Comments

ભાજપે બદલાવું જ પડશે, સત્તાના જોરે સમસ્યાને ઢાંકી ન શકાય, વિપક્ષોને દબાવી ન શકાય

જ્યાં સુધી ઢંકાયેલું રહે ત્યાં સુધી તો બરાબર પણ ઢંકાયેલું કાયમ રહેતું નથી અને ખૂલે ત્યારે ખરી વાસ્તવિકતાઓ બહાર આવવા માંડે છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષ બહુમતિ ન લાવી શકે. એન.ડી. એના સાથી વડે મોદી ફરી વડાપ્રધાન તો થયા પણ તેમની અને તેમના શાષનની મર્યાદા હવે ઢાંકી શકાય તેમ નથી. વડાપ્રધાનની ટેવ છે કે જ્યારે પછડાટ અનુભવાતી હોય ત્યારે ચૂપ થઈ જવું. પણ હવે તેઓ ચૂપ થશે તોય સમસ્યાઓ બોલી ઉઠશે.

હમણાં રાષ્ટ્રીય સ્વયં સેવકના પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદીનું નામ દીધા વિના કહી દીધું કે સુપરમેન બન્યા પછી કેટલાંક લોકો ભગવાન બનવા માંગે છે. તેમણે પોતાની વાત વધારે સ્પષ્ટ શબ્દોમાં લંબાવી અને કહ્યું કે સુપરમેન બન્યા પછી માણસ અટકતો નથી. તેને દેવ બનવાની ઈચ્છા જાગે છે. વડાપ્રધાન મોદી આ બધુ સમજવા જેટલા શાણા છે. સામાન્યપણે તો તેઓ પોતાના વિરોધીઓને તરત પ્રતિક્રિયા આપે પણ સંઘપ્રમુખ કાંઈ રાહુલ ગાંધી નથી એટલે તેઓ ચૂપ રહેશે.

અત્યારે મોદી વિરોધીઓ ખુશ છે અને તેઓ કહેવા લાગ્યા છે કે અમે તો અત્યાર સુધી કહેતા જ હતા કે મોદીમાં ઘણી મર્યાદા છે અને પોતાની સત્તાના બળે વિરોધ અને વિરોધીઓને ગાંઠતા નહોતા. હકીકત એ છે કે કોઈપણ નેતા લાંબા સમય સુધી પોતાની મર્યાદા છૂપાવી ન શકે. વડાપ્રધાનપદનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો અને ઉત્તરપ્રદેશ વિશે સહુથી વધુ રમખાણ મચ્યું છે. માત્ર ઉત્તરપ્રદેશ નહીં જે અન્ય રાજ્યોમાં નજીકના સમયમાં ચૂંટણી થવાની છે ત્યાં મોરચા મંડાયા છે. એ પરિણામો જો ભાજપની તરફેણમાં ન ગયા તો સત્તાપક્ષ પ્રત્યે શરૂ થયેલી નકારાત્મકતા વધતી જશે. રાહુલ ગાંધી તો ગુજરાતમાં આવી કહી ગયા છે કે અમે ગુજરાત જીતીશું. તેમના કહેવાથી ગુજરાત કોંગ્રેસમાં તરત જ કોઈ એવા ફેરફાર નથી આવી જવાનાં કે બધું આવનારી જીતની દિશામાં ગતિ કરવા માંડે. છતાં જો પ્રવાહ પલટાવા માંડે તો લોકો સામે ચાલીને કોંગ્રેસને બેઠી કરશે.

અત્યારે સ્થિતિ એવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવાની છે તેની ય જવાબદારી ભાજપના રાજ્ય પ્રમુખ સી.આર. પાટિલને સોંપવામાં આવી છે. આમ તો તેઓ બે હોદ્દા પર ન રહી શકે પણ ભાજપનું મોવડી મંડળ હમણાં કોઈ નવાને પ્રમુખ બનાવી જોખમ લેવા માંગતું નથી. હકીકત એ પણ છે કે તેમને સી.આર.પાટિલની જગ્યા સોંપવા જેવા સક્ષમ વિકલ્પ દેખાતા નથી. ખરેખર તો નડ્ડાની જગ્યા માટે પણ તેમણે વિકલ્પ વિચારવા પડે તેમ છે, પરંતુ હમણાં કોઈ ફેરફાર માટે બાજપ મોવડી મંડળ એટલે કે મોદી તૈયાર નથી. શું આ પ્રકારની સ્થિતિ તમે વિત્યા દશ વર્ષમાં જોઈ છે?

