Columns

140 ચોરસ માઇલનું ક્ષેત્રફળ ધરાવતી ગાઝાપટ્ટીનો લોહિયાળ ઇતિહાસ

એક બાજુ ભૂમધ્ય સમુદ્ર અને બીજી બાજુ ઇઝરાયલ જેવો દુશ્મન ધરાવતી ગાઝાપટ્ટી આજકાલ સમાચારોમાં ચમકી રહી છે. ગાઝામાં રાજ કરી રહેલું હમાસ આતંકવાદી સંગઠન ગણાય છે. હમાસ દ્વારા રોજ સેંકડોની સંખ્યામાં મિઝાઇલ ઇઝરાયલ પર છોડવામાં આવી રહ્યાં છે. ઇઝરાયલનું લશ્કર ગાઝાપટ્ટીની સરહદે પહોંચી ગયું છે. તે ગમે ત્યારે ગાઝાપટ્ટીમાં પ્રવેશી શકે છે. ઇઝરાયલના વડા પ્રધાન નેતાન્યુએ કહી દીધું છે કે તેઓ ગાઝાને ઇઝરાયલમાં જોડી દેતાં અચકાશે નહીં. સંયુક્ત રાષ્ટ્રસંઘ ઇઝરાયલની આ દાદાગીરી મૂંગા મોંઢે સહન કરી
રહ્યું છે.

ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે આવેલી સાંકડી ગાઝાપટ્ટી યહૂદીઓ અને આરબો વચ્ચેના સાત દાયકાના સંઘર્ષનું સ્થાન બની ગઈ છે. ૧૯૪૮ માં ઇઝરાયલનું સર્જન થયું તે પહેલાં વેસ્ટ બેન્ક અને ગાઝા સહિતનો વિસ્તાર પેલેસ્ટિન તરીકે જ ઓળખાતો હતો. તેની બહુમતી વસતિ આરબ મુસ્લિમોની હતી. ૧૯૪૮ ની ૧૪ મી મે ના રોજ સત્તાવાર રીતે ઇઝરાયલની ઘોષણા કરવામાં આવી હતી. બે હજાર વર્ષ પછી વિશ્વમાં પહેલી વાર યહૂદી રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું હતું. ઇઝરાયલનું સર્જન થયું તેના બીજા દિવસે ઇઝરાયલ અને પાંચ મુસ્લિમ દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. તેમાં એક બાજુ ઇજિપ્ત, જોર્ડન, સીરિયા, ઇરાક અને લેબેનોન જેવા દેશો હતા તો બીજી બાજુ ઇઝરાયલ હતું. આ લડાઇને અંતે ગાઝાપટ્ટી પર શાસન કરવાનો અધિકાર ઇજિપ્તને મળ્યો હતો.

૧૯૪૮ ના યુદ્ધના પરિણામે ઇઝરાયલમાં હજારો વર્ષોથી રહેતાં સાત લાખ જેટલાં મુસ્લિમોને પોતાની માતૃભૂમિ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તેમાંનાં હજારો ગાઝાપટ્ટીમાં શરણાર્થી તરીકે વસ્યા હતા. તેમને ક્યાંય પણ જવું હોય તો ઇઝરાયલ કે ઇજિપ્તની દયા પર જવું પડતું હતું. આજે ગાઝાપટ્ટીના ૪૦ કિલોમીટર લંબાઈ અને ૬ કિલોમીટર પહોળાઈના ક્ષેત્રમાં જે ૨૦ લાખ લોકો વસે છે તેમાંના ૫૦ ટકા લોકો તો આજે પણ શરણાર્થી માટેની છાવણીમાં વસે છે.

