Dakshin Gujarat

દુલ્હન ‘રાખી’એ લગ્ન બાદ સાસરીમાં પૈસા પર નજર ‘રાખી’ પ્રેમી સાથે ભાગી ગઇ

વલસાડ : વલસાડમાં રહેતા યુપીના સિંહ પરિવારના યુવકે મુંબઇના સિંહ પરિવારની યુવતી સાથે સમાજની રાહે લગ્ન કર્યા હતા. તેના લગ્ન 15 ડિસેમ્બરે થયા અને 21 ડિસેમ્બરે આ દુલ્હન પોતાના સાસરામાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂપિયા 35.18 લાખ લઇને પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. જેની શોધખોળ બાદ પણ તે ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને પોલીસે પ્રેમી સાથે યુપીથી પકડી પાડી હતી.

વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પંકજકુમાર મહેન્દ્રપ્રતાપ સિંહના લગ્ન તેના જ સમાજની મુંબઇના વિરારમાં રહેતી રાખી પંચાનંદ સિંહ સાથે ગત 15 અને 16 ડિસેમ્બર 2024ના રોજ વલસાડમાં થયા હતા. લગ્ન બાદ રાખી સાસરામાં પત્ની તરીકે રહી હતી. તેના લગ્નમાં આવેલી રોકડ, સોના ચાંદીના ઘરેણા તેમજ પંકજના પિતા મહેન્દ્ર પ્રતાપ સિંહે લગ્ન માટે લીધેલા ઉછીના પૈસા પરત કરવાના હોય તે પણ ઘરમાં એક બોક્સ પલંગમાં રાખ્યા હતા. આ પૈસા પર રાખીની નજર હતી. આ તમામ મુદ્દામાલ ગત 21મીના રોજ રાખી લઇને ફરાર થઇ ગઇ હતી.

લગ્ન અગાઉથી રાખીના વિવેક ઉર્ફે ગોલુ તિવારી સાથે પ્રેમ સંબંધ હતા. તેની જાણ હોવા છતાં તેના પિતા પંચાનંદસિંહ અને તેની માતા શકુંતલાસિંહે તેના લગ્ન પંકજ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ જ રાખી પોતાના સાસરામાંથી રોકડ અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 35.18 લાખ લઇ ફરાર થઇ ગઇ હતી. આ ઘટના બાદ બંને પરિવારોએ અનેક બેઠકો કરી રાખીને શોધવાનો અને પરત બોલાવવાનો તેમજ પોતાની મિલકત પરત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વલસાડના સિંહ પરિવારને તેમાં સફળતા મળી ન હતી. ત્યારે આ સંદર્ભે પંકજે વલસાડ સિટી પોલીસ મથકે રાખી, તેના પ્રેમી વિવેક ઉર્ફે ગોલુ તેમજ તેના માતા પિતા પંચાનંદ અને શકુંતલા વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં રાખી તેના પ્રેમી વિવેક ઉર્ફે ગોલુ તિવારી સાથે યુપીથી મળી આવી હતી. એસઓજી પીઆઇ અર્જુનસિંહ રોઝની ટીમ તેને યુપીથી લઇ આવી હતી. જેને સિટી પોલીસને સોંપતા પીઆઇ ડી.ડી.પરમારે તેની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top