સેવાલિયા: સેવાલિયાના કેરોસીનના પરવાનેદારે મામલતદાર કચેરીમાં જમા કરાવેલો બોન્ડ ખોવાઈ ગયો હોવાથી, મામલતદારે અરજદારને ડુપ્લિકેટ બોન્ડ કાઢી આપવા માટે પોસ્ટમાસ્તરને લેખિત જાણ કરી હતી. તેમછતાં પોસ્ટઓફિસના અધિકારીઓ દ્વારા ડુપ્લિકેટ બોન્ડ કાઢી આપવામાં આવતો ન હોવાથી અરજદાર મુશ્કેલીમાં મુકાયો છે. સેવાલિયામાં રહેતાં પ્રભાજી ધનાજી મારવાડીએ વર્ષો અગાઉ સરકાર પાસેથી છુટક કેરોસીન વેચવાનો પરવાનો મેળવ્યો હતો. જે માટે તેઓએ જે તે વખતે પોસ્ટઓફિસમાં રૂપિયા ૨૫૦૦ જેટલી રકમ ભરી, તેનો બોન્ડ સરકારમાં ડિપોઝીટ પેટે જમા કરાવ્યો હતો. પરંતુ, હવે સરકાર દ્વારા કેરોસીનનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હોવાથી તમામ પરવાનેદારોને બોન્ડ પરત આપવામાં આવી રહ્યું છે. જેથી પ્રભાજી મારવાડીએ બોન્ડ પરત મેળવવા માટે ગળતેશ્વર મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો હતો.
જે તે વખતે મામલતદાર કચેરીમાં હાજર કર્મચારીએ પ્રભાજી મારવાડીનો બોન્ડ શોધવા માટે ઘણી ફાઈલો ફેંદી હતી. પરંતુ, બોન્ડ મળી આવ્યો ન હતો. જેથી ગળતેશ્વર મામલતદારે ગત તા.૧૮-૮-૨૨ ના રોજ સેવાલિયા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરને લેખિત અરજી મોકલાવી પરવાનેદાર પ્રભાજી મારવાડીને ડુપ્લિકેટ બોન્ડ કાઢી આપવા જણાવ્યું હતું. જેના પગલે પોસ્ટઓફિસના અધિકારીએ પરવાનેદાર પ્રભાજી મારવાડીને બીજા દિવસે પોસ્ટઓફિસ બોલાવી, ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં જણાવ્યું હતુ કે, જો તમે ડુપ્લિકેટ બોન્ડના આધારે રૂપિયા લઈ જાવ, પછીથી અસલી બોન્ડ કોઈના હાથમાં આવે અને તે પોસ્ટમાં રજુ કરે તો બે વખત પેમેન્ટ થઈ જાય તેવા બહાંના કાઢ્યાં હતા અને ડુપ્લિકેટ બોન્ડ કાઢી આપ્યો ન હતો. આમ, પોસ્ટઓફિસના અધિકારીની આપખુદશાહીને કારણે મધ્યમવર્ગીય પરવાનેદાર મુશ્કેલીમાં મુકાયો છે.