SURAT

સુરતના બિલ્ડરે લોન ભરપાઈ નહીં કરતાં ફ્લેટ ખરીદનાર પરિવાર વગર વાંકે ઘરવિહોણો બન્યો

સુરત: લેભાગુ બિલ્ડર દ્વારા દસ વર્ષ પહેલા વેચી દીધેલી પ્રોપર્ટી પર લોન લીધા પછી તેનું ચૂકવણું નહી કરતાં આ મિલકત ખરીદનારાઓએ રસ્તા પર આવવાની નોબત આવી ગઇ છે. સદર બનાવ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

  • ત્રણ ભાગીદારોએ 10 વર્ષ પહેલાં લોન લીધી હતી અને પ્રોજેક્ટ બનાવી ફ્લેટ વેચી દીધો હતો
  • ફ્લેટ ખરીદનારને જાણ કરી ન હતી, લોન ભરપાઈ ન કરતાં ફાઈનાન્સ કંપનીએ ફ્લેટનો કબ્જો ખૂંચવી લીધો

મોહનભાઇ લાલજીભાઇ વાટવેસા (ઉ. વર્ષ 54, ધંધો નોકરી રહેવાસી અંબિકા નગર, પવિત્રા રેસીડન્સીની બાજુમાં, રામનગર મૂળ રહેવાસી પાલીતાણા)એ તેમની પ્રોપર્ટી પર લોન લઈ, લોનનું ભરણુ નહી કરનારા બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું કે વર્ષ 2013માં પ્રફુલ્લ ગોવિંદ ધાંધુકીયા (રહેવાસી ડભોલી ગામ સેવન સ્ટેપ સ્કૂલની બાજુમાં, ચામુંડા ભજીયા હાઉસ, બીલીમોરા), અશોકભાઇ ગોરધનભાઇ ઉનાગર (રહેવાસી બીલીમોરા રેલવે સ્ટશન સામે બીલીમોરા), શીતલ અશોક ઉનાગર (રહેવાસી ચામુંડા ભજીયા હાઉસ બીલીમોરા) દ્વારા તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

રાંદર વોર્ડ નંબર 16-ડી સર્વે નંબર 128 ટીપી સ્કીમ નંબર 29 ખાતે આવેલી મિલકત પ્રફુલ્લભાઇએ કરજણ વિધાણી સાથે 19 જાન્યુઆરી વર્ષ 2013ના રોજ વેચાણ કરાર બનાવ્યો હતો. પ્રફુલ્લભાઇ ગોવિંદભાઇ ધાંધુકીયા તથા અશોક ઉનાગરે 3 માળની બિલ્ડીંગ પર ખોટા વેચાણ દસ્તાવેજ બનાવ્યા હતા. જેના આધારે તેઓએ વાસ્તુ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાંથી અશોક તથા શીતલ અશોક ઉનાગરના નામથી લોન લીધી હતી.

દરમિયાન ટાઇટલ કલીયર છે એવું જણાવીને આ લોકો દ્વારા આ ફલેટ મોહનભાઇને વેચવામાં આવ્યો હતો. હાલમાં વાસ્તુ ફાયનાન્સ દ્વારા આ ફલેટનો કબ્જો કરી લેવામાં આવ્યો છે. તેમાં મૂળ બિલ્ડરો પ્રફુલ્લ, અશોક, શીતલ દ્વારા લોનના બાકી હપ્તા નહીં ભરવામા આવતા મોહનભાઇ અને તેમના પરિવારે ઘર ખાલી કરવાના દિવસો આવ્યા છે. રાંદેર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top