ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં કોરોના મહામારીનું (Corona Pandemic) જોર ઘટતાં 15-19 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ લાંબા અંતરાલ બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં તબક્કાવાર 18 ફેબ્રુઆરીથી 6 થી 8 ધોરણના વર્ગો પણ શરૂ થયા હતા. કોરોનાની મહામારીના પગલે શૈક્ષણિક વર્ષ 2020- 21 માટે ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા 7 થી 15 જૂન 2021 દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 12 ની પ્રથમ શાળાકીય પરીક્ષા 19 થી 27 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી. એન. રાજગોરના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020- 21 માટે ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે. જેથી નિયત કરેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસ ક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે.
ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલા 70 ટકા અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગત મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. આ ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં પ્રથમ તેમજ બીજી પરીક્ષામાં વિદ્યાર્થીઓનાં ગુણ ધ્યાને લેવામાં આવે છે. જેને સ્થાને હાલનીની પરિસ્થિતિ ફક્ત શૈક્ષણિક વર્ષ 2020- 21 માટે આંતરિક મૂલ્યાંકન માત્ર પ્રથમ પરીક્ષાનાં ગુણ ધ્યાને લેવાના રહેશે.
નોંધનીય છે કે આજે જાહેરાત કરવમાં આવી છે કે ધોરણ 3 થી ધોરણ 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. જાણવા મળ્યુ છે કે તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.