“ઉત્તમ” ક્યારેય સરળતાથી હાથ ના લાગે જે સરળતાથી હાથ લાગે એ ઉત્તમ ન પણ હોય.શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નોને કામે લગાડવા પડે. છબછબિયાં કરવાથી કદી મોતી ન જડે, એના માટે ડૂબકી મારવી પડે. મરજીવાને જ “મરજી” મુજબનું મળે.પુરુષાર્થના પારસમણિથી જ “સોનું” પ્રાપ્ત થાય. લોઢાને ગમે એટલું ટીપો એ કદી સોનું ન બને. સતત પાછળ જોયા કરતો માણસ “આગળ” નથી વધી શકતો. ધાર્યું થાય એના માટે ધ્યેય નક્કી રાખવું પડે. અર્જુન જેવું “લક્ષ્ય” હોય તો જ દ્રૌપદી પ્રાપ્ત થાય. એકાંત અને એકાગ્રતાના ખોળે જ “ઉત્તમ સર્જન” નો જન્મ થતો હોય છે. સર્જનને શ્રેષ્ઠ બનાવવા માટે બીજું બધું વિસર્જીત કરવું પડે. પથ્થર કેટલાય ટાંચણાં સહન કરે ત્યારે એક મૂર્તિનું નિર્માણ થતું હોય છે, એમ જીવન કેટલાય સંઘર્ષમાંથી પસાર થાય ત્યારે સુખ નામના પ્રદેશમાં પ્રવેશી શકે છે.
જીવન ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતું. જે સીધું હોય છે એ સાધારણ હોય છે. ઉતાર ચઢાવ એ જિંદગીના પડાવ છે. સીધું ચાલવામાં હાંફ ન ચઢે, ઊંચે ચઢવામાં જ હાંફ ચઢે. એમ જીવન માટે કશુંક હાંસલ કરીએ ત્યારે જ હાંફ ચઢે. પોપટ ક્યારેય પિંજરામાં પૂરાઈને પાંખ ફેલાવી ના શકે, ઉલ્ટા ઊડવાનું ભૂલી જાય એવું ય બને એમ comfort zone ક્યારેય વિકસવા ના દે. સમુદ્ર ખૂંદવાની ખેવના રાખનાર ક્યારેય ઉછળતા મોજાથી ડરતા નથી હોતાં. કિનારે બેસીને તરતાં ના શીખાય. તરવું હોય તો પાણીમાં પડવું પડે અને મોતી જોઈએ તો ડૂબકી મારવી પડે. અસાધારણ માણસો કેડી કંડારતા હોય છે અને એ કેડી પર સાધારણ માણસો ચાલતા હોય છે. જીવી ખાવું છે કે “જીવી” જવું છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈકે સરસ કહ્યું છે કે…. ના આભમાં કે ના સમુદ્રમાં, ક્યાંય કેડી નથી, એનો મતલબ એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બહુ ચાલે તે થોડા માટે
દસ દસ લીગ મેચ જીતીને વાજતે ગાજતે વરઘોડે ચઢેલી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયન સામે ઢગલો થઈ ગઈ. દશેરાને દિવસે જ ઘોડું ન દોડ્યું. શરૂઆતથી જ દરેક બેટ્સમેનની બૉડી લેંગ્વેજ શરણાગતિવાળી દેખાય. જે રેગ્યુલર બોલર ન હતાં એવા મેક્સવેલ,હેડ અને માર્શની ઑવરમાં પણ ડીફેન્સીવ અભિગમ !? હેડ અને માર્શને માથે ચડાવ્યો ને મેચની પકડ ગુમાવી.આખું ભારત જીતના કેફમાં એડવાન્સમાં જ જશ્ન મનાવી રહ્યું હતું. 50 ઓવરની આખી મેચ દરમ્યાન હરીફ ટીમનો એવો કોઈ બોલર ઘાતક લાગતો ન હતો,છતાં ભારતીય બેટ્સમેનોને તેમને સન્માન આપવાનો શું અભરખો જાગ્યો કે ઘૂંટણિયા ટેકવી દીધા!
ટેલેન્ટથી ભરપૂર તમામ ભારતીય ખેલાડીઓ હતા,સ્વીકારવું પડે,છતાં કોઈ પણ બેટ્સમેન હિંમત કરી મોટા શોટ્સ ન રમ્યા.પ્રેક્ષકો આવનાર બેટ્સમેન ફોર કે સીક્સ મારશેની આશામાં બેસી રહ્યા અને આક્રમક અભિગમને બદલે સ્વયં પ્રેશર લેતા રહ્યા.સામેથી વિકેટની ભેટ આપતા રહ્યા. સૂર્યકુમાર નામનું વાવાઝોડું પણ ન ફૂંકાયુ! સળંગ સ્લૉ બાઉન્સર ફેંકાતા રહ્યા ને સાવ નવા નિશાળિયાની માફક સૂર્યા હૂક શોટ્સ માટે હવામાં બેટ વિંઝતો રહ્યો.અંતે ફેન્સને નિરાશ,હતાશ કરવામાં સફળ રહ્યો! હરીફ ટીમ ભારત પર હાવી થતી રહી. પ્લાન પ્રમાણે અમલ કરતા રહ્યા.કરોડો ભારતીય ફેન્સને નિરાશ કરવામાં ટીમે કોઈ કસર ન છોડી. ઓસ્ટ્રેલિયા જેવી આક્રમક ટીમને સામાન્ય ટાર્ગેટ આપ્યો. જે ટીમે ફિલ્ડિંગમાં 30થી વધુ રન રોક્યા તે ટીમને હરાવીશુંની આશામાં પ્રેક્ષકો બેસી રહ્યાં બોલરો જીતાડશે એવા ચમત્કારની ઉમ્મીદ સાથે, પણ ન હતો ફાઈટીંગ સ્કોર કે ન હતી ફાઈટીંગ સ્પીરીટ! બોલર્સ પણ ત્રણ વિકેટ લઈ પાણીમાં બેસી ગયા.ઓસ્ટ્રેલિયન ટીમ તમામ ક્ષેત્રે હાવી રહી,હેડે આક્રમક અંદાજમાં 137 રન બનાવીને ભારતને કચડી નાંખ્યુ.છ વિકેટે કારમી હાર સાથે બધી જ આગાહી ખોટી સાબિત થઈ.
સુરત – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.