SURAT

મહુવાના કાંકરિયા ગામમાં વેસ્ટનો ગેરકાયદે ડમ્પિંગ મામલો ફરી ઉછળ્યો

સુરત જિલ્લાના મહુવા કાંકરિયા ગામમાં ગેરકાયદે વેસ્ટના ડમ્પિંગ કેસમાં કોન્ટ્રાક્ટરને 10 લાખ રૂપિયાનો દંડ કરાયો છતાં પરિસ્થિતિ સુધરી નથી. હજુ પણ બેરોકટોક કાંકરિયા ગામમાં વેસ્ટનું ડમ્પિંગ થઈ રહ્યું છે. દંડને ઘોળીને પી જનાર કસૂરવાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ હવે ફોજદારી કાર્યવાહીની માંગ ઉઠી છે.

  • કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કરવા માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટર, જીપીસીબી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. પોતાની રજૂઆતમાં નાયકે લખ્યું કે, કોન્ટ્રાક્ટર પર લાદવામાં આવેલો 10 લાખનો દંડ માત્ર પ્રશાસનિક કાર્યવાહી સુધી સીમિત છે અને કેસની ફોજદારી ગંભીરતાની સરખામણીએ અપર્યાપ્ત છે.

એવું લાગે છે કે આ કાર્યવાહી ઇજારદાર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ છે. 200-250 કરોડના ઇજારામાં માત્ર 10 લાખનો દંડ વસૂલ કરવો આ પ્રકરણને દબાવવાનું સૂચક છે. કેમ કે , કરારની શરતોનો ભંગ, જાહેર નાણાંને નુકસાન અને પર્યાવરણીય કાયદાઓની અવગણના — આ બધું દંડનીય અને ફોજદારી સ્વરૂપ ધરાવે છે.ડમ્પિંગની પ્રવૃત્તિ લાંબા સમય સુધી સતત ચાલુ રહી, જે વગર કાર્યપાલક એન્જિનિયર અથવા વિભાગની જાણકારી વગર શક્ય નથી. વેસ્ટ લિફ્ટિંગ જેવા તાત્કાલિક પગલાં લીધા પછી પણ મૂળ ડમ્પિંગ નેટવર્કમાં કોઈ સુધારો થયો નથી. અન્ય ગામોમાં ડમ્પિંગ અંગે દસ્તાવેજી તથા સરકારી રેકોર્ડ આધારિત પુરાવા ઉપલબ્ધ છે.

વધુમાં, ટ્રાન્સપોર્ટ ટ્રેઇલ, વેઇબ્રિજ એન્ટ્રીઓ તથા ગ્રાઉન્ડ રિયાલિટી પરથી સ્પષ્ટ થાય છે કે નવસારી, બારડોલી તથા અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો મેટ્રિક ટન વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પ અથવા ડિસ્પોઝ કરવામાં આવ્યો છે.આના પરિણામસ્વરૂપે વિશાળ પર્યાવરણીય નુકસાન થયું છે. ગ્રામ્ય વસાહતો, ખેતી અને ભૂગર્ભ જળને આરોગ્ય જોખમ ઊભું થયું છે. જાહેર નાણાં તથા કરદાતાઓના હિતને ગંભીર આર્થિક નુકસાન થયું છે. આટલા મોટા પાયે થયેલી પ્રવૃત્તિ માત્ર કોન્ટ્રાક્ટર સુધી મર્યાદિત રહી શકે નહીં, તે સિસ્ટેમિક ફેઇલ્યોર તથા સંભવિત સંડોવણી તરફ ઇશારો કરે છે.

Environment (Protection) Act, 1986ની જોગવાઈ Section 15 હેઠળ કાયદાના ઉલ્લંઘનને ફોજદારી ગુનો ગણવામાં આવે છે. તેમજ Section 16 હેઠળ કંપનીઓ તથા જવાબદાર અધિકારીઓ પર ફોજદારી જવાબદારી લાગુ પડે છે. Section 17 અંતર્ગત સરકારી વિભાગો તથા સુપરવાઇઝરી અધિકારીઓ પર પણ ફોજદારી જવાબદારી લાગુ પડે છે.

આ મુજબ, ગેરકાયદેસર વેસ્ટ ડમ્પિંગ, પર્યાવરણને નુકસાન અને કાનૂની જોગવાઈઓની અવગણના ફોજદારી ગુનો છે, જેમાં કોન્ટ્રાક્ટર, ઓપરેશન-ઇન-ચાર્જ અધિકારી તથા સુપરવાઇઝરી/એક્ઝિક્યુટિવ લેવલના અધિકારીઓ પર ફોજદારી જવાબદારી અને પ્રોસિક્યુશન લાગુ પડે છે. તેથી, કેસને માત્ર દંડ સુધી મર્યાદિત રાખી પૂરો કરવો કાનૂનવિરોધી છે અને EPA Actનો ભંગ છે. EPA Act હેઠળ FIR નોંધી ફોજદારી કાર્યવાહી શરૂ કરવી કાનૂની ફરજ છે. તેમ છતાં, અત્યાર સુધી ફોજદારી કેસ અથવા FIR નોંધાઈ નથી.

નાયકે વધુમાં કોન્ટ્રાક્ટર તથા સંકળાયેલ એજન્સીઓ સામે EPA Act હેઠળ તાત્કાલિક FIR નોંધી ફોજદારી કેસ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે. જો મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહીમાં નિષ્ફળ નીવડે, તો પુરાવા સાથે તેમની સામે પણ ફોજદારી ગુનો નોંધવા હાઇકોર્ટ અથવા NGT સમક્ષ કેસ દાખલ કરવાની ફરજ ઊભી થશે એવી ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top