ઇ.સ. ૧૯૪૯ થી ૧૯૬૭ દરમિયાન ગાઝાપટ્ટીનો વિસ્તાર ઇજિપ્તના લશ્કરી શાસન હેઠળ હતો. તેની મોટા ભાગની વસતિ રિફ્યૂજી કેમ્પમાં રહેતી હતી. તેઓ ભીષણ ગરીબીમાં જીવતાં હતાં. ઇજિપ્તે તેમને નાગરિકતાના અધિકારો આપ્યા નહોતા. તેમને કોઈ બીજા મુસ્લિમ દેશમાં જવાની પણ છૂટ આપવામાં આવતી નહોતી. ઇઝરાયલે તેમને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ઇઝરાયલમાં તેમની જે બાપદાદાની સંપત્તિ હતી તેનું પણ તેમને કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું. ગાઝાપટ્ટીના મોટા ભાગના યુવાનો ફિદાયીન બની ગયા હતા. ૧૯૫૬ માં ઇઝરાયલે હુમલો કરીને ગાઝાપટ્ટીનો કબજો લઈ લીધો હતો, પણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને ૧૯૫૭ માં કરાર કરવામાં આવ્યા હતા અને કબજો પાછો ઇજિપ્તને સોંપવામાં આવ્યો હતો.

૧૯૬૭ માં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ફરી લડાઈ થઈ હતી, જે ૬ દિવસ ચાલી હતી. આ લડાઈ દરમિયાન ઇઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર પોતાનો કબજો જમાવ્યો હતો. આ કબજો ૨૫ વર્ષ સુધી રહ્યો હતો. ૧૯૮૭ માં ગાઝાપટ્ટીનો કબજો ધરાવતા ઇઝરાયલી લશ્કર અને સ્થાનિક નાગરિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેને ઇન્તિફદા તરીકે ઓળખાવવામાં આવે છે. ૧૯૯૪ માં ઇઝરાયલે ઓસ્લો કરાર કરીને ગાઝાપટ્ટીનો કબજો પેલેસ્ટિન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (પીએલઓ) ને સોંપી દીધો હતો. તેના વડા યાસર અરાફત હતા. તેમને પણ ગાઝાપટ્ટી પર શાસન કરવામાં મુશ્કેલી પડી હતી, કારણ કે તેના લોકો ગરીબીથી પીડાતાં હતાં. આ દરમિયાન હમાસનો જન્મ થયો હતો જેના યુવાનો આતંકવાદના રવાડે ચડી ગયા હતા. દરમિયાન ઇઝરાયલે પોતાના યહૂદી નાગરિકોને ગાઝાપટ્ટીમાં કબજો જમાવવા માટે વસાવવાના પ્રયાસો પણ કર્યા હતા.

ઇ.સ. ૨૦૦૦ માં ગાઝાપટ્ટીમાં ફરી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનો ત્રણ વર્ષ સુધી ચાલ્યાં હતાં. પેલેસ્ટિન સરકાર અને ઇઝરાયલ વચ્ચે ચાલતી શાંતિમંત્રણા બિલકુલ ભાંગી પડી હતી. તેને બીજા ઇન્તિફદા તરીકે ઓળખવામાં આવે છે. યાસર અરાફતના મરણ પછી પેલેસ્ટિની ગેરિલા પણ શાંતિપ્રક્રિયામાં સામેલ થવા તૈયાર થયા હતા. જગતના ઘણા દેશો દ્વારા પેલેસ્ટિની સરકારને માન્યતા પણ આપવામાં આવી હતી. ૨૦૦૩ માં ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન એરિયલ શેરોને શાંતિ સ્થાપવા માટે ગાઝાપટ્ટીમાંથી ઇઝરાયલી લશ્કરને પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ૨૦૦૫ માં ઇઝરાયલે ગાઝાપટ્ટીમાંથી લશ્કર પાછું ખેંચી લીધું હતું. ગાઝાપટ્ટીનો કબજો ફરીથી પેલેસ્ટિન સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. ગાઝાપટ્ટીમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી.

