USAમાં હાલમાં મધ્ય સત્રની ચૂંટણી ચાલી રહી છે. ભલે આપણે મેચની ચિંતા કરતા હોઇએ પણ USની ચૂંટણી આખી દુનિયા માટે એક અગત્યનું જોણું તો છે જ. એમાં ય વળી કૉવિડ-19ની કટોકટી અને 6 જાન્યુઆરી 2021 માં US કેપિટલ પરના હુમલા પછી USમાં આ પહેલી ચૂંટણી છે. મધ્ય સત્રની ચૂંટણી શરૂ થઇ તે પહેલાં અટકળો શરૂ થઇ જાય તે સ્વાભાવિક છે. મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દેખાવ નબળો હશે અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ તથા સેનેટ પર રિપબ્લિકન્સનો કાબૂ હશે એ પ્રકારની ચર્ચાઓ પણ છેડાઇ. આ સાથે સૌથી મોટી અટકળ પર વાત શરૂ થઇ કે શું વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી શક્ય છે?
ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને ગમે કે ન ગમે–વાસ્તવિકતા એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં તે એક અગત્યનો ચહેરો તો છે જ. રિપબ્લિકન પાર્ટીને જો પ્રમુખપદ માટે ઉમેદવાર જાહેર કરવાનો આવે તો પૂરી શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જ જાહેર થાય. જો કે મંગળવારે જ્યોર્જિયા, ન્યૂ હેમિસ્ફિયરના પરિણામો પછી ટ્રમ્પનું કદ રિપબ્લિકન પાર્ટીમાં જરા ઘટ્યું છે ખરું. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે મધ્ય સત્રની ચૂંટણીમાં ઝુકાવ ભલે વ્હાઇટ હાઉસમાં બેઠેલાના વિરોધમાં હોય પણ જ્યારે પ્રમુખપદ માટે ચૂંટણી થશે ત્યારે આવું નહીં જ હોય. આમ પણ પારંપારિક રીતે જે પક્ષ સત્તા પર હોય તેને મધ્ય સત્રની ચૂંટણીમાં જરા પાછીપાની કરવાનો જ વારો આવે છે કારણ કે લોકો તેમના વિરોધમાં મત આપીને પોતાનો રોષ અને અસંતોષ જાહેર કરે છે.
ટ્રમ્પને હવે પહેલાં જેટલો બહોળો મજબૂત ટેકો મળવાનો નથી. છતાંય અમુક વિશેષજ્ઞોએ એવી ધારણાઓ કરીને પોતાની ટિપ્પણીઓ આપી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફરે તો શું થાય? પહેલાંય ટ્રમ્પે અણધારી જીત મેળવી છે અને માટે ભલે તેમના તરફી ઝુકાવ કે ટેકો ઓછા હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પને તદ્દન નકારી કાઢવાની ચૂક US રાજકારણમાં અત્યારના તબક્કે કોઇ કરવા નથી માંગતું. જો બિડનના અપ્રુવલ રેટિંગ્ઝ સાવ નીચે છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક સાથે 3 ઇલેક્શનમાં હાર કોટે વળગાડી છે. USના રાજકારણમાં ટ્રમ્પ તરફીઓમાંના કેટલાકને ગવર્નરપદ માટે ટ્રમ્પે પસંદ કરેલા ઉમેદવારો સામે વાંધો છે કારણ કે એ ઉમેદવારો પ્રાઇમરી ચૂંટણીમાં તો જીતી ગયા પણ જનરલ ઇલેક્શનમાં કંઇ ખાસ ઉકાળી ન શક્યા.
આ તરફ ટ્રમ્પે પોતાનો કક્કો ખરો કરવામાં કંઇ બાકી ન રાખ્યું – મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળા હિસાબે જાહેરમાં તો એમ જ કહ્યું કે ભલે ગઇકાલની ચૂંટણી નાસીપાસ કરે તેવી હતી પણ મારે માટે 219 વિન્સ અને 16 હાર જરાય ઓછી નથી. ટ્રમ્પ સાહેબ ટ્વીટર પર તો છે નહીં એટલે આ વાત તેમણે ટ્રુથ સોશ્યલ નેટવર્ક પર લખી હતી. જો કે અમેરિકામાં હાલમાં બ્રાન્ડ ટ્રમ્પને બહુ વધારે માન-મરતબો આમેય નથી મળતો.
ટ્રમ્પને મધ્ય સત્રની ચૂંટણી પહેલાં પૂછવામાં આવ્યું કે જો આ પરિણામો રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં હોય તો એમને કેટલી વાહવાહી મળવી જોઇએ? તો તેમનો જવાબ હતો કે બધી જ ક્રેડિટ તેમને જ મળવી જોઇએ, વળી ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, જો એ લોકો હારી જાય તો એમણે તેમનો વાંક ન કાઢવો. કાંટો આવે તો હું જીતું અને છાપ આવે તો તમે હારો વાળું ટ્રમ્પનું ગણિત કોઇનેય આંખમાં ખૂંચે એવું તો છે જ. મીડિયા ટાયકુન રૂપર્ડ મર્ડોકનો ટેકો ટ્રમ્પને માટે હવે રહ્યો નથી. તેમના માધ્યમો પર ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ‘લૂઝર’ ગણાવી દેવાયા છે, વળી જે રાજકારણીઓને ટ્રમ્પે ટેકો આપ્યો તે બધા હારને રસ્તે હતા એવું પણ કહેવાયું.
આ બધી તો USAના આંતરિક અભિપ્રાયો અને ગમા-અણગમાની વાત છે. પરંતુ જો ટ્રમ્પ ફરી USAના પ્રમુખ બને તો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ તેનો ઘેરો પ્રભાવ પડે. ખાસ કરીને ક્વૉડ દેશોના સંબંધે જાપાન અને ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં બાકીના રાષ્ટ્રો એક સરખા ઝુકાવવાળા એટલે કે જમણેરી હોય. હવે ઘર ભણી નજર કરીએ તો ભારતે તો રિપબ્લિકન સાથે પણ સારું રાખ્યું છે અને ડેમોક્રેટ્સ સાથે પણ દિલ્હી ઑફિસની દોસ્તી સારી જ રહી છે. આવું હોય ત્યારે ભારતને અમેરિકાના પ્રમુખ તરીકે કોણ આવે છે તેનાથી બહુ ફેર કદાચ પડે. US અને ભારતના સંબંધો બન્ને પક્ષો માટે અગત્યના રહ્યા છે. મધ્ય સત્રની ચૂંટણીનો કોઇ સીધો પ્રભાવ ભારત–USના સંબંધો પર ન પડે. ભારત માટે USના પ્રમુખપદે કોણ બેઠું છે,
નો પ્રશ્ન ત્યારે જ જરૂરી બને જ્યારે ‘સિવિલ ન્યૂક્લિયર કોર્પોરેશન’ જેવા મોટા નિર્ણયો લેવાતા હોય.