આણંદ : આણંદ જિલ્લામાં કોરોના દરમિયાન આશા ફેસીલેટર બહેનોએ પોતાના જીવનને જોખમમાં નાખીને સવારના ૮થી રાતના 10 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી કરી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ વિસ્તારમાં ગૃહ મુલાકાત કરીને લાભાર્થીઓને સેવા પૂરી પાડી હતી. તેમ છતાં તેમને સરકાર તરફથી જાહેર કરેલી રકમ આપવામાં આવી નથી. જેના કારણે આશા ફેસીલેટર બહેનોને માનસિક તણાવ અને આર્થીક સંકડામણનો સામનો કરવો પડે છે. જેના અંતર્ગત આશા ફેસીલેટર અને મહિલા શક્તિ સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર મોકલાયો હતો.
આશા ફેસીલેટર અને મહિલા શક્તિ સેના દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી ખતરનાક મહામારી સમયે એપ્રીલ 2020થી આશાવર્કર બહેનો અને આશા ફેસીલેટર બહેનો દ્વારા જીવના જોખમે કોરોના વોરીર્યસનું કામ કરવામાં આવે છે. તેઓ પોતાના કુટુંબની પરવા કર્યા સિવાય સવારના ૮ થી રાત્રિના 10 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી બજાવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં ગૃહમુલાકાત કરીને લાભાર્થીઓને સેવા પૂરી પાડે છે.
જેના પગલે 19 ઓગષ્ટ, 2020ના રોજ કમીશ્નર, આરોગ્ય અને તબીબી સેવાઓ, ગાંધીનગર તરફથી જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતને પરીપત્ર મોકલેલો, જેમાં કોરોના ભથ્થુ રુપે આશા વર્કરની બહેનોને પ્રતિમાસ 1 હજાર અને આશા ફેસીલેટરને પ્રતિમાસ 500 રુપિયા ચુકવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ રકમ તેમને ચુકવામાં આવી નથી. આ વિશે વારંવાર રજુઆત કરવા છતાં કોરોનાનું મહેનતાણું ચુકવાયું નથી. જેના કારણે બહેનોને આર્થીક સંકડામણ ભોગવાનો વારો આવ્યો છે. આ રકમનું તાત્કાલિક ધોરણે ચુકવણું કરવામાં આવે અને જ્યાં સુધી રકમનું ચૂકવણું કરવામાં ન આવે ત્યાં સુધી આશા ફેસીલેટર બહેનો અને આશા વર્કરની બહેનો અન્ય સેવાઓ ચાલુ રાખશે. પરંતુ વેક્સીનની કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ હતી.