હવે રાહુલ ગાંધીને પપ્પુ કહી શકાય તેમ નથી. ભાજપના નેતાઓ અત્યારે ઘા ખાય ગયાની દશામાં છે અને રાહુલ ગાંધી જ શું અખિલેશ યાદવ પણ બોલવા લાગ્યા છે. મમતા બેનરજી તો આજ સુધી ય ચૂપ નથી રહ્યા. મહારાષ્ટ્રમાં શરદ પવારની સક્રિયતા ફરી વધી રહી છે. કેન્દ્રમાં સત્તા નબળી પડી છે તે તો પરિણામના આંકડાથી સ્પષ્ટ છે પણ રાજ્યોમાં ય નબળી સ્થિતિ છે પણ રાજ્યોમાં ય નબળી સ્થિતિ ઊભી થઈ રહી છે તે કારણે ભાજપે હવે વધારે સક્રિય બનવું પડશે.

જો તેઓ પોતાની સ્થિતિ સુધારી નહીં શકે તો પાંચ વર્ષ શાસન કરવું મુશ્કેલ થઈ પડશે. પોતાની પાસે સત્તા હોય તો વિપક્ષને કોઈ પણ રીતે દબાવી શકાય એ ખ્યાલ લાંબો ટકે એવો નથી. મોદી આજ સુધી કોંગ્રેસની ભૂતકાળની મર્યાદાઓને બહુ ગજાવતા હતા. હજુ પણ એ અભિગમ ચાલુ જ છે અને કટોકટીના દિવસને દેશના મોટા દાગ તરીકે સતત ગણાવ્યા કરે છે. હકીકતે લોકો ઇમરજન્સીને યાદ નથી કરતા પણ ભાજપ સતત યાદ કરાવ્યા કરે છે.

ઘણા એમ માને છે કે વર્તમાન સરકાર સ્વયં અઘોષિત કટોકટી પ્રકારનું વર્તે છે એટલે તેના વિશે વિપક્ષ કાંઇ બોલે નહીં એટલા માટે તે કોંગ્રેસની કટોકટી યાદ દેવડાવે છે. શું એ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરવો જોઇએ? 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવો જોઇએ? 1975થી આજ સુધીમાં 49 વર્ષ વિતી ગયા છે. આ વર્ષોમાં ફરી ઇન્દિરા ગાંધી સહિત કુલ 13 વડાપ્રધાનોની સરકાર આવી ચુકી છે અને તે દરમ્યાન આવા કોઇ દિવસ મનાવવા વિશે દરખાસ્ત નથી આવી. કોંગ્રેસ પર પ્રહાર કરતા રહેવા માટે ભૂતકાળના અમુક ભાગને જાગતો રાખવામાં આવે છે.

હવે આ પ્રકારના રાજકારણને બાજુ પર મુકી વડાપ્રધાને પોતાના પક્ષ અને પોતે દેશના વિકાસની જે વાત ખૂબ કરે છે તે દેખાડી આપે. કોઇ પણ પક્ષનું શાષન હોય અમુક વર્ષો પછી તેની મર્યાદા બહાર આવવા જ માંડે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ પાસે અત્યારે સમય છે અને ધારે તો ઘણું કરી શકે તેમ છે. વડાપ્રધાન મોદી નિર્ણાયક કાર્યો કરી શકે છે ને ધાર્યા પરિણામો લાવી શકે છે. દેશમાં તેમણે દશ વર્ષમાં ઘણું એવું કર્યું છે જે વ્યાપક પરિવર્તન તરીકે ગણાશે, પણ એ પરિવર્તન દરમ્યાન ‘અમને જ આવડે છે’ જેવો ઘમંડ દેખાયો તે ખરાબ છે. લોકોનું અમે ન જ સાંભળીશું એવું વલણ પણ નુકસાન કર્તા છે.

અનેક વખતે સુપ્રીમ કોર્ટે સરકારી મામલામાં વચ્ચે પડવું પડે છે. અત્યારે નીટના મામલે પણ સુપ્રીમ કોર્ટે આદેશ બહાર પાડવા પડયા છે તે સરકારના શિક્ષણ મંત્રાલયની નામોશી ગણાવી જોઇએ. કેજરીવાલ મામલે પણ કોર્ટનો આદેશને માનવો પડે તો સરકારે તેને નામોશી જ ગણવી પડશે હેમંત સોરેનની ફરી મુખ્યમંત્રી થઈ ગયા તે પણ એ જ સૂચવે છે. વિત્યા દશ વર્ષમાં સરકારના કયા કયા નિર્ણયોમાં અદાલતે હુકમ આપી ન્યાય અપાવવો પડયો તેની વિગત તપાસો તો ખ્યાલ આવશે કે સરકાર ઘણી વાર સત્તાના જોરે જે કરવા માંગે છે તેમાં અન્યાયી પ્રક્રિયા ઘટે છે. આ બધું બદલાવું જરૂરી છે. સો વાતની એક વાત વિત્યા દશ વર્ષમાં ભાજપે જે રીતે સત્તા ભોગવી તે હવે ભોગવી શકે તેમ નથી. તેમણે બદલાવું તો પડશે જ.
હરેન્દ્ર ભટ્ટ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top