Charchapatra

શુભ મુહૂર્તની માયાજાળ

રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધવાના  શુભ મુહૂર્તે ખૂબ ચર્ચા ચલાવી. થોડાં વર્ષો  પહેલાંથી આવો કોઈ નવો અખતરો દરેક  રક્ષાબંધનમાં ચાલતો આવ્યો છે. આપણા  બાળપણમાં આવું કંઈ હતું? બે દિવસ શાળામાં  રજા! બધાને મજા! અને ખૂબ ઉત્સાહભેર  રક્ષાબંધનની ઉજવણી થતી અને બહેન કોઈ પણ  સમયે રાખડી બાંધી ભાઈની મંગલકામના કરતી.  પરંતુ થોડાં વર્ષથી તો આ મુહૂર્તની માયાજાળે  દરેક તહેવાર ટૂંકા અને લાગણીવિહીન બનાવી  દીધા છે અને એ તો દેખેતી જ વાત છે કે  રક્ષાબંધનમાં બધી બહેનો એક સાથે કોઈ ચોક્કસ  મુહૂર્તને સાચવી શકે નહીં.

શહેરના, દેશના કે  દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ભાઈને કોઈ  ચોક્કસ મુહૂર્તના સમયગાળામાં રાખડી બંધાય એ  શક્ય જ નથી અને એમ જોઈએ તો  ભાઈ-બહેનનો પ્રેમ અને લાગણી કોઈ મુહૂર્તના  બંધાયેલા નથી. એ તો અવિરત છે. દરેક તહેવાર  ખુશીઓનો છે અને જ્યારે દિલ ખુશ હોય ત્યારે  કોઈ મુહૂર્ત છે ખરું? શું જન્મ કે મૃત્યુ સમયે મુહૂર્ત  જોવાય છે. દરેક તિથિ, તારીખ અને વાર  સૂર્ય-ચંદ્રની ગતિના આધારે નક્કી જ હોય છે. તો  કોઈ માણસ કઈ રીતે એને શુભ-અશુભ કહી  શકે! દરેક તહેવારમાં આત્મજનોનો ઉત્સાહ અને  લાગણી જ મહત્ત્વનાં છે. બાકી બધું વ્યર્થ છે.
અમરોલી – પાયલ વી.પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જાપાનમાં શિક્ષક મહિમા
જાપાનમાં કોઇ દિવસ શિક્ષક દિન ઉજવાતો નથી. આપણને આશ્ચર્ય થાય કે જે દેશ અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આટલો આગળ છે, તે શિક્ષકો અને તેમના કામ પ્રત્યે આટલો અનાદર કેમ કરે છે? પણ એવું નથી. ત્યાં શિક્ષકો પ્રત્યે એટલો આદર વ્યક્ત થાય છે કે બસ, મેટ્રો કે કોઇપણ પરિવહનના સાધનોમાં અતિ ભીડ હોવા છતાં શિક્ષકને તેણે પહેરેલા ટેગને લીધે સીટ પહેલા ઓફર કરાય છે. વૃદ્ધ માણસ પણ પોતાની સીટ પરથી ઉઠીને આદર સહિત શિક્ષકને બેસવા વિનંતી કરે છે. અરે, ત્યાં શિક્ષકો માટે અલગ દુકાનો હોય છે.

જ્યાંથી શિક્ષકો ઓછી કિંમતે સામાન ખરીદી શકે છે. જાપાનમાં શિક્ષણ એ ખૂબ જ આદરણીય વ્યવસાય છે. અને શિક્ષક સૌથી આદરણીય વ્યક્તિ છે. શિક્ષકો પોતાની દુકાને આવે, તેને તેઓ પોતાનું સન્માન માની ખુશ થાય છે. તેમના માટે મેટ્રોમાં ખાસ બેઠકો હોય છે. શિક્ષકો કોઇપણ પ્રકારના પરિવહન માટે ટિકિટ માટે કતારમાં ઉભા રહેતા નથી. તેથી જ જાપાની શિક્ષકોને કોઇ ખાસ ‘શિક્ષક દિન’ની જરૂર નથી. જ્યારે તેમના જીવનમાં દરેક દિવસ શિક્ષક-દિવસની જ ઉજવણી હોય છે. સમાજમાં આ સ્તરે શિક્ષકોની કદર થવી જોઇએ એવું નથી લાગતું?
સુરત- કલ્પના વિનોદ બામણિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top