Business

ચીન અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બનવાની જંગ, ભારતીય શેરબજારને અસર કરશે?

વિશ્વિક સંકેતો ભારતીય શેરબજારની ચાલ નક્કી કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના અવિરત ચાલી રહેલા જંગ બાદ ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવ થવાની સંભાવના ઉભી થઇ છે, જે પણ બજારમાં નવી સમસ્યા સર્જી શકે છે. હાલમાં વૈશ્વિક નકારાત્મક સંકેતોની પાછળ ભારતીય શેરબજારમાં બેઉતરફી વધઘટે નરમાઇનું વલણ શરૂ થયું છે, જે આવનારા સપ્તાહમાં હજુય ચાલુ રહે તેવી પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.

આમ, રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ હજુય પુરી થઇ નથી, ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે રાજકીય તેમજ ઔદ્યોગિક હરિફાઇ શરૂ થઇ ગઇ છે. અમેરિકામાં મિડ ટર્મ ચુંટણીને લઇને બાઇડન માટે ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સર્વશ્રેષ્ઠ રહેવા માટે કેટલાક પગલા ભર્યા છે પરંતુ હજુય વધુ આક્રમક પગલાં ભરશે, તેવા નિર્દેશ જોવા મળી રહ્યા છે. જેની સીધી અસર વૈશ્વિક બજારો ઉપર જોવા મળશે. જોકે, ચીન માટે યુવાનોમાં વધી રહેલા બેકારીની સમસ્યા દુર કરવા માટે પણ પગલાં ભરવા પડશે, જે આર્થિક મંદીના ઉમરે ઉભા છે, ત્યારે આ ચિંતા વધુ સતાવી રહી છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોલોજીને લઇને સર્વશ્રેષ્ઠની દોડ શરૂ થઇ છે, જે દુનિયાના બીજા મોટા બજારોમાં મુશ્કેલી સર્જી શકે છે. હકીકતમાં બાઇડન સરકારે ચીન ઉપર આર્થિક નિર્ભરતા ઘટાડવા માટે કેટલાક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. અમેરિકાના ઘરેલું સપ્લાય ચેઇનને સુરક્ષા આપવા તેમજ ઇન્ડસ્ટ્રીયલ સુપીરીયારીટીને મજબુત બનાવવા માટે તાત્કાલિક કટેલાક પગલાં લીધા છે, જેના લીધે ચીનની કંપનીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે અને તેના પરિણામે ચીનની બાયોટેકથી લઇને ઇલેકટ્રીક વાહનો સુધીની પ્રમુખ કંપનીઓના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ચાલુ મહિને ચીનનો એમએસએમઇ ઇન્ડેક્સ 7 ટકાથી વધુ તુટી ચુકયો છે, જ્યારે વૈશ્વિક બજારો અઢી ટકા જેટલા તુટયા છે.

રોકાણકારોને એ ચિંતા છે કે રશિયા અને તાઇવાનને લઇને બીજીંગના રૂખને જોતા તણાવ વધવાની શકયતા છે અને તેની સીધી અસર આર્થિક સ્થિતિ ઉપર પડી શકે છે. રાષ્ટ્રપતિ શી જીનપીંગની રશિયાના રાષ્ટ્રપતિની સાથે મીટીંગ ઉપર ટ્રેડર્સની નજર રહી છે. જેમાં અમેરિકાના પ્રતિબંધો માટેનો આધાર મળી શકે છે. કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, 2022માં અમેરિકાની સાથે ચીનના સંબંધ પડકારજનક રહેશે અને જીયો પોલીટીકલ જોખમ ચાલુ રહેશે. જેનું કારણ એ છે કે, બંને દેશો એક બીજાને હરિફના રૂપમાં જોઇ રહ્યા છે. જેથી ડિફેન્સીવ તથા પોલીસીથી થનારા ફાયદા મળનારી કંપનીઓ ઉપર ફોકસ કરવું જોઇએ. જેમાં જીયો પોલીટીકલ જોખમ ઉપર શેરોથી દુર રહેવું જોઇએ.

બીજું એક કારણ એ પણ છે જે આવનારા મહિનાઓમાં જો બાઇડન અને શી વચ્ચે મોટી રાજનૈતિક પરિક્ષામાંથી પસાર થવાની જરૂરત છે. અમેરિકામાં મિડટર્મ ચુંટણી થનારી છે અને ચીનમાં કોમ્યુનીસ્ટ પાર્ટી કોંગ્રેસ થવાની છે. જેથી અમેરિકી અભિયાનમાં ચીનને લઇને ભારે હંગામો થઇ શકે છે, જેના લીધે શેરબજારમાં ચઢઉતર થઇ શકે છે. બીજી તરફ, કોરોના દરમ્યાન લોકડાઉન અને બાદમાં ઝીરો કોવિડ અભિયાન અંતર્ગત ચીનમાં ઔદ્યોગિક સેકટરમાં દબાણ જોવા મળ્યું હતું અને પ્રોડકશન સહિતના ડેટા નરમ પડતા જોવા મળ્યા છે. આ દરમ્યાન ચીનમાં ઓગસ્ટ મહિનામાં 16થી 24 વર્ષની ઉંમરના યુવાનોમાં બેરોજગારી દર 18.7 ટકાનો જોવા મળ્યો છે. જે જુલાઇમાં 20 ટકાના વિક્રમી સ્તર પર પહોંચી ગયો હતો. જેમાં ઓગસ્ટમાં થોડીક રાહત મળી હતી.

જોકે, ગ્લોબલ ટાઇમ્સના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટીકસના ડેટા અનુસાર નેશનલ અર્બન સર્વિસ એમ્પ્લોયમેન્ટ રેટ 5.3 ટકાનો રહ્યો છે. જુલાઇ મહિનાની સરખામણીએ ચીનમાં બેરોજગારી દર ઘટયો છે, પરંતુ આ બેરોજગારી દર પણ ઉંચો હોવાનું જણાવાઇ રહ્યું છે. પ્રથમ વખત ચીનમાં ગ્રેજ્યુએટ યુવાનોની સંખ્યા 10 મીલીયનને પાર કરી શકે છે. જે 2021ની તુલનામાં 1.67 મીલીયન વધુ છે. આમ જુલાઇની વાત કરીએ તો ચીનમાં બેરોજગારી દર સૌથી ઉંચો 20 ટકાનો હતો, જ્યારે જુનમાં 19.3 ટકાનો હતો અને મેમાં 18.4 ટકાનો હતો. જોકે, ઓગસ્ટમાં 18.7 ટકા રહ્યો છે.

Most Popular

To Top