલી નોતરતા ત્રણ કાનૂનો સંસદમાં પસાર કરવામાં આવ્યા તે ઉદ્યોગપતિઓની લોબીની જીત હતી તો દોઢ વર્ષનાં કિસાન આંદોલન અને ૭૦૦ કિસાનોના બલિદાન પછી સરકારને આ કાનૂનો પાછા ખેંચવાની ફરજ પડી તે ભારતની લોકશાહીમાં લોકોની તાકાતનો જ્વલંત વિજય છે. કોઈ પણ કિસાન સંગઠનને પૂછ્યા વિના ભારતના ઉદ્યોગપતિઓ અને વિદેશી એજન્સીઓના ઈશારે કૃષિના પવિત્ર વ્યવસાયને કિસાનોના હાથમાંથી ઝૂંટવી મલ્ટિનેશનલ કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની ચેષ્ટા લોકશાહી પર કુઠરાઘાત સમાન હતી.

Big News: Government to Transfer Rs 15,000 crore to Farmers under PM-Kisan  Yojana from April 1

લાખો કિસાનો દ્વારા મહિનાઓ સુધી દિલ્હીમાં પ્રવેશ કરવાના રસ્તાઓ જામ કરી દેવાયા છતાં સરકાર કાળા કાનૂનો રદ્દ ન કરવાની જિદ લઈને બેઠી હતી તેનું કારણ સરકારનું પડદા પાછળથી સંચાલન કરી રહેલા અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિઓનો પ્રભાવ હતો. દોઢ વર્ષ દરમિયાન સરકારે પહેલા કિસાનોને સમજાવવા-પટાવવાના તમામ પ્રયાસો કરી જોયા. કિસાનો ન માન્યા ત્યારે તેમને બદનામ કરવામાં મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. કિસાનોને દેશદ્રોહી ચિતરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. પછી કિસાન આંદોલનની ઉપેક્ષા કરવામાં આવી. પછી તેને તોડી પાડવા માટે લશ્કરનો ઉપયોગ પણ કરવાની તૈયારી કરી લીધી.

તે સમયે કિસાન નેતા રાકેશ ટિકૈતની આંખામાં આંસું ઊભરાઈ આવ્યા હતા. આ આંસુંને કારણે કિસાન આંદોલનમાં નવો પ્રાણ ફૂંકાયો હતો. કિસાન આંદોલનને ખતમ કરવાનો કોઈ પેંતરો કારગત ન થયા પછી પંજાબની અને ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક જણાતા સરકારે નછૂટકે ત્રણ કાનૂનો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કિસાનોના વોટ લઈ લીધા પછી સરકાર ઉદ્યોગપતિઓ પાસેથી નોટ લઈને ચૂંટણી પછી આ કાનૂનો પાછા નહીં લાવે તેની કોઈ ગેરન્ટી નથી. આ કારણે જ કિસાનોના નેતા રાકેશ ટિકૈતે જાહેર કર્યું છે કે સરકાર લઘુતમ ભાવોનો કાયદો નહીં લાવે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચાવાનું નથી.

ભારતના કિસાનોને સ્વતંત્ર અને સ્વાભિમાની મટાડીને કૃષિપેદાશોની જથ્થાબંધ ખરીદી કરતી, તેનો વિરાટ ગોડાઉનોમાં સંઘરો કરતી અને તેને ઊંચા ભાવે વેચતી દેશી-વિદેશી કંપનીઓના લાભાર્થે ભારતની સંસદમાં ત્રણ કૃષિ કાનૂનો પસાર કરવામાં આવ્યા હતા. ભારતની સંસદ અને શાસક પક્ષના સંસદસભ્યો જો લોકોના સાચા પ્રતિનિધિની ભૂમિકા ભજવતા હોત તો તેમણે તેનો વિરોધ કરીને આ ત્રણ કાયદા કોઈ સંયોગોમાં પસાર થવા ન દીધા હોત; પરંતુ તેઓ રાજકીય પક્ષોની કઠપૂતળી હોવાથી કિસાનોની પાયમાલી નોતરતા કાયદાઓ તેમણે પસાર કરી દીધા હતા.

ભારતની કૃષિવ્યવસ્થા પર ઉદ્યોગપતિઓ અને તેમના માધ્યમથી મલ્ટિનેશનલ કંપનીઓ કબજો જમાવી નથી શકતી તેનું મુખ્ય કારણ એ છે કે ભારતનું કૃષિતંત્ર કરોડો નાના કિસાનો વચ્ચે વહેંચાયેલું હોવાથી વિકેન્દ્રિત છે. આ કિસાનોને દેવાદાર બનાવીને તેમની જમીનો તેમની પાસેથી ઝૂંટવી લેવા માટે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને મંજૂરી આપતો કાયદો ઘડવામાં આવ્યો હતો. કિસાન જાયન્ટ કંપની સાથે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને લગતો કરાર કરે તે પછી તે જમીનનો માલિક મટીને પોતાની જ જમીન પર વેઠિયો મજૂર બની જતો હતો. કોન્ટ્રેક્ટ લેનાર કંપની જે પાક લેવાનું કહે તે પાક તેણે લેવો પડે, જે બિયારણ વાપરવાનું કહે તે બિયારણ તેણે વાપરવું પડે, અને જે ખાતર વાપરવાનું કહે તે ખાતર તેણે વાપરવું પડે. આ રીતે ભારતમાં મોટા પાયે ઝેરી જિનેટિકલી મોડિફાઇડ બિયારણ (જીએમઓ) ઘૂસાડી દેવાની મલ્ટિનેશનલ કંપનીઓની ચાલ હતી. જો આ કાયદો અમલમાં આવ્યો હોત તો ભારતના ગરીબ કિસાનોને તેમની જમીન વેચવાની ફરજ પડી હોત. આ જમીન ઉદ્યોગપતિઓ તેમના નાણાંની તાકાતનો ઉપયોગ કરીને ખરીદી લેત. અમેરિકામાં જેમ બિલ ગેટ્સ સૌથી મોટા જમીનદાર છે તેમ અંબાણી કે અદાણી ભારતના સૌથી મોટા જમીનદાર બની જાત. હકીકતમાં તેમની ભાગીદાર વિદેશી કંપનીઓ ભારતની કૃષિ જમીનની માલિક બની જાત.

