સુરત (Surat) : શહેરમાં આ વખતે પહેલા વરસાદે (Rain) જ મોટા ભાગના રસ્તાઓ ડેમેજ (Damage Road) કરી દેતા શાસકોની પોલ ખુલી જવા પામી છે. શહેરના રિંગરોડ, મક્કાઇ પુલ જેવા ઘોરી નસ ગણાય તેવા રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે, વાહન ચાલકો ચંદ્ર કે મંગળ ગ્રહની જમીન પર વાહન ચલાવતા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. ત્યારે હવે સુરત શહેરના ટ્રાફિકની (Traffic) મહત્વની ચેનલ એવા માસ ટ્રાન્સપોર્ટેશનની બસો માટે બનાવાયેલા બીઆરટીએસ (BRTS) કોરીડોરની હાલત પણ વન-વગડાના રસ્તાઓ જેવી થઇ ચુકી હોય શહેરીજનોના હાડકા તુટી રહ્યા છે.
સુરતમાં લગભગ તમામ વિસ્તારોમાંથી રસ્તાની ફરિયાદો ઉઠી રહી છે. કેટલેક ઠેકાણે મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. જો કે આવી જ મુશ્કેલી માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી ઓફીસ-ઘર કે કામધંધાના સ્થળે જતા શહેરીજનોની થઇ રહી છે.
બીઆરટીએસ રૂટ પર રસ્સાની હાલત ખરાબ છે, તેનુ ઉદાહરણ ઉધના ઝોનમાં રોકડિયા હનુમાન બીઆરટીએસ રોડનો જે રસ્તો છે તે છે, આ રસ્તો એટલી હદે તુટી ગયો છે કે અહીથી પસાર થતી બીઆરટીએસ અને સીટી બસમાં બેસેલા મુસાફરો જાણે હોડીમાં બેસીને જતા હોય તેવી પ્રતિતિ થાય છે. જો કે શહેરમાં રસ્તાઓની આટલી ખરાબ હાલત છતા હજુ સુધી કોઇ ઇજારદારને એક પણ નોટિસ અપાઇ નથી કે કોઇ અધિકારી સામે કાર્યવાહી થઇ નથી.
માત્ર છ દિવસમાં ધોવાઇ ગયેલા 400 કરોડના રીંગરોડ મુદ્દે તંત્રનું સુચક મૌન
ધોધમાર વરસાદમાં શહેરના રસ્તાઓ મોટા પ્રમાણમાં ધોવાઇ ગયા હતા, તેની સાથે સાથે વેડ-વરીયાવ બ્રિજનો એપ્રોચ પણ માત્ર દોઢ માસમાં તુટી જતા ઇજારદાર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સામે કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરી દેવાઇ છે, પરંતુ વરસાદ ચાલુ થયાના માત્ર છ દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા 400 કરોડના આઉટર રીંગરોડ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા અને અમુક જગ્યાએ તો રીતસર રસ્તો ધોવાઇ ગયો છે.
આમ છતા હજુ સુધી આઉટર રીંગરોડના ઇજારદારો કે અધિકારીઓ સામે કાર્યવાહી થઇ નથી. જે મુદ્દે ફરી એકવાર વિપક્ષના નગર સેવક મહેશ અણઘડ અને રચના હીરપરાએ મનપા કમિશનરને રીમાઇન્ડર લેટર લખીને કાર્યવાહી કેમ નથી થતી ? તેવા સવાલો ઉઠાવ્યા છે.