એતો હજારો વર્ષનું વાસ્તવ છે કે નાટક નામનું સ્વરૂપ દરેક પ્રકારના રાજકીય, સામાજિક સંજોગોમાં ટકયું છે. હા, તેના સ્તરમાં ફેરફાર આવ્યા છે ને આવ્યા કરે કારણ કે શ્રેષ્ઠતા સિધ્ધ કરનારા તો ઓછા જ હોવાના અને શ્રેષ્ઠતા લાંબો સમય ટકે તો તેને એ કળાનું અને ભાવકોનું નસીબ માનવું. દરેક પગલે તીરથ નથી આવતા. પગલે પગલે આગળ વધતા રહો તો તીરથ અને પછી એ તીરથ પણ પાર થઇ જવાનું હોય.
ગુજરાતી નાટકે કોરોના કાળમાં એક પ્રકારના સંકટનો અનુભવ કર્યો. જો કે ગુજરાતની રંગભૂમિ વ્યવસાયી રંગભૂમિ નહોતી એટલે તેમના માટે મોટું સંકટ નહોતું. બસ, તેઓ નાટક ભજવી શકતા નહોતા. કળાકારો માટે અલબત્ત, આ જ તો સંકટ હોય કે અમે પર્ફોર્મ નથી કરી શકતા પરંતુ કોરોનાનો પ્રભાવ ઓછો થયા પછી ગુજરાતની નાટ્ય પ્રવૃત્તિમાં કોઇ જબરદસ્ત ગતિ – પ્રવૃત્તિ અનુભવાતી હોય એવું ય નથી. ઘણા નાટય કળાકારો એવી તકની રાહ જોઇ રહ્યા છે કે ગુજરાતી ફિલ્મો કે TV સીરિયલોમાં કામ મળે. જો કે ફિલ્મ TVવાળાનું બજેટ કાંઇ મોટું નથી હોતું એટલે ત્યાં પણ મોટા સમાધાન કરી જાહેરમાં એવું રાજી થવાનું હોય છે કે હવે હું ફિલ્મોમાં કામ કરું છું. TVમાં કામ કરું છું. સુરતમાં તો એવા ફિલ્મ નિર્માતા પણ ખાસ નથી અને સૌરાષ્ટ્રના નિર્માતા હોય તો તેમની પસંદગી અલગ હોય છે.
આવા સંજોગો વચ્ચે સુરતના નાટ્યકળાકારો તો મહાનગરપાલિકા યોજિત નાટ્ય સ્પર્ધા માટે તૈયાર થઇ ગયા છે. ગાંધી સ્મૃતિ ભવનના બદલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં તેઓ નાટકો ભજવશે. સુરતના નાટ્યકર્મીઓ માટે આ સ્વાભાવિક જ બહુ મોટી ઘટના છે. આ દરમ્યાન મુંબઇ – ભારતીય વિદ્યાભવને પણ કમલેશ મોતા – એકપાત્રીય ગુજરાતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સ્પર્ધા યોજી છે. અગાઉ પણ આ રીતે સ્પર્ધા યોજેલી એટલે પ્રશ્ન થાય કે એકાંકી સ્પર્ધા નહીં અને એકપાત્રીય સ્પર્ધા કેમ? – શું આમાંથી ભવિષ્યની કોઇ દિશાના સંકેત મળે છે?
અત્યારે મોટા બજેટનાં નાટકો શકય બનતાં નથી. વિત્યા અઢી-ત્રણ દાયકાથી મુંબઇની વ્યવસાયી રંગભૂમિ જે તે સામાજિક સંસ્થાઓને હવાલે છે. આર્થિક સલામતીની લ્હાયમાં તેમણે બોકસઓફિસ મારી નાંખી છે. એવા સંજોગોમાં નાટકના વ્યવસાયને જુદી રીતે વિચારવો પડે એમ છે. મુંબઇમાં અત્યારે એક સંજય ગોરડીયાના નાટ્ય જૂથ સિવાય કોઇ વધારે નાટકો કરી શકતું નથી. સિધ્ધાર્થ રાંદેરિયા પણ હવે મર્યાદિત રીતે નાટકો કરે છે અને ગુજજુભાઇ શ્રેણીના નાટકો પછી તેઓ પ્રયોગ કરવાની દશામાં રહ્યા નથી. તેમના કોમેડી નાટકો ભલે જુદા જુદા શીર્ષક હેઠળ જુઓ પણ લાગશે એકના એક. પ્રેક્ષકો લાંબો સમય આવું બધું ચલાવી લેતા નથી.
મુંબઇની રંગભૂમિ હકીકતે તો પ્રવીણ જોશી, કાન્તિ મડિયા, શૈલેશ દવે, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા વિઝનરી દિગ્દર્શક – અભિનેતાનો ખાલીપો અનુભવે છે. એવા દિગ્દર્શક નથી એટલા મોટા નાટક નથી આવતા અને અભિનેતા – અભિનેત્રી પણ નથી આવતા. અભિનેતા – અભિનેત્રીની હેસિયત નાટકના લેખક – દિગ્દર્શક વડે જ ઊભી થઇ શકતી હોય છે.
હમણાં પ્રતીક ગાંધી હિન્દી ફિલ્મોમાં એક સારી જગ્યા મેળવી શકયા છે પણ તે મુંબઇની લોકપ્રિય રંગભૂમિ વડે નહીં વૈકલ્પિક રંગભૂમિ વડે શકય બન્યું છે. લોકપ્રિય રંગભૂમિના દિગ્દર્શકો હવે ગુજરાતી ફિલ્મો બનાવવા તરફ વળ્યા છે. વિપુલ મહેતા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ગુજરાતી રંગભૂમિ પર આતિશ કાપડિયા, પ્રકાશ કાપડિયા જેવા લેખકોએ થોડા મૌલિક નાટકો આપી ઉત્સાહ જગાડેલો પણ તેઓ ય હિન્દી TV સીરિયલ, ફિલ્મોના લેખક બની ગયા છે. ઉત્તમ ગડા જેવા લેખક હવે રહ્યા નથી અને પ્રવીણ સોલંકી હવે વધુ રૂપાંતરો કરતા નથી.
