Madhya Gujarat

કોઠંબામાં પુત્રીના પ્રેમીને વિજકરંટ આપી હત્યા કરાયા બાદ લાશને કુવામાં ફેંકી દીધી

લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ હોવાનું ખુલતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ હત્યા પાછળ યુવકની પ્રેમીકાના પિતા સહિત ત્રણ શખસના નામ ખુલતાં તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખસોએ વીજ કરંટ આપી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમના અવાવરૂ કુવામાંથી યુવકની લાશ મળી હતી. જેના પગલે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

જેમાં હથીયારથી ઇજાના નિશાન મળી આવતાં હત્યાનો બનાવ ખુલ્યો હતો. આથી, ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સર્ચઓપરેશનમાં એક કિલોમીટર દુર ભુપેન્દ્રસિંહ રંગીતસિંહ બારીયાના ખેતરમાં હત્યા કરાઇ હોવાના પુરાવા મળ્યાં હતાં. આથી, પોલીસે ભુપેન્દ્રસિંહની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેના મિત્ર બળવંત કાભસિંહ બારીયા, ભારતસિંહ ભવાનસિંહ બારીયા અને ભુપેન્દ્રસિંહ રંગીતભાઈ બારીયા ત્રણેય ભેગા મળીને ખેતરની ફરતે ખુલ્લા તાર ગોઠવી ઇલેક્ટ્રીક પોલ ઉપરથી વીજ કરંટ પસાર કર્યો હતો. આ તારને અડતાં શૈલેન્દ્રસિંહ રણવીરસિંહ બારીયાનું મોત થયાનું કબુલ્યું હતું.

મહિસાગર પોલીસે બળવંત, ભારતસિંહ અને ભુપેન્દ્રસિંહની પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મરનાર શૈલેન્દ્રસિંહ રણવીરસિંહ બારીયાને બળવંતની દિકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે પ્રેમીને મળવા અવાર નવાર ટીંટોઇ ગામે જશવંતભાઈ બારીયાના ઘર નજીક આવેલા ખાટી આંબલી પાસે ભેગા થઇ બાજુમાં ભારતસિંહ તથા ભુપેન્દ્રસિંહના મકાઇના ખેતરમાં રાત્રીના સમયે મળતાં હતાં. જોકે, જશવંત, ભારતસિંહ અને ભુપેન્દ્રસિંહની ગાઢ મિત્રતા હોવાથી 21મી ઓગષ્ટના રોજ બપોરના સમયે ખેતરમાં ભેગા થઇ શૈલેન્દ્રસિંહની હત્યા માટે કાવત્રુ ઘડ્યું હતું. શૈલેન્દ્રસિંહ રાત્રિના ખેતરમાં પ્રેમીકાને મળવા આવતો હોવાથી ખેતરોની ચારેય તરફ કરંટ આપવાનું નક્કી કર્યું હતું.

બાદમાં રાત્રિના સમયે ત્રણેય જણાં ભેગા મળી ભુપેન્દ્રસિંહના ખેતરથી જશવંતભાઈ નાનાભાઈ બારીયાના ઘર નજીક આવેલા ઇલેકટ્રીક થાંભલા સુધી વાયર લાંબો કરી મકાઇના વાવેતર વાળા ખેતરના શેઢા ઉપર લોખંડના તારને વીજ કરંટ આપ્યો હતો. રાત્રિના સમયે શૈલેન્દ્રસિંહ પ્રેમીકાને દરરોજની જેમ મળવા આવતા લોખંડના તારનો વીજ કરંટ લાગવાથી તેના બંને હાથો તેમજ પેટના ભાગે ચામડી બળી ગઇ હોવાથી સ્થળ પર જ મૃત્યું નિપજ્યું હતું. બાદમાં લાશને સગવગે કરવા માટે ત્રણેયે ભેગા મળી ગામની સીમમાં આવેલા અવાવરૂ કુવામાં ફેંકી દીધો હતો.  આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.ડી. ધોરડા, એસઓજી પીઆઈ આર.ડી. ભરવાડ, સર્કલ ઇન્સ્પેક્ટર, કોઠંબા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળની ટીમ જોડાઇ હતી.

Most Popular

To Top