૨૦૦૬ માં પેલેસ્ટિનમાં સંસદીય ચૂંટણી થઈ હતી. તેમાં ૧૯૫૦ થી શાસન કરી રહેલા ફતાહ નામના પક્ષને હરાવીને હમાસ જૂથ બહુમતીથી ચૂંટાયું હતું. પેલેસ્ટિનના લોકો ફતાહના ભ્રષ્ટ શાસનથી કંટાળી ગયા હતા. તેમણે હમાસને શાસન સોંપ્યું હતું. તેને કારણે ઇઝરાયલને ટેન્શન થઈ ગયું હતું, કારણ કે તે હમાસને આતંકવાદી ગણતું હતું. ઇઝરાયલ ઉપરાંત યુરોપિયન યુનિયને અને યુનોએ પણ પેલેસ્ટિન સરકાર પર પ્રતિબંધો લાદ્યાં હતાં. ૨૦૦૭ માં ફતાહ અને હમાસ વચ્ચે લડાઇ ફાટી નીકળી. હમાસે ગાઝાપટ્ટી કબજે કરી તો ફતાહના હાથમાં વેસ્ટ બેન્ક રહ્યું. ફતાહ અને હમાસ વચ્ચે સંઘર્ષ થયો તે પછી તેમની વચ્ચે સમાધાન કરાવવા માટે ઘણા પ્રયાસો થયા. ૨૦૧૧ માં કરાર થયો પણ તેનાથી સમાધાન થયું નહીં. ૨૦૧૪ માં બીજો કરાર થયો, જેમાં ગાઝાપટ્ટીનું શાસન પેલેસ્ટિન સરકારને સોંપવાનું અને વડા પ્રધાન તરીકે રામી હમદલ્લાને માન્ય રાખવાનું નક્કી થયું. ગાઝાપટ્ટીની હમાસ સરકારે રાજીનામું આપ્યું. તો પણ તેણે ગાઝા પટ્ટીનું સંપૂર્ણ શાસન પેલેસ્ટિનને સોંપ્યું નહીં. પેલેસ્ટિની સરકારે ગાઝાપટ્ટીને આપવામાં આવતું ભંડોળ બંધ કર્યું. ૨૦૧૮ માં પેલેસ્ટિની વડા પ્રધાન રામી હમદલ્લાને રાજીનામું આપવાની ફરજ પડી.

ગાઝાપટ્ટીના લોકો ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે ફસાઇ ગયા છે. જો ઇઝરાયલ કે ઇજિપ્ત તેમની જમીન પરથી આવશ્યક ચીજો આવવા દે તો જ તેમને તે મળી શકે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જ્યારે જ્યારે સંઘર્ષ થાય છે ત્યારે ગાઝા પટ્ટીના લોકોનો પુરવઠો અટકાવી દેવામાં આવે છે. ૨૦૧૭ માં ઇજિપ્તે થોડા દિવસ માટે ગાઝાની સરહદ ખુલ્લી મૂકી તો ગાઝાનાં હજારો મુસ્લિમો ઇજિપ્તમાં ચાલ્યા ગયાં હતાં અને ત્યાં વસી ગયાં હતાં. ૨૦૧૮ માં ઈઝરાયલ અને હમાસ વચ્ચે થોડા સમય માટે યુદ્ધવિરામ થયો તો ગાઝાનાં લોકો ખરીદી કરવા ઇઝરાયલમાં પહોંચી ગયાં હતાં.

તાજેતરમાં જેરુસલેમમાં આવેલા અલ-ઝારા વિસ્તારમાં વસતાં કેટલાંક મુસ્લિમ પરિવારોને ત્યાંથી ખસેડવાના ઇઝરાયલના પ્રયાસોના પગલે હિંસા ફાટી નીકળી હતી. ઇઝરાયલનો ઇરાદો જેરુસલેમનો સંપૂર્ણ કબજો લઈને તેને ઇઝરાયલની રાજધાની બનાવવાનો છે. જો ઇઝરાયલ જેરુસલેમનો કબજો લેશે તો તેની મુસ્લિમ વસતિ પોતાના દેશમાં પરદેશી થઈ જશે. હમાસ દ્વારા તેના વિરોધમાં ઇઝરાયલ પર રોકેટો વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ ફરી એક વખત ગાઝાપટ્ટી કબજે કરવાની તૈયારી કરી રહ્યું છે. જેરુસલેમને ઇઝરાયલના હાથમાં જતું રોકવા મુસ્લિમ દેશો પ્રતિકાર કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top