SURAT

ઈલેક્ટ્રીક બાઈકની બેટરીની લાઈફ વધુમાં વધુ આટલા વર્ષની હોય છે!

સુરત: છેલ્લાં પાંચેક વર્ષમાં દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. ઈંધણની વધતી કિંમતોના લીધે લોકો હવે સસ્તા વિકલ્પ ઈલેક્ટ્રીક બાઈક, કાર તરફ વળ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે ખરીદો છે તે ઈલેક્ટ્રીક બાઈકની બેટરીની વધુમાં વધુ લાઈફ કેટલી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ અંગે સમજ આપતો એક સેમિનાર તાજેતરમાં સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કરાયો હતો, જેમાં નિષ્ણાતોએ ઈલેક્ટ્રીક વ્હીકલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું હતું કે, ઇલેકટ્રીક વાહનો વધુ સુલભ અને વ્યાપક બનતા હોવાથી, આપણા બધા માટે વિકાસના આ નવા તબક્કાને અનુકૂલ કરવા માટે સારી રીતે માહિતગાર અને તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

સેમિનારના મુખ્ય વકતા આદિત્ય વિક્રમે જણાવ્યું હતું કે, ઇલેકટ્રીક બાઈકમાં બેટરી સારી હોવી મહત્વની છે. સારી બેટરીની લાઈફ મહત્તમ 8 વર્ષ સુધીની હોય છે. સુરક્ષાને ધ્યાને રાખતાં બેટરી વધુ વજનની રાખવામાં આવે છે. આ વર્ષે 10 લાખ ઇલેકટ્રીક વ્હીકલ્સનું વેચાણ થયું છે. જેને ધ્યાને રાખી સમય બચાવવા માટે કેન્દ્ર સરકાર, દર બે ત્રણ કિલોમીટરના અંતરે ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. તેમણે બેટરીના વિવિધ પ્રકાર અને તેમની ક્ષમતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

એક્સપર્ટ અલ્પેશ પ્રજાપતિએ પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે જણાવ્યું હતું કે, ફાસ્ટ ચાર્જિંગને ધ્યાને રાખી ટાટા પાવરના 15 હજાર ચાર્જિંગ સ્ટેશન સ્થપાયા છે. વર્ષ 2018થી અત્યાર સુધી અનેક સુધારા થયા છે. લોકોમાં એવી માન્યતા છે કે, ઈલેકટ્રીક વ્હીકલ ધીમે ચાલે છે. તેનું પીકઅપ સારું હોતું નથી પણ આ સત્ય નથી. વિવિધ બ્રાન્ડની ઈલેકટ્રીકલ વ્હીકલ્સ હાલમાં લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે. હાલમાં કંપનીઓ પેટ્રોલ–ડીઝલ સેગમેન્ટની જેમ જ ઈલેકટ્રીક કાર, ટુ–વ્હીલરમાં પણ સુવિધાઓ આપી રહી છે અને વધુ સારી રીતે આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.

Most Popular

To Top