Columns

જી-૨૦ શિખર પરિષદ માટે રાજધાનીની કામચલાઉ સજાવટ કરવામાં આવી રહી છે

ભારતની રાજધાની નવી દિલ્હીમાં પહેલી વખત યોજાઈ રહેલી મેગા જી-૨૦ શિખર પરિષદને સફળ બનાવવા માટે દિલ્હીના સત્તાવાળાઓ અને નગરજનો જાતજાતનાં પગલાંઓ લઈ રહ્યાં છે. વિશ્વના ટોચના નેતાઓને પ્રભાવિત કરવા માટે લગભગ સાત લાખ કલાત્મક છોડથી રાષ્ટ્રીય રાજધાનીને સુશોભિત કરવાથી લઈને વાંદરાઓને ભગાડવા માટે લંગુરનો અવાજ કરી શકે તેવાં લોકોને નોકરી પર રાખવા સુધી કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. વિદેશી પ્રતિનિધિઓ અને તેમની સાથે આવેલાં લોકોની મુલાકાતની અપેક્ષા રાખીને ચાંદની ચોકના દુકાનદારો અને ખાણીપીણીના સ્ટોલના માલિકો પણ અનુવાદકોને નોકરીમાં રાખી રહ્યા છે. કેટલાક તેમના અંગ્રેજી ભાષા જાણતાં બાળકોને ૮ સપ્ટેમ્બરથી થોડા દિવસો માટે તેમની સાથે દુકાનમાં રહેવાનું કહી રહ્યા છે, જેથી ભાષાની મર્યાદા વ્યવસાય માટે અવરોધરૂપ સાબિત ન થાય.

દુનિયાના સૌથી શ્રીમંત અને સૌથી વગદાર નેતાઓની શિખર પરિષદ નવી દિલ્હીમાં તા. ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે. કેન્દ્ર સરકારની એજન્સીઓ અને દિલ્હી સરકારે શહેરને સુશોભિત કરવા અને સુશોભિત કરવા માટે ૬.૭૫ લાખ ફૂલ અને છોડનું વિતરણ કર્યું છે. વિવિધ પ્રકારનાં ફૂલોના છોડને કુંડાઓમાં રાખીને રસ્તાઓ અને ચોક પર, શિખર પરિષદનાં સ્થળો, હોટેલો અને મુલાકાતીઓની ઊંચી સંખ્યા ધરાવતા અન્ય વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે.

વન વિભાગ અને દિલ્હી પાર્ક્સ એન્ડ ગાર્ડન સોસાયટીએ ૩.૭૫ લાખ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે એક લાખ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ૫૦,૦૦૦ કુંડાંઓ મૂક્યાં છે. વિદેશી પ્રતિનિધિઓ જેની અચૂક મુલાકાત લેતા હોય છે તે ગાંધીજીની સમાધિ ધરાવતા રાજઘાટ સ્મારક સંકુલમાં અનન્ય લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે, જેની મુલાકાત જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ઘણાં પ્રતિનિધિઓ લેશે તેવી શક્યતા છે. અહીં ૧૧૫ ફૂટનો ભારતીય ત્રિરંગો ધ્વજ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

છેલ્લા એક વર્ષમાં રાજઘાટથી લાલ કિલ્લા સુધીના પંથકમાં જાહેર બાંધકામ ખાતાની આગેવાની હેઠળ અદભુત પરિવર્તન આવ્યું છે. આ વિસ્તારને ફુવારાઓ, સમકાલીન સ્ટ્રીટ આર્ટ, ખુલ્લી બેઠકો ધરાવતી જગ્યાઓ, લાઇટિંગ અને તેવી સુવિધાઓથી સમૃદ્ધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટની મુલાકાત લેવી એ ભારત આવનાર કોઈ પણ વિદેશી પ્રતિનિધિ મંડળ માટે હંમેશા પ્રાથમિકતા હોય છે. ગાંધીજીના સ્મારકને અનોખા લેન્ડસ્કેપિંગ વડે ચારે બાજુ લીલોતરીથી શણગારવામાં આવ્યું છે.

લ્યુટિયન્સ દિલ્હી વિસ્તાર સહિત દિલ્હીના કેટલાક ભાગોમાં વાંદરાઓની વસ્તી વધી રહી છે. જંગલ છોડીને માનવ વસાહતમાં આવી ચડેલાં આ પ્રાણીઓ લોકો પર હુમલો કરે છે અને કરડતાં હોવાના અનેક અહેવાલો બહાર આવતાં દિલ્હીના સત્તાવાળાઓ જી-૨૦ શિખર પરિષદ દરમિયાન કપિરાજો મહેમાનોને હેરાન ન કરે તેની ખાતરી કરવા પગલાં લઈ રહ્યાં છે. મુખ્ય સ્થળ સહિત તમામ મહત્ત્વપૂર્ણ સ્થળો જેવાં કે પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ અને જ્યાં વિદેશી મહાનુભાવો અને પ્રતિનિધિઓ રોકાશે તે હોટેલોની આજુબાજુ કાર્યક્રમ દરમિયાન વાંદરાઓ ત્યાં જોવા ન મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ૩૦-૪૦ પ્રશિક્ષિત વ્યક્તિઓને પણ તૈનાત કરશે, જે વાંદરાઓને ભગાડવા માટે લંગુરના અવાજની નકલ કરી શકે છે. આ પ્રશિક્ષિત વ્યક્તિઓ નોંધાયેલા છે અને તેઓને ભાડે રાખવામાં આવ્યા છે, કારણ કે તેઓ લંગુરના અવાજોની આબેહૂબ નકલ કરીને વાંદરાઓને ભગાડવામાં કુશળ હોય છે. દરેક હોટેલમાં આવી એક વ્યક્તિને તૈનાત કરાશે. સરદાર પટેલ માર્ગ સહિતના વિસ્તારોમાં એક ડઝનથી વધુ લંગુર કટઆઉટ વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવ્યા છે, જ્યાં વાંદરાઓની વધુ વસ્તી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વાંદરાઓએ કેટલાંક છોડ અને ફૂલોને પણ નુકસાન પહોંચાડ્યું છે, જે જી-૨૦ શિખર પરિષદ માટે લાવવામાં આવ્યા હતાં.