વર્તમાન વ્યવસ્થા મુજબ કિસાન મંડી સિવાય પોતાની પેદાશ ક્યાંય વેચી શકતો નથી. મંડીમાં તેની પેદાશો સરકાર દ્વારા લઘુતમ ટેકારૂપ ભાવે ખરીદી લેવામાં આવે છે, જેને કારણે ખાનગી વેપારીઓ કે કંપનીઓ તેનું શોષણ કરી શકતા નથી. નવા કાનૂનો દ્વારા મંડી સિસ્ટમ જ ખતમ કરવામાં આવી હતી. વેપારીઓને કિસાનો પાસેથી સીધી ખરીદી કરીને તેમનું શોષણ કરવાનું લાઇસન્સ આપી દેવામાં આવ્યું હતું. જો મંડી ન હોય તો કિસાનોને લઘુતમ ભાવો પણ મળે નહીં.  કિસાનો દ્વારા પેદા કરવામાં આવતું અનાજ સસ્તામાં પડાવી લેવાનો કારસો કરવામાં આવ્યો હતો.

ભારતમાં મોટા માલદાર વેપારીઓ સિઝન દરમિયાન વિરાટ ગોડાઉનોમાં કરોડો ટન અનાજનો સંગ્રહ કરીને ઓફ સિઝનમાં ભાવો વધારીને ગ્રાહકોનું શોષણ ન કરે તે માટે દાયકાઓ અગાઉ ભારતમાં આવશ્યક ચીજવસ્તુ ધારો ઘડવામાં આવ્યો હતો, જેમાં વેપારીઓ દ્વારા ખાદ્યાન્ન સંગ્રહ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. કોઈ વેપારી આ કાયદાનો ભંગ કરીને નિયમ કરતાં એક ક્વિન્ટલ પણ વધુ અનાજનો સંગ્રહ કરે તો તેને કાળાબજારિયો ઠરાવીને જેલમાં મોકલી આપવામાં આવતો હતો. હવે અદાણી જેવી કંપનીઓ કિસાનો પાસેથી સસ્તામાં અનાજ પડાવીને, લાખો ટન અનાજનો સંગ્રહ કરીને નફાખોરી કરવા માગતી હતી માટે આવશ્યક ચીજવસ્તુ ધારો જ નાબૂદ કરવામાં આવ્યો હતો. આ કાનૂન ઘડાયો તે પહેલાં અદાણી જૂથની કંપનીઓ દ્વારા પંજાબ અને હરિયાણામાં વિરાટ ગોદામો ખરીદવામાં આવ્યા હતા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે પોતાનાં ગોદામો હોવા છતાં સરકાર અદાણીનાં ગોદામો ભાડે રાખીને તેને કમાણી કરાવતી હતી. તેના પરથી સાબિત થાય છે કે આ કંપનીઓના લાભાર્થે જ કૃષિ કાનૂનો ઘડવામાં આવ્યા હતા.

જે ગરીબો બજારમાંથી મોંઘું અનાજ ખરીદી નથી શકતા તેઓ ભૂખે નથી મરતાં તેનું મુખ્ય કારણ સરકાર દ્વારા કરવામાં આવતો બફર સ્ટોક અને ચલાવવામાં આવતી સસ્તા અનાજની દુકાનો છે. આ દુકાનોમાં જે અનાજ વેચવામાં આવે છે તે સરકાર કિસાનો પાસેથી લઘુતમ ભાવે ખરીદે છે. જો ત્રણ કૃષિ કાનૂનોનો અમલ કરવામાં આવ્યો હોત તો સરકાર દ્વારા અનાજની ખરીદી બંધ કરી દેવામાં આવત અને રેશનની દુકાનમાંથી મળતું સસ્તું અનાજ પણ બંધ થઈ જાત. ત્યારે ગરીબોને ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવાની ફરજ પડત કે ભૂખે મરવાની નોબત આવત. વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશન મોનિટરી ફંડ જેવી સંસ્થાઓ સરકાર ઉપર સસ્તા અનાજની દુકાનો બંધ કરવાનું દબાણ કરી રહી હતી. તેમના દબાણ સામે ઝૂકી ગયેલી સરકારે જ ત્રણ કૃષિ કાયદાઓ ઘડ્યા હતા.

રાજકારણીઓને જ્યારે તેમની ખુરશી ભયમાં દેખાય ત્યારે તેઓ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને અને તેમને નિયંત્રિત કરતી વિદેશી સંસ્થાઓને પણ ભૂલી જાય છે. ભાજપના મોરચાની સરકાર માટે પણ તેવું બન્યું છે. નારાજ કિસાનોને કારણે મોદીને જ્યારે પંજાબની અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં હાર દેખાવા લાગી ત્યારે તેણે પોતાના પગ પર હથોડો મારીને કાયદાઓ રદ્દ કરવાની જાહેરાત કરી છે. દેશના સંસદસભ્યોએ હવે વડા પ્રધાનને સવાલ પૂછવો જોઈએ કે સંસદે બહુમતી વડે જે કાયદાઓ પસાર કર્યા તેને રદ્દ કરાવની જાહેરાત કરવાની સત્તા તમને કોણે આપી?

Most Popular

To Top