પાકિસ્તાનમાં સૈન્ય પણ સલામત નથી. આતંકવાદી સંગઠન તાલિબાને ગુરુવારે રાત્રે અહીં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (Inter Service Public Relations) (ISPR) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. ISPR પાકિસ્તાની આર્મીની મીડિયા વિંગ અને તેના દ્વારા સેનાને લગતી માહિતી મીડિયા અને લોકો સુધી પહોંચે છે.
એક ન્યૂઝ અનુસાર, ઘટના ગુરુવારે રાત્રે દક્ષિણ વજીરિસ્તાનના માકન વિસ્તારમાં બની હતી. અહીં સૈન્યની એક ચેક પોસ્ટ છે. આતંકીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. સેનાએ આનો જવાબ આપ્યો. આ હુમલામાં ચાર સૈનિકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. 16 સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. ઘટના બાદ અહીં સૈન્યની ટુકડી મોકલવામાં આવી હતી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આ હુમલાની નિંદા કરી છે.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકો સર્ચ ઓપરેશન પર ગયા હતા. આ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
વજીરિસ્તાનમાં ઘણા આતંકવાદી સંગઠનો હાજર છે. આ જૂથો મોટા ભાગે તાલિબાન અથવા તેના અન્ય સંગઠનો સાથે સંકળાયેલ હોય છે. ગયા અઠવાડિયે, એક એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પછી, આતંકી સંગઠનોએ બદલો લેવાની ધમકી આપી હતી. ઘણી વખત આતંકીઓ અહીં અપહરણ પણ કરે છે. આ જ ક્ષેત્રની સંસ્થાઓ પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સમા ટીવીના એક અહેવાલમાં જણાવાયું છે કે સૈનિકો પર તાલિબાન જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે બળવાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને આ હુમલાની નિંદા કરી છે. આ મહિનાની શરૂઆતમાં, ઉત્તરીય વજીરિસ્તાનમાં બળવાખોરો સાથેની અથડામણમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હુમલો થયો તે વિસ્તાર પર્વતોથી ભરેલો છે અને બળવાખોરો હુમલો કર્યા પછી અહી છુપાય છે.
20 સૈનિકો ત્રણ મહિના પહેલા માર્યા ગયા હતા
ઓક્ટોબર 2020 માં, સૈનિકો પર વજીરિસ્તાનમાં હુમલો કરવામાં આવ્યો. ત્યારે 20 સૈનિકો માર્યા ગયા. આ પહેલા, ખૈબર પખ્તુનખ્વામાં પણ હુમલો થયો હતો. તેમાં 14 સૈનિકો માર્યા ગયા હતા.