હકીકતે તેમની પાસે નાટકો માંગનારા સક્ષમ નિર્માતા – દિગ્દર્શક પણ નથી. પરિણામે તમે જોશો કે મુંબઇની રંગભૂમિ સ્થગિતતાનો અનુભવ કરી રહી છે. ત્યાં કોઇ અભિનેતા અભિનેત્રી હવે નાટકને સમર્પિત થઇને રહી શકે તેમ નથી. હિન્દી TV સીરિયલો અને ફિલ્મોમાં નાના – મોટા કામ મળી શકે છે. સંસ્થાઓએ નાટક વેચવા તો કોને નામે વેચવા? આ કારણે જ તમે જોશો કે મુંબઇના જે અખબારમાં શનિ – રવિ દરમ્યાન પૂરા બે પાના ભરીને નાટકની જાહેરાત આવતી તે હવે અડધું પાનું ભરીને ય નથી આવતી. મુંબઇની અને ગુજરાતની રંગભૂમિ માટે અત્યારે ચિંતા અને ચિંતનનો સમય છે – જો નાટકનું સ્વરૂપ પ્રેક્ષકો વચ્ચે સ્વમાનભેર ટકાવવા માંગતા હોય તો.
અત્યારે તો પ્રેક્ષકોની રસવૃત્તિ પણ પ્રગલ્ભ નથી રહી. ઉત્તમ નાટકો માણવાની ક્ષમતા તેણે ગુમાવી દીધી છે. કોમેડી – કોમેડાથી નાટકની શ્રેષ્ઠતા સર્જી ન શકાય. ધંધાદારીપણાની લ્હાયમાં નાટકે તેનો દરજજો ગુમાવી દીધો છે. નાટક ટકશે પણ સારા લેખકો અને દિગ્દર્શકો વિના તે શકય નથી. મુંબઇની કે ગુજરાતની નાટ્યપ્રવૃત્તિ એ દિશામાં પ્રયત્નશીલ છે? સ્પર્ધામાં એ કામ કરી શકે?…. રંગભૂમિ પાસેથી જ ઉત્તર મળે તેની રાહ જોઇએ.
કરોડોના ખર્ચે બનેલા સુરતનાં ઓડિટોરિયમ્સ બંધ રાખવા બનાવાયાં છે?
સુરતનાં નાટ્યજૂથો વ્યવસાયી રીતે નાટકો કરતા નથી એટલે તેમને નાટ્યગૃહોનાં ભાડાં અને નાટકના અર્થકારણ વિશે મોટી નિસબત હોતી નથી. મહાનગરપાલિકા નાટ્યસ્પર્ધા ન યોજે તો આ જૂથો જરૂર ઊહાપોહ કરે પણ નાટ્યગૃહોના ભાડા વિશે ફરિયાદ નહીં કરશે. સંજીવકુમાર ઓડિટોરિયમનું ભાડું 60 હજાર છે, ત્યાં મુંબઇના કમર્શિયલ નાટકોને પણ મુશ્કેલી પડે છે. પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ઓડિટોરિયમનું ભાડું 32 હજાર છે ને ત્યાં વ્યવસાયી રીતે નાટકો કરનારા આવે નહીં અને સુરતમાં નિયમિત રીતે વૈકલ્પિક રંગભૂમિ નથી એટલે તેના નાટકો ય ન ભજવાય એટલે વર્ષમાં તે કયારેક જ ચાલુ હોય છે. બાકી આમ જ ખાલી પડી રહે છે.
ગાંધી સ્મૃતિભવન હવે રહ્યું નથી. મહાનગરપાલિકા પાસે રંગઉપવન છે, સરદાર સ્મૃતિભવન છે પણ તે ખાલી રહે છે. અરે, ઇન્ડોર સ્ટેડિયમ પણ ખાલી જ રહે છે. આ બધા ઓડિટોરિયમનાં સંચાલન વિશે મહાનગરપાલિકા બેપરવાહ છે. શહેરની જાહેર જગ્યા આ રીતે અમથી રોકાયેલી રહે છે. સુરતના નાગરિકો આ વિશે સવાલો કરતા નથી, ઊહાપોહ કરતા નથી એટલે પણ આ બધું ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા ઓડિટોરિયમનાં ભાડાં ઓછા કરે અને એપ્રોચેબલ બનાવે તો વ્યવહારુ કહેવાશે. ‘સ્પા’ જેવી સંસ્થા આ વિશે ઊહાપોહ નથી કરતી કારણ કે તેમણે વ્યવસાયી રીતે નાટકો કરવાના હોતા નથી. આખર કોણ મહાનગરપાલિકાને કહેશે? સુરત પાસે ઓડિટોરિયમ છે તે કોના માટે છે? કરોડોના ખર્ચે બન્યા પછી શા માટે તે સામાન્યપણે ઉપયોગ વિનાના બની ગયા છે? કોઇ સવાલો કરશે તો ઉત્તર મળશે. મહાનગરપાલિકાના ઓડિટોરિયમ્સ છે પણ ઓડિયન્સ વિનાના. કારણ તેમણે વ્યવહારુ બનવું નથી.
-બકુલ ટેલર