વિવિધ એજન્સીઓ રાજધાનીના ૬૧ રસ્તાઓની યોગ્ય જાળવણી પણ સુનિશ્ચિત કરી રહી છે, જેનો શિખર પરિષદ દરમિયાન વિદેશી મહાનુભાવો અને પ્રતિનિધિઓ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. આ કામનું નિરીક્ષણ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિવિધ એજન્સીઓ દ્વારા આવા રસ્તાઓ અને સ્થળો પરથી લગભગ ૧૫,૦૦૦ મેટ્રિક ટન ઘન કચરો સાફ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીને સૌંદર્યલક્ષી દેખાવ આપવા માટે વિવિધ સ્થળોએ ૧૦૦ થી વધુ શિલ્પો અને ડિઝાઇનવાળા ૧૫૦ ફુવારાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે.

ચાંદની ચોકમાં આવેલી ઘણી દુકાનોમાં શિખર પરિષદમાં હાજરી આપનારાં પ્રતિનિધિઓ અને અન્ય લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. ત્યાંના દુકાનદારો ખરીદી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ૮ સપ્ટેમ્બરથી અંગ્રેજી બોલતા સેલ્સમેન, સેલ્સ વુમન અને અનુવાદકોને રાખવાનું આયોજન કરી રહ્યા છે. લહેંઘાના વેપારી સુરેશ શેઠના પુત્ર અને પુત્રી સમિટ દરમિયાન દુકાન પર હશે. તેમણે પોતાના પુત્ર અને પુત્રીને જી-૨૦ શિખર પરિષદ દરમિયાન મુલાકાતીઓ સાથે વાતચીત કરવામાં મદદ કરવા માટે દુકાન પર આવવા કહ્યું છે. તે બંને સારી રીતે અંગ્રેજી બોલી શકે છે અને તેમની પુત્રી જર્મન પણ જાણે છે.

ચાંદની ચોક વિસ્તારમાં એક ફુડ સ્ટોલના માલિકે પણ એક અઠવાડિયા માટે અનુવાદકની ભરતી કરી છે અને તેમનાં તમામ કર્મચારીઓને મુલાકાતીઓનું યોગ્ય રીતે સ્વાગત કરવા અને ભારતને ગૌરવ અપાવવા માટે કહ્યું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સૂચવે છે કે ચાંદની ચોકમાં ૯૦ % દુકાનદારો આરામથી હિન્દીમાં જ વાત કરી શકે છે. કેટલાક દુકાનદારો અંગ્રેજી અનુવાદકો ઉપરાંત ફ્રેન્ચ, રશિયન અને મેન્ડેરિન જાણતા ગાઇડની પણ મદદ લઈ રહ્યા છે.

દક્ષિણ દિલ્હીના એક મ્યુનિસિપલ પાર્કમાં તેના લીલાછમ બગીચાઓમાં સ્થાપિત ૨૦ સુશોભિત સ્તંભો પર જી-૨૦ જૂથના વિશાળ લોગો અને સભ્ય દેશોના ધ્વજ સાથે જી-૨૦ના ભારતના પ્રમુખપદની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓને આ જોઈને અચરજ થાય છે. ઘણાં રહેવાસીઓએ પહેલેથી જ ગ્રેટર કૈલાશમાં આવેલા આ પાર્કને જી-૨૦ પાર્ક તરીકે બોલાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોંક્રિટના મિશ્રણથી બનેલા ૨૦ થાંભલાઓ તેમની ઉપર એક વિશિષ્ટ ડિઝાઇન ધરાવે છે, જેમાં દરેક ઉપર એક ધ્વજ હોય ​​છે. આ વિચાર ગ્રીક એમ્ફીથિયેટરના દેખાવ પરથી લેવામાં આવ્યો છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે જી-૨૦ શિખર પરિષદને ધ્યાનમાં રાખીને સરકારે વૃક્ષો વાવવાના તેના વાર્ષિક લક્ષ્યના ૬૯ % પહેલાથી જ પૂરા કરી લીધા છે. શહેરના વિવિધ ભાગોમાં ૨૧ વિભાગો દ્વારા ૩૦.૨ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે. વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે વૃક્ષો વાવવાનું કામ હાથ ધર્યું છે. છેલ્લા બે મહિનામાં વન મહોત્સવ દ્વારા સરકારે જનજાગૃતિમાં વધારો કર્યો છે. આ ૨૧ વિભાગોએ સમગ્ર શહેરમાં ૩૦,૨૦,૩૫૬ રોપાઓનું વાવેતર કર્યું છે. આ તૈયારીઓ જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે જે સરકારને દિલ્હીમાં વસતાં નાગરિકોની પરવા નથી તે વિદેશી મહેમાનોને પ્રભાવિત કરવા જબરદસ્ત પુરુષાર્થ કરી રહી છે.

Most Popular

To Top