SURAT

વંદના ભટ્ટાચાર્ય અને મિતિષ મોદીએ ફોર્મ પાછું ખેંચી લેતા ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2024-25ના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. માજી પ્રમુખોના જૂથનાં નારાજ ઉમેદવાર ડો.બંદના અજોય ભટ્ટાચાર્યએ ગુરુવારે ઉદ્યોગ જગતના આગેવાનોની સમજાવટને પગલે માજી પ્રમુખોના જૂથના ઉમેદવાર નિખિલ મદ્રાસીની તરફેણમાં દાવેદારી પરત ખેંચી હોવાની જાણ ચૂંટણી કમિટીને કરી હતી.

  • કાપડ માર્કેટ્સના સમર્થનથી ચૂંટણી લડી રહેલાં બંદના ભટ્ટાચાર્ય નિખિલ મદ્રાસીના સમર્થનમાં ખસી ગયાં
  • પ્રાંતવાદથી નારાજ સીએ મિતિષ મોદીનો ચૂંટણી લડવા ઈનકાર, દાવેદારી પરત ખેંચશે

દરમિયાન ચેમ્બરમાં ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રાંત, પ્રદેશવાદ પર જતાં નારાજગી સાથે સીએ મિતિષ મોદીએ કોઈપણ ઉમેદવારની તરફેણ કર્યા વિના તટસ્થ રીતે દાવેદારી પરત ખેંચવાની વાત કરી ગુરુવારે પોતાના સમર્થકો સાથે બેઠક યોજી ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ સંભવતઃ આવતીકાલે પોતાની દાવેદારી વિધિવત ખેંચી લેશે એવું જાણવા મળ્યું છે. જો કે, તેમનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કાલે બધા ટેકેદારોને વિશ્વાસમાં લઈ નિર્ણય લઈશ.

દરમિયાન ટેક્સટાઈલ જગતના અગ્રણીઓ સાવરમલ બુધિયા, પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના ચેરમેન કમલવિજય તુલશ્યાન, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સુનીલ જૈન, ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ, ઓફિસર જીમખાનાના સેક્રેટરી અશોક મહેતા, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો ભરતભાઈ ગાંધી, રાજેન્દ્રભાઈ ચોખાવાલા, પ્રફુલભાઈ શાહ, અશોકભાઈ શાહ, ડો.અજોય ભટ્ટાચાર્ય, સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન અને સચિન જી.આઈ.ડી.સી.ના સેક્રેટરી મયૂર ગોળવાલા અને ઉદ્યોગપતિ મયૂરભાઈ ચેવલીની ઉપસ્થિતિમાં બંધબારણે બેઠક યોજાઇ હતી.

આ બેઠક પછી ચેમ્બરના સર્વાંગી વિકાસનાં હિતમાં ડો.બંદના ભટ્ટાચાર્યએ પોતાની ઉમેદવારી નિખિલ મદ્રાસીના સમર્થનમાં પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ચૂંટણી સૌરાષ્ટ્રવાસી વિરુદ્ધ સુરતીઓની બનતાં બંને ઉમેદવાર વચ્ચે ટક્કર રહેશે
ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણી સૌરાષ્ટ્રવાસી વિરુદ્ધ સુરતીઓની બનવા તરફ જઈ રહી હોવાથી બંને ઉમેદવાર વચ્ચે ટક્કર રહેશે. માજી પ્રમુખોના જૂથની સક્રિયતાને લીધે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ગરમાટો આવ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રવાસી ઉમેદવારની તરફેણમાં પણ આખી આઇટી ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્રવાસી વિવર્સ સક્રિય જણાયા છે.

મિતિષ મોદી અને બંદના ભટ્ટાચાર્યની દાવેદારી પરત લેવાની જાહેરાતથી માજી પ્રમુખોના જૂથનું માનવું છે કે, મત વિભાજન અટકશે. એનો દેખીતો લાભ હવે મનીષ કાપડિયાને નહીં મળી શકે. ચેમ્બરના 11,900 સભ્યમાંથી 9,000 સભ્ય જ ચેમ્બર સાથે કોઇક ને કોઇક પ્રસંગે સંપર્કમાં આવ્યા છે. મોટી સંખ્યામાં જે મતદાર જીવંત રહ્યા નથી એમનાં નામો પણ યાદીમાંથી કમી થયાં નથી.

ચેમ્બરના કુલ સભ્યોમાં 4000 સૌરાષ્ટ્રવાસી અને ઉત્તર ગુજરાતના મતદાર નિર્ણાયક છે. રાજસ્થાની, પંજાબી, હરિયાણવી મતદારોની સંખ્યા 1200 જેટલી છે. એ પછી 1000 મોઢ વણિક, 800 જૈન સમાજ, 400 ખત્રી સમાજ, 400 મુસ્લિમ સમાજ, 400 અનાવિલ સમાજ, 200 રાણા સમાજ તથા ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈષ્ણવ, સિંધી, પારસી, ક્રિશ્ચિયન સમાજના કુલ 900 જેટલા મતદાર છે. ઉનાળાની ગરમીમાં ચૂંટણીનો ગરમાટો જોતાં 4500થી વધુ મતદાન થાય એવી શક્યતા જોવાઇ રહી છે. બંને ઉમેદવાર જનસંપર્કમાં સમકક્ષ હોવાથી 40 ટકા જેટલું કુલ મતદાન થવાનો અંદાજ છે.

….box……..
સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રવાસી મતદારો અંગે ટિપ્પણી થતાં મામલો ગરમાયો
ચેમ્બરમાં ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં મેનેજિંગ કમિટીના કેટલાક સુરતી સભ્યોએ સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રવાસી મતદારો અંગે ટિપ્પણી કરતાં મામલો ગરમાયો છે. સુરત ડાયમંડ એસોસિએશનની મળેલી સૌરાષ્ટ્રવાસી સભ્યોની મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રવાસીઓ અંગે સુરતી સભ્યોની આવી હીન લાગણી હોય તો ઉમેદવાર મનીષ કાપડિયા ભલે હારી જાય, પણ એકવાર દમ લગાવી ચૂંટણી લડી લેવાની અને 4000 મત ચૂંટણી જીતવા ઓછા ન હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top