કાશ્મીરના પહેલગામની ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનું કરૂણ મોત થયું છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા આ આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા છે. શૈલેષભાઈના મોતના સમાચારની પૃષ્ટિ થતાં તેમના પરિજનોમાં શોકની લહેર ફરી વળી છે.
તંત્ર દ્વારા શૈલેષભાઈના મૃતદેહને સુરત લાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અધિકારીઓ મુજબ શૈલેષભાઈનો મૃતદેહ કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને સુરત લાવવામાં આવશે.
સુરત જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ પ્લાનિંગ કરી લેવાયું છે. એડિશનલ કલેક્ટર વિજયભાઈ રબારીએ કહ્યું હતું કે, અમે મૃતદેહના લાવવાના સંબંધમાં તમામ વ્યવસ્થા કરી દીધી છે. પરિવારની સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છીએ. મૃતક શૈલેષભાઈના પિતા હિંમતભાઈ હાલ સુરત પહોંચી ગયા છે અને પુત્રના અંતિમ દર્શન માટે આતુર છે. પરિવારના અન્ય સભ્યો પણ આજે સાંજ સુધીમાં શહેર પહોંચશે.
શૈલેષભાઈ કળથીયાના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા સુરતમાં જ કરવામાં આવશે. પરિવારના સભ્યો સૌરાષ્ટ્રમાં રહે છે. તેમણે પણ મૃતદેહ સાથે આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે.
શૈલેષભાઈ સાત વર્ષથી મુંબઈમાં રહેતા હતા
શૈલેષભાઈ કળથીયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણિયા ગામના વતની છે. વરાછાના ચીકુવાડી વિસ્તારની હરીકુંજ સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. તેઓ 7 વર્ષથી મુંબઇમાં જ રહેતા હતા અને મુંબઇની એસબીઆઇ બેન્કમાં નોકરી કરતા હતા.પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ SBIમાં કામ કરતા હતા.
44 વર્ષીય શૈલેશભાઇ તેમની પત્ની શિતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઇથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમ્યાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મીની સ્વીત